શાહ, વિપુલ અમૃતલાલ (જ. 8 જૂન 1967, ડાકોર) : હિન્દી ફિલ્મો અને ધારાવાહિક શ્રેણીના એક મહત્ત્વના નિર્માતા-દિગ્દર્શક. એમણે મુંબઈની કે. સી. કૉલેજમાં અભ્યાસ કરેલો છે. ફિલ્મસર્જનમાં આવ્યા પહેલાં તેઓ ગુજરાતી નાટકો સાથે સંકળાયેલા હતા. એમની પહેલી ફિલ્મ ‘દરિયા છોરુ’ (1999) ગુજરાતીમાં સર્જાયેલી. આ પછીની બધી ફિલ્મોનું સર્જન એમણે હિન્દીમાં કરેલું છે. હિન્દીમાં એમની પહેલી ફિલ્મ ‘આંખે’ 2002માં સર્જાઈ. જે ગુજરાતી નાટક ‘આંધળો પાટો’ ઉપરથી બની હતી. એમણે અગિયાર ફિલ્મોનું નિર્માણ કરેલું છે અને સાત ફિલ્મોનું દિગ્દર્શન કરેલ છે.  એમણે આઠ ટેલિવિઝન સિરિયલ્સનું નિર્માણ કરેલ છે એમાંની ચારનું દિગ્દર્શન કરેલ છે. એમની દિગ્દર્શક તરીકે અત્યંત પ્રચલિત થયેલી ફિલ્મો ‘વક્ત, ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ’ (2005) જે ગુજરાતી નાટક ‘આવજો વહેલાં ફરી મળીશું’ ઉપરથી બની હતી અને ‘નમસ્તે લંડન’ (2007) ઉલ્લેખનીય છે. ‘ધ કેરાલા સ્ટોરી’ (2023) જેવી અત્યંત ચર્ચાસ્પદ ફિલ્મ પણ એમનું નિર્માણ છે.

વિપુલ શાહે જાણીતી અભિનેત્રી શેફાલી શાહ સાથે 2000ની સાલમાં લગ્ન કરેલ છે.

અભિજિત વ્યાસ