શાહ રૂખ મીર તાજમોહમદ ખાન (જ. 2 નવેમ્બર 1965, દિલ્હી) : ફિલ્મ અભિનેતા.
એસ.આર.કે. તરીકે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનના પિતા મીર તાજમોહમદ પેશાવરના એક સ્વાતંત્ર્યસેનાની હતા. અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે સંકળાયેલી તથા ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફારખાનની સંસ્થા ‘ખુદાઈ ખીતમગાર’ના સક્રિય સભ્ય હતા. એમણે આઝાદીના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. મીર તાજ મોહમદ દેશના ભાગલા બાદ તરત જ નવી દિલ્હી આવી ગયા હતા.
શાહરૂખનું બાળપણ નવી દિલ્હીની પાસે આવેલા રાજેન્દ્રનગરમાં વીત્યું. એમના પિતા કેટલાક વ્યવસાય કરતા હતા અને એક રેસ્ટોરન્ટ ચલાવતા હતા. એમનું કુટુંબ મધ્યમ વર્ગનું હતું. અને ભાડાના ઍપાર્ટમેન્ટમાં રહેતું હતું. શાહરૂખ મધ્ય દિલ્હીની સેન્ટ કોલંબસ સ્કૂલ(St. Columbus School)માં અભ્યાસ કરતો હતો. નિશાળમાં તે હૉકી અને ફૂટબૉલનો સારો ખેલાડી હતો. અને સ્કૂલનો સર્વોચ્ચ ઍવૉર્ડ ‘સ્વોડ ઑફ ઓનર’ (Sword of honour) મળેલો હતો. શાહરૂખની ઇચ્છા ભવિષ્યમાં એક રમતના ખેલાડી તરીકે આગળ જવાની હતી, પણ તેના ખભામાં વાગવાથી તેને કાયમી તકલીફ થઈ ગઈ. પરિણામે રમતો-ખેલવાનું છોડવું પડ્યું. શાળા-કૉલેજના દિવસોમાં શાહરૂખ નાટકો કરવા લાગ્યો અને આ નાટકોમાં બોલિવુડના કલાકારોની નકલ કરતો. અમ્રીતા સિંહ એની સહઅદાકાર હતી, જે પણ પછીથી હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી બની. હંસરાજ કૉલેજમાં અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતકની પદવી મેળવી. પછી જામિયા મીલિયા યુનિવર્સિટીમાં માસ કૉમ્યુનિકેશનના અભ્યાસ માટે દાખલ થયો. પણ અભ્યાસ વચ્ચેથી જ છોડી દઈ અભિનેતા બનવાનું નક્કી કર્યું. હંસરાજ કૉલેજના દિવસોમાં તે ‘થિયેટર એક્શન ગ્રૂપ’ (Theatre Action Group) સાથે સંકળાય છે, જ્યાં તે બેરી જોનની પાસે અભિનયના પાઠ શીખે છે. આ દરમિયાન 1981માં તેના પિતાનું કૅન્સરની બીમારીને કારણે અવસાન થાય છે. તો માતાનું 1991માં અવસાન થાય છે. આ બધાને કારણે શાહરૂખની બહેન શહનાઝને ડિપ્રેશન આવી જાય છે. અને બધી જવાબદારી શાહરૂખ પર આવી પડે છે. શહેનાઝ હજી પણ શાહરૂખની સાથે જ રહે છે. શાહરૂખ તેનું નામ પાડવામાં આવ્યું પણ તે શાહ રૂખ અલગ અલગ લખાય તેવો આગ્રહ રાખે છે.
શાહ રૂખની અભિનયની કારકિર્દી નાના પડદેથી એટલે કે ટેલિવિઝન સીરિયલથી શરૂ થઈ. દિગ્દર્શક લેખ ટંડનની ધારાવાહિક ‘દિલ દરિયા હૈ’ 1988માં શરૂ થયેલી તેની રજૂઆત કોઈક કારણસર મોડી થઈ. અને રાજ કુમાર કપૂરની સિરીયલ ફૌજીની રજૂઆત 1989માં થઈ તેથી તેની પહેલી ધારાવાહિક ફૌજી તરીકે ઓળખાય છે. શાહ રૂખે બધી મળીને પાંચ ટેલિવિઝન ધારાવાહિક કરી છે. અને એક અંગ્રેજી ફિલ્મ ‘ઇન વીચ એની ગીવ્સ ઈટ ધોસ વનસ’ (In Which Annie Gives It Those Ones – 1989)ખાસ ટેલિવિઝન માટે કરી છે. આ ધારાવાહિકમાં મણિ કૌલની ‘ધ ઇડિયટ’(The Idiot – 1992)નો પણ સમાવેશ થાય છે, જે ફયોદોર દસ્તોએવસ્કીની નવલકથા ‘ધ ઇડિયટ’ પરથી સર્જાઈ છે.
શાહ રૂખની ફિલ્મ કારકિર્દી દિલ્હીથી મુંબઈ આવ્યા પછી શરૂ થઈ. એને પહેલી ફિલ્મ હેમા માલિનીની ‘દિલ આસના હૈ’ માટે કરારબદ્ધ કરવામાં આવ્યો. ત્યારે શાહ રૂખે ચાર ફિલ્મના કરાર કર્યા, પણ રજૂઆત ‘દીવાના’ ફિલ્મની થઈ અને આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ નવાંગતુક અભિનેતા માટેનો ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો. આ ફિલ્મ વ્યાવસાયિક રીતે પણ બહુ સફળ થઈ.
1993માં શાહ રૂખની ફિલ્મ ‘બાઝીગર’ રજૂઆત પામી. આ ફિલ્મથી શાહ રૂખ હીરોની એક નવી ઇમેજ રજૂ કરે છે, જેમાં ખલનાયક (વીલન – Villain)ના અંશો પણ જોવા મળે. શાહ રૂખની આ રજૂઆતને ‘એન્ટી હીરો’ (Anti Hero) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ વર્ષમાં આવેલી ફિલ્મ ‘ડર’માં પણ તેનો આ જ પ્રકારનો અભિનય હતો. પણ અનેક સમીક્ષકોએ ‘ડર’માં તેને વીલન તરીકે જ ઓળખાવ્યો. આ જ વર્ષમાં રજૂ થયેલી ત્રીજી મહત્વની ફિલ્મ તે કેતન મહેતાદિગ્દર્શિત ‘માયા મેમસાબ’, જેમાં શાહ રૂખે અભિનેત્રી દીપા શાહી સાથે આપેલાં દૃશ્યો અંગે ખૂબ ચર્ચામાં રહ્યો.
શાહ રૂખ ખાને અત્યાર સુધીમાં 58 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે, નિર્માતા તરીકે ચાર ફિલ્મો નિર્માણ કરી છે, સાત જેટલી દસ્તાવેજી ફિલ્મમાં ફિલ્મમાં કામ કર્યું છે, 12 ટેલિવિઝન સીરિયલો કરેલી છે, 29 જેટલા ટેલિવિઝન કાર્યક્રમમાં હોસ્ટ તરીકે રજૂ થયો છે અને ચાર મ્યુઝિક વીડિયો કર્યા છે. લગભગ ચોત્રીસ વર્ષની ફિલ્મકારકિર્દીમાં એની મોટા ભાગની ફિલ્મો ખૂબ સફળ રહી છે તેથી તેને ‘કિંગ ખાન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતાની એક ફિલ્મનિર્માણ કંપની ‘રેડ ચીલી એન્ટરટેનમેન્ટ’ ચલાવે છે તથા ઇન્ડિયન પ્રીમિયર લીગ(Indian Premier League)ની એક ટીમ કલકત્તા નાઇટ રાઈડર્સ(Calkata Knight Riders)નો માલિક છે.
શાહ રૂખ ખાનની મહત્વની ફિલ્મોમાં – રાજુ બન ગયા જેન્ટલમૅન (1992), માયા મેમસાબ (1993), બાઝીગર (1993), ડર (1993), કભી હા કભી ના (1994), કરણ અર્જુન (1995), દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (1995), પરદેશ (1997), દીલ તો પાગલ હૈ (1997), દીલ સે (1998), કુછ કુછ હોતા હૈ (1998), મહોબતેં (2000), ગજગામીની (2000), અશોકા (2001), કભી ખુશી કભી ગમ (2001), દેવદાસ (2002), મેં હુ ના (2003), સ્વદેશ (2004), પહેલી (2005), ડોન, ધ ચેઝ બીગીન અગેઈન (Don The Chase Begins Again – 2006), ‘ચક દે ઇન્ડિયા’ (2007), ‘ઓમ શાંતિ ઓમ’ (2007), ‘માય નેમ ઇઝ ખાન’ (2010) ઉલ્લેખનીય છે. 2007માં શાહ રૂખ ખાને કોન બનેગા કરોડપતિ જેવા અત્યંત પ્રચલિત કાર્યક્રમનું હોસ્ટ તરીકે સંચાલન કરેલું. શાહ રૂખ ખાન પર નસરીન મુન્ની કબીરે એક દસ્તાવેજી ફિલ્મ ‘ધ ઇનર ઍન્ડ આઉટર વર્લ્ડ ઑફ શાહ રૂખ ખાન’ (The Inner and Other World of Shah Rukh Khan)નું સર્જન કરેલું છે. કેટલાક સમીક્ષકોના મતે તેની શ્રેષ્ઠ ફિલ્મ અને શાહ રૂખ ખાનને તેની બધી ફિલ્મમાં સૌથી વધુ ગમતી ફિલ્મ તરીકે કુન્દન શાહદિગ્દર્શિત ‘કભી હા, કભી ના’ ગણવામાં આવે છે.
શાહ રૂખ ખાને 25 ઑક્ટોબર, 1991ના રોજ દિલ્હીની પંજાબી હિંદુ ગૌરી છીબ્બર સાથે હિંદુ વિધિથી લગ્ન કરેલાં છે. આ દંપતીને સંતાનમાં એક પુત્ર આર્યન (1997) અને પુત્રી સુહાના (2000) છે. એમનું ત્રીજું સંતાન અબરામ (2013) સરોગેટ મધર પદ્ધતિથી જન્મ્યું છે.
શાહ રૂખ ખાનને ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવેલ છે. ફ્રાન્સની સરકાર દ્વારા Ordre des Arts et Lettres અને Legion of Honourથી સન્માનિત કરાયા છે. મૌલાના આઝાદ ઉર્દૂ યુનિવર્સિટીએ અને એડીનબર્ગ યુનિવર્સિટી દ્વારા ઓનરરી ડૉક્ટરેટથી સન્માનિત કરાયા છે. યુનેસ્કો અને વર્લ્ડ ઇકૉનૉમી ફોરમ દ્વારા પણ સન્માનિત થયેલ છે.
અભિજિત વ્યાસ