શાહ, હાતિમ (જ. 1691, દિલ્હી; અ. 1787, દિલ્હી) : ઉર્દૂ કવિ અને સંત. તેમનું ખરું નામ શેખ જહુર-ઉદ્-દીન ફતેહ-ઉદ્-દીન હતું. ‘હાતિમ’ તેમનું તખલ્લુસ છે. તેથી તેઓ ‘શાહ હાતિમ’ના નામથી વધુ જાણીતા હતા. તેઓ સાધનસંપન્ન પરિવારમાં જન્મ્યા હોવાથી યુવાનીમાં તેમણે વૈભવી જીવન ગુજાર્યું.
તેઓ દિલ્હી દરબારના અમીર મલિકખાનના ધંધાદારી સૈનિક હતા ત્યારે બેફિકરાઈથી જીવ્યા; પરંતુ ક્યારેક તેઓ દિલ્હીમાં કદમ શરીફ નજીક સંત મીર બાદલ અલી શાહના તકિયાની મુલાકાતે જતા. તે પવિત્ર પુરુષની નિકટ આવતાં અને તેમના લાંબા સાહચર્યથી તેમના જીવનમાં સદંતર પરિવર્તન આવ્યું. બધા મોજશોખ અને વૈભવનો ત્યાગ કર્યો અને દરવેશ (ફકીર) જેવા બની ગયા; એટલું જ નહિ તેમને તેમના હકની જે રકમ મળતી તેમાંથી જૂજ વસ્તુઓના આધારે જીવન જીવવાનું શરૂ કર્યું. તેઓ બાદલ અલી શાહ પાસેથી શેરશાયરી ઉપરાંત અધ્યાત્મના પાઠ શીખ્યા.
તેમના જીવનમાં આવું પરિવર્તન આવ્યા બાદ તેમણે દિલ્હીમાં રાજઘાટ નજીક લાલ કિલ્લા નીચે શાહ તસ્લીમની પવિત્ર બેઠક (તકિયો) પસંદ કરી, ત્યાં તેમના મિત્રો અને અનુયાયીઓ સાથે સાહિત્યિક આદાનપ્રદાન ચાલતું. આ કામગીરી વર્ષો સુધી ચાલતી રહી. તેમની પોતાની યાદી મુજબ, જેમને તેઓ ઉર્દૂ ભાષા અને કાવ્યના સૂક્ષ્મ મુદ્દાઓની જટિલતા વિશે સૂચનો અને માર્ગદર્શન આપતા તેવા તેમના 45 અનુયાયીઓ હતા. તેમાં મિરઝા મુહમ્મદ રફી ‘સૌદા’, સાદર યાર ખાન ‘રંગીન’, મિયાં મુહમ્મદ અમાન ‘નિસાર’, લાલા મુકુન્દરાય ‘ફરાઘ’, અકબર અલી ‘અકબર’, ‘તબાન’, ‘બકા’ અને ‘આસર’ વગેરેનો સમાવેશ થાય છે. શાયર હાતિમ ધીમે ધીમે ‘ઉસ્તાદ’ તરીકે જાણીતા થયા.
શાયર તરીકેની તેમની પ્રારંભની કારકિર્દી ‘રમ્ઝ’ તખલ્લુસથી ચાલુ થયેલી, જે પાછળથી ‘હાતિમ’માં ફેરવાઈ. ઉર્દૂ કવિતાક્ષેત્રે તેમનું પ્રદાન વિલક્ષણ રહ્યું. તેમના ‘કુલિયાત’(સંપૂર્ણ કૃતિઓ)માં ગઝલ, કસીદા, રુબાઈ અને મસનવી વગેરે જેવાં તે કાળમાં જાણીતાં તમામ કાવ્યસ્વરૂપોનો સમાવેશ થાય છે. આ તેમની દળદાર અને કાયમી કૃતિ હોઈ તેમણે તેમાંથી પસંદ કરીને તેના સંક્ષેપ રૂપે ‘દીવાનજાદા’ (દીવાનપુત્ર) તૈયાર કર્યો જે એક સૈકા કરતાં વધુ સમય બાદ હસરત મોહનીએ પ્રગટ કર્યો અને હાલ તે બ્રિટિશ મ્યુઝિયમમાં છે.
હાતિમે પોતે પોતાના હસ્તાક્ષરમાં પારસી દીવાન રચ્યો. તેનાં 90 પાનાંમાં ગઝલો અને 6 પાનાંમાં રુબાઈઓ સંગૃહીત છે. એક ધર્મપ્રસારકના ઉત્સાહથી તેમણે ઉર્દૂ ભાષા અને સાહિત્યની સેવા કરી અને તેમણે પોતે રચનાઓ કરી; એટલું જ નહિ, પરંતુ તેમના અનુયાયીઓને સરળ ભાષા અને સ્પષ્ટ તથા અંતરંગ શૈલીમાં લખવા પ્રોત્સાહન આપ્યું. ઉર્દૂ કવિતાની શૈલીમાં સુધારણા વિશે તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. તે ભાષાની અદ્યતન સંરચના અને લાલિત્ય તેમના પ્રયાસોને આભારી છે; તેથી જ તેઓ પાછળથી ઉર્દૂ સાહિત્યના દિલ્હી ઘરાનાના સ્થાપક અને પિતા લેખાયા.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા