શાહ, વિનોદ (. 23 સપ્ટેમ્બર 1934, રાજકોટ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં નારાયણ શ્રીધર બેન્દ્રે, શંખ ચૌધરી અને કે. જી. સુબ્રમણ્યન્ પાસે અભ્યાસ કરીને 1961માં ચિત્રકલાની સ્નાતક તથા 1963માં ચિત્રકલાની અનુસ્નાતક પદવીઓ હાંસલ કરી. આ જ અભ્યાસ દરમિયાન તેઓ યુરોપના આધુનિક અભિવ્યક્તિવાદી ચિત્રકારો ક્લી અને કૅન્ડિન્સ્કીના ઘેરા પ્રભાવ હેઠળ આવ્યા અને તેથી જાણે દૃશ્યનું પૃથક્કરણ કરતા હોય એ રીતે અર્ધઅમૂર્ત શૈલીમાં નિસર્ગનું તેમજ ગુજરાતની ગ્રામનારીઓનું આલેખન કરતા થયા. તેમણે મુંબઈમાં વીસથી પણ વધુ વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તે ઉપરાંત વડોદરા, દિલ્હી, રાજકોટ, અમદાવાદ, સિંગાપુર, બૉસ્ટન, એડિનબરો (સ્કૉટલૅન્ડ), સાન ફ્રાન્સિસ્કો, જયપુર, લખનઉ, ઑસ્ટિન, કાઠમંડુ અને બૅંગાલુરુમાં પણ ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. દિલ્હીની કેન્દ્રીય લલિત કલા અકાદમીના કાયમી સંગ્રહમાં તેમનાં ચિત્રો સમાવેશ પામ્યાં છે. ગુજરાત લલિત કલા અકાદમીએ તેમનું બહુમાન કર્યું છે. તેમના વિશાળ શાગિર્દવૃંદમાંથી વાસુદેવ અક્કીથમ્, શમશાદ હુસેન, બી. વી. સુરેશ, શશિધરન્ આદિ ચિત્રકારો તરીકે આગળ આવ્યા છે.

અમિતાભ મડિયા