શાહ, શાંતિલાલ અમૃતલાલ (જ. 13 જાન્યુઆરી 1920; અ. 27 ફેબ્રુઆરી 2006, અમદાવાદ) : ‘ગુજરાત સમાચાર’ દૈનિકના પ્રતિષ્ઠાપક તંત્રી. વ્યાવસાયિક કારકિર્દી જાહેરખબરની એજન્સીથી શરૂ કરનાર શાંતિલાલ શાહે પત્રકારત્વ અને પ્રકાશનગૃહના એક સંચાલકની ભારોભાર ક્ષમતા દાખવીને પત્રકારત્વ ક્ષેત્રે આગવી ખ્યાતિ પ્રાપ્ત કરી.

શાંતિલાલ અમૃતલાલ શાહ
નવા વિષયોનું ખેડાણ ક૨વાની શ્રી શાંતિલાલ શાહની સૂઝ, લેખકો અને સાહિત્યકારોની કટારો દ્વારા સંસ્કારિતાનું સંવર્ધન કરવાની ખેવના, વહેલી સવારથી મોડી રાત સુધી અખબારનાં તમામ પાસાંઓને માર્ગદર્શન આપવાનો એમનો ઉત્સાહ નવી પેઢીને માટે પ્રેરણારૂપ ગણાય. જીવનનાં 55 કરતાં પણ વધુ વર્ષો તેઓ અખબારજગત સાથે સંકળાયેલા રહ્યા અને 46 વર્ષ સુધી ‘ગુજરાત સમાચાર’ના તંત્રી તરીકે એમણે સક્રિય કામગીરી બજાવી.
‘ગુજરાત સમાચાર’ના ભવનમાં પ્રવેશતાં જ સામે ખુલ્લા દરવાજાવાળા ખંડમાં એ બેઠા હોય. જાણે આમજનતાના એક આદમી હોય એવી સાદાઈ, નિખાલસતા અને હૂંફ. જે અખબારી કચેરીમાં પ્રવેશે તેને એમનો ઉમળકાભર્યો અને વહાલસોયો આવકાર મળતો. લોકસંપર્કની અને મૅનેજમેન્ટની એમની આ આગવી પદ્ધતિ હતી.
ખમીરવંતા પત્રકાર તરીકે પત્રકારના સ્વમાન અને ખમીરની શ્રી શાંતિલાલ શાહે હંમેશાં આરાધના કરી. ગુજરાતનાં લોકઆંદોલનો વખતે પ્રજાહૃદયના જુવાળને કોઈનીય શેહશરમ રાખ્યા વિના વાચા આપી. મહાગુજરાતની ચળવળ, નવિનર્માણનું આંદોલન કે અનામત આંદોલન સમયે ‘ગુજરાત સમાચાર’ની મહત્ત્વની ભૂમિકા રહી. નર્મદા યોજનાને સાકાર કરવામાં એમણે ગુજરાતની પ્રજાનો બુલંદ અવાજ રાજકીય સ્તરે પ્રગટ કર્યો.
પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને છેક અટલબિહારી બાજપેયી સુધીના રાજનેતાઓ સાથે એમને ઘરોબો હતો; પરંતુ એમણે પોતાના આગવા સ્વમાનથી કોઈ રાજપુરુષ કે રાજકીય પક્ષની વિચારધારાને ટેકો આપવાને બદલે અખબારની સ્વતંત્રતા અને વ્યવસાયની પવિત્રતા જાળવી હતી.
રાજપુરુષો સાથે અત્યંત ગાઢ અને આત્મીય સંબંધો હોવા છતાં એ ક્યારેય પોતાનું અંગત કામ લઈને એમની પાસે ગયા નહોતા. એ જ રીતે વિજ્ઞાપનની બાબતમાં પણ રાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સાથે સંબંધ હોવા છતાં એમણે ક્યારેય વિજ્ઞાપન માટે માગણી કરી નહોતી. તેમજ વિજ્ઞાપન મેળવવા માટે ક્યારેય કોઈની વિરુદ્ધ કશું લખાણ પ્રગટ કર્યું નહીં.
ગુજરાતની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિનું નજદીકથી નિરીક્ષણ કરવામાં અને તેનું સમીક્ષણ-પરીક્ષણ કરવામાં ‘ગુજરાત સમાચાર’ પત્રનો સિંહફાળો રહ્યો છે. આ સમાચારપત્રના કેન્દ્રમાં શાંતિભાઈ શાહ હોવા છતાં તેઓ પ્રસિદ્ધિથી દૂર રહેતા.
‘ગુજરાત સમાચાર’ને પ્રજાનો અવાજ બનાવવા માટે વખત આવે શ્રી શાંતિલાલ શાહે ભારે હિંમત દાખવી હતી. ‘ગુજરાત સમાચાર’ને સળગાવી નાખવાનો પ્રયત્ન થયો, ત્યારે એમણે તદ્દન સ્વસ્થ રીતે, સમતા રાખીને એ મહાઆપત્તિનો સામનો કર્યો અને રાખમાંથી પુનઃસર્જન થાય, તેમ ‘ગુજરાત સમાચાર’ને અગાઉ જેવું જ જીવંત અને ધબકતું કર્યું.
વિજ્ઞાપનના વ્યવસાયથી એમણે 1938માં પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો. એ સમયે તેઓ અખબારની કચેરીઓની મુલાકાતે જાય અને એના પ્રવાહોનો અભ્યાસ કરે. મુંબઈ કે કૉલકાતા જાય ત્યારે માતબર ગણાતા અખબારની કચેરીમાં જઈને એની કાર્યપદ્ધતિનો અને એની અદ્યતન ટૅક્નૉલૉજીનો પરિચય કેળવતા હતા. એ વખતે રોજ આઠ વાગ્યે ઘેરથી નીકળતા અને રાત્રે બે વાગ્યે છપાયેલું અખબાર લઈને ઘેર પાછા આવતા.
આઝાદી પછીના કાળમાં સ્વતંત્રતા મેળવેલી પ્રજાની નવી રુચિને પારખવામાં અખબારોએ પીછેહઠ કરી હતી. એ સમયે ‘ગુજરાત સમાચાર’ના માલિકો પાસે એક જ કલાકમાં પચાસ હજાર નકલો બહાર પાડે તેવું ઇંગ્લૅન્ડથી આયાત કરેલું યંત્ર હતું, ત્યારે ગુજરાત સમાચારનો ફેલાવો માંડ બાર હજારનો હતો. આથી કેટલીયે નકલો પસ્તીમાં આપી દેવી પડતી હતી. ‘ગુજરાત સમાચાર’નું ટર્નઓવર ચાર લાખનું હતું અને માથે સોળ કરોડનું દેવું હતું.
‘ગુજરાત સમાચાર’નું ભવ્ય મકાન વેચીને કૉંગ્રેસ ભવન શરૂ કરવાની વિચારણા થતી હતી, ત્યારે યુવાન શાંતિલાલ શાહે દાદાસાહેબ માવલંકરને કહ્યું કે ‘ગુજરાત સમાચાર’ સંભાળવાની તક આપો અને માત્ર છ મહિનાનો સમય આપો અને આ અખબારને દેવામાંથી બહાર કાઢીને કમાણી કરતું કરી દઈશ. દાદાસાહેબ માવલંકરે આ યુવાનના ઉત્સાહ અને આત્મવિશ્વાસને જોઈને એ જ ક્ષણે ‘ગુજરાત સમાચાર’નું સુકાન એમને સોંપ્યું. એ જ ક્ષણથી માંડીને જીવનના અંત સુધી ‘ગુજરાત સમાચાર’ને માટે શાંતિભાઈએ જીવન ગાળ્યું.
એમણે જોયું કે અખબારના પૂર્ણ વિકાસ માટે તંત્રીની ચોવીસે કલાક હાજરી જરૂરી છે, તેથી અમદાવાદના રતનપોળ હાથીખાનાના મકાનમાંથી નીકળીને ‘ગુજરાત સમાચાર’માં ઉપરના માળે રહેવા આવ્યા. અડધી રાત્રે પણ કોઈ મુશ્કેલી આવતાં તેઓને ઉઠાડી શકાતા. એ સમયે એમની પાસે એક જ કાર હતી, જેનો ઉપયોગ તેઓ દિવસે પોતાને માટે કરતા અને રાત્રે એ કારમાં પાર્સલ મોકલવામાં આવતાં.
શાંતિલાલ શાહના આ અપ્રતિમ પુરુષાર્થે ‘ગુજરાત સમાચાર’ને પ્રગતિના પથ પર મૂકી દીધું; પરંતુ માત્ર એટલાથી એમને સંતોષ નહોતો અને એથી એમણે અનેક લેખકોને પ્રોત્સાહન આપ્યું. કેટલાય કટારલેખકો, પત્રકારો અને તસવીરકારોના ‘માળી’ બન્યા. પ્રતિષ્ઠિત લેખકોની કૉલમોને સ્થાન આપવાની સાથોસાથ એમણે કેટલાય નવા લેખકોને તૈયાર કર્યા.
એક સમયે ગુણવંતરાય આચાર્ય પાસે અમદાવાદમાં રહેવા માટે ઘર નહોતું, ત્યારે શાંતિભાઈએ એમને ‘ગુજરાત સમાચાર’ના મકાનમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. ઉમાશંકર જોશી, ચંદ્રવદન મહેતા, જયભિખ્ખુ, જીવરામ જોશી, મધુસૂદન પારેખ, પન્નાલાલ પટેલ, બકુલ ત્રિપાઠી, વાસુદેવ મહેતા, કુમારપાળ દેસાઈ, ચંદ્રકાન્ત શાહ, દેવેન્દ્ર પટેલ, જયવદન પટેલ જેવા કેટલાય કટાર લેખકોને એમણે હૂંફ અને સાથ આપ્યાં.
એક સમયે બાળસાપ્તાહિક ‘ઝગમગ’ની લોકપ્રિયતા અને એની પચાસ હજાર નકલોનું વેચાણ આ ક્ષેત્રમાં સીમાસ્તંભરૂપ બની રહ્યું હતું. ચિત્રલોક સિને સર્કલ દ્વારા આગવા કાર્યક્રમો આપ્યા, આની સાથોસાથ શ્રી શાંતિલાલ શાહે રવિવારની પૂર્તિ અને બુધવારની ‘શતદલ’ પૂર્તિ શરૂ કરી, જેની સાથે સાહિત્ય અને સંસ્કારની સામગ્રી આપવાનો આશય રાખ્યો.
માત્ર એક રૂપિયામાં એક પુસ્તક આપવાનું આયોજન કર્યું અને એ રીતે એમણે અનેક ઐતિહાસિક અને સંસ્કારી પુસ્તકો ગુજરાતી પ્રજાને પહોંચાડ્યાં. સ્ત્રીઓ માટે ‘શ્રી’ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો. ‘બુલબુલ’ અને ‘ચિત્રલોક’ જેવી પૂર્તિઓ અને સાપ્તાહિકની સૌપ્રથમ શરૂઆત કરી. ક્રિકેટની પૂર્તિ ઉપરાંત એના ‘ક્રિકેટ જંગ’ નામે વિશિષ્ટ અંકોનું પ્રકાશન કર્યું. એમના દરેક નવપ્રસ્થાનની સાથે, વાચકોની નાડ પારખવાની એમની આવડત દેખાતી હતી. છેલ્લાં દસ વર્ષ એમણે જે પગાર લીધો તે પગાર ઘરમાં આપવાને બદલે ગરીબોને વહેંચી આપ્યો હતો.
શાંતિભાઈની સાદાઈ પણ અનોખી. એમણે ક્યારેય કાંડા ઘડિયાળ પહેર્યું નહોતું. ઑફિસમાં ફરતી વખતે ક્વચિત્ જ ચંપલનો ઉપયોગ કરતા. 80 વર્ષની ઉંમર સુધી જાતે ગાડી ચલાવતા અને લિફ્ટને બદલે પગથિયાં ચડીને ત્રણ માળ ચઢી જતા. એમનાં પત્ની વિમળાબહેનની નિર્મળતા અને ઉદાત્ત ભાવનાનો તેઓ હંમેશાં આદર કરતા. જિંદગીના અંતે પણ એક નિર્મોહ ભાવ અનુભવતા હતા.
એમણે અનેક સંસ્થાઓમાં યોગદાન આપ્યું. ઍનિમલ હેલ્પલાઈન, ઍમ્બુલન્સ અને પાંજરાપોળ કરી, પણ ક્યાંય પોતાનું નામ રાખ્યું નહીં. જીવનના અંતે પણ તેમણે પરિવારજનોને એમ કહ્યું હતું કે લાંબુ, સ્વસ્થ આયુષ્ય ભોગવ્યું છે. જીવનમાં અત્યંત પરિશ્રમ કર્યો છે અને સંપત્તિ પણ પ્રાપ્ત કરી છે. એ સંપત્તિનો સમાજકાજે સદ્ઉપયોગ પણ કર્યો છે અને તેથી પોતાના અવસાન બાદ કોઈ આયોજનો કે સ્મારક નહીં કરવાની સંતાનોને શીખ આપી હતી. વળી પોતાની હાજરીમાં આવનારી પેઢીને અખબારની ધૂરા સોંપીને એમણે એમના વિશાળ અને ઉદાર હૃદયનો પરિચય કરાવ્યો હતો.
‘ગુજરાત સમાચાર’ને એમણે અનેક ક્ષેત્રોમાં વિકસાવ્યું. પત્રકારત્વની કેટલીયે નવી દિશાઓ ખોલી આપી. એમના પ્રત્યેક શ્વાસમાં ‘ગુજરાત સમાચાર’ ધબકાર લેતું હતું અને આથી તો એમની છેલ્લી માંદગી સમયે હૉસ્પિટલમાં જતાં પૂર્વે ‘ગુજરાત સમાચાર’માં આવીને એમણે દિવસભરના છેલ્લામાં છેલ્લા સમાચારોની માહિતી પ્રાપ્ત કરી હતી અને પત્રકારોને મળીને વિદાય લીધી.
છેલ્લે હૉસ્પિટલમાં પણ એ સતત ‘ગુજરાત સમાચાર’ વિશે પૃચ્છા કરતા હતા અને કહેતા હતા કે મારે હજી ગુજરાત સમાચારમાં જવું છે. એ પુનઃ ‘ગુજરાત સમાચાર’માં પાછા આવી શક્યા નહીં, કિંતુ ‘ગુજરાત સમાચાર’ના અણુ-અણુમાં આજે પણ શ્રી શાંતિલાલ શાહનો ઉમળકાભર્યો અવાજ, એમનો ત્વરિત પગરવ, પત્રકારો સાથેની મીઠી અલપઝલપ વાતચીત અને અખબારી સ્વાતંત્ર્યનો અવાજ ગુંજે છે. એમણે પોતાના જીવનકાળ દરમિયાન જ શ્રી શ્રેયાંસ શાહ, સ્મૃતિબહેન શાહ અને શ્રી બાહુબલિ શાહને કાર્ય કરવાની મોકળાશ આપીને પછીની પેઢીને પણ તૈયાર કરી.
રજની વ્યાસ
કુમારપાળ દેસાઈ
