શાહ, મેઘજીભાઈ પેથરાજ (જ. 15 સપ્ટેમ્બર 1904, ડબાસંગ, જામનગર; અ. 30 જુલાઈ 1964, લંડન) : સાહસિક ઉદ્યોગપતિ અને દાનવીર. જૈન ઓસવાલ જ્ઞાતિના સામાન્ય વ્યાપારી પેથજીભાઈને ત્યાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ડબાસંગમાં લીધું હતું. 11મા વર્ષે માસિક રૂપિયા આઠના પગારથી શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. 1919માં બે વર્ષની બંધણીથી ઇમ્તિયાઝ ઍન્ડ સન્સની પેઢીમાં નામું લખવા મોમ્બાસા કેન્યા ગયા હતા. 1922માં નાની મૂડીથી સ્વતંત્ર વ્યાપારનો આરંભ કર્યો. નૈરોબી અને મલાલેમાં દુકાનો શરૂ કરી હતી. બે ભાઈઓને પણ મદદ માટે આફ્રિકા બોલાવી લીધા હતા. 1930માં પ્રેમચંદ રાયચંદ ઍન્ડ કંપની નામની ભાગીદારી પેઢીની સ્થાપના કરી પૂર્વ આફ્રિકામાંથી માલની નિકાસની શરૂઆત કરી હતી. તે જ વર્ષમાં ઍલ્યુમિનિયમ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ વર્ક્સ લિમિટેડ નામથી ઍલ્યુમિનિયમનાં વાસણો બનાવવાનું કારખાનું શરૂ કર્યું હતું. 1933માં નૈરોબી પાસે થીકામાં વોટલ વૃક્ષની છાલમાંથી ટેનિન બનાવવાનું કારખાનું સ્થાપ્યું. 1934માં થીકા એક્સ્ટ્રૅક્ટ ફૅક્ટરી શરૂ કરી હતી. તેવું જ એક કારખાનું લિમુસમાં ખરીદ કર્યું હતું. ખર્ચમાં કરકસર કરવા તેની સઘળી યંત્રસામગ્રી થીકા ફેરવી તેને અદ્યતન બનાવ્યું હતું. ટેનિનની નિકાસ માટે તેમણે જાપાન, ચીન, ભારત તેમજ યુરોપના દેશોની મુલાકાત લીધી હતી. ક્રમશ: મેઘજીભાઈએ કેન્યા ટેનિંગ એક્સ્ટ્રૅક્ટ કંપની લિમિટેડ, કેન્યા કૉટન ઍન્ડ પ્રોડ્યુસ લિમિટેડ જેવાં બીજાં કારખાનાં પણ શરૂ કર્યાં. વળી સત્રાણા અને મેરુમાં જીનરીઓ સ્થાપી હતી.
મેઘજીભાઈએ થીકામાં કામદારો માટે રાચરચીલાં સહિત મકાનો રહેવા આપ્યાં હતાં; ઉપરાંત દવા વગેરે માટે પણ સહાય કરતા હતા.
પૂર્વ આફ્રિકામાં આયાતી માલના વેચાણ માટે કોલોનિયલ મર્ચન્ટ્સ કંપની લિમિટેડની સ્થાપના કરી હતી. ટાંગાનિકામાં 16,000 એકર જમીન ખરીદી તેમાં સિસલ વાવી વાર્ષિક 4,000 ટન રેસાનું ઉત્પાદન મેળવવા ત્રણ કારખાનાં શરૂ કર્યાં હતાં. તે આશરે 2,500 માણસોને રોજી પૂરી પાડતાં હતાં. 1953માં તેમણે ટાંગાનિકાની સઘળી મિલકતો વેચી દીધી હતી. તેમની કારકિર્દી દરમિયાન તેમણે પૂર્વ આફ્રિકા અને ભારતમાં કુલ 55 કંપનીઓ સ્થાપી હતી. 1953માં નિવૃત્તિ સમયે તેમની અસ્કામતોની કિંમત આશરે 25 લાખ પૌંડ (રૂપિયા 3.33 કરોડ) અંદાજવામાં આવી હતી.
સમાજના ઉત્કર્ષની ભાવના સંતોષવા તેમણે આવકમાં વૃદ્ધિ થવાની સાથે સાથે ચૅરિટેબલ ટ્રસ્ટોની સ્થાપના કરી હતી. એમ. પી. શાહ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરમાં એક ટાઉનહૉલ, વિકાસગૃહ, વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય અને કાયદાની કૉલેજો, ટૅક્નિકલ શાળા અને કૉલેજ, હૉસ્ટેલ વગેરે માટે દાન કર્યાં હતાં. વળી મેડિકલ કૉલેજ માટે રૂપિયા 15 લાખનું દાન કર્યું હતું. આ ઉપરાંત ટી.બી. હૉસ્પિટલ અને મેટરનિટી હોમ માટે, ઇરવિન હૉસ્પિટલમાં 480 પથારીઓ માટે ફાળો આપ્યો હતો. 1955માં પંડિત જવાહરલાલ નહેરુએ જામનગરની મુલાકાત લીધી ત્યારે મેઘજીભાઈએ કમલા નહેરુ મેમૉરિયલ ટ્રસ્ટમાં રૂ. 1 લાખનું દાન કર્યું હતું. તેમણે સુરેન્દ્રનગરમાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન તેમજ સ્ત્રીઓની કૉલેજ માટે નર્સિંગ કૉલેજ અને અનાથાશ્રમ વગેરે માટે ગણનાપાત્ર ફાળો નોંધાવ્યો હતો.
વળી ભાવનગરમાં રક્તપિત્તની હૉસ્પિટલ અને અમદાવાદમાં કૅન્સર હૉસ્પિટલ માટે માતબર રકમો આપી હતી. તેમના કાર્યક્ષેત્ર નૈરોબીમાં બાળાઓની શાળાઓ, હૉસ્ટેલો, પ્રાથમિક શાળાઓ, પ્રસૂતિગૃહો વગેરે માટે નાણાં પૂરાં પાડ્યાં હતાં. તેમના સ્થાપેલ ચૅરિટેબલ ટ્રસ્ટોને નાણાં મળતાં રહે તે માટે ત્રણ કંપનીઓની સ્થાપના કરી હતી. તેમણે કરેલ દાનોની રકમ રૂ. દોઢ કરોડથી વધુ અંદાજવામાં આવે છે.
1930માં મેઘજીભાઈનાં પહેલાં પત્ની મોંઘીબહેનનું અવસાન થતાં બીજા વર્ષે મણિબહેન સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ પાંચ દીકરીઓ અને બે દીકરા મૂકી 1964માં લંડનમાં અવસાન પામ્યા હતા.
તેઓ રાજ્યસભાના પણ સભ્ય હતા.
જિગીષ દેરાસરી