શાહ, મધુરીબહેન (જ. 13 ડિસેમ્બર 1919, રાણપુર, સૌરાષ્ટ્ર; અ. 29 જૂન 1989) : કેળવણીકાર અને શિક્ષણના વહીવટદાર. જૈન ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. પિતા છોટાલાલ કોઠારી અને માતા સમતાબહેન કોઠારી. શાળાના ઔપચારિક શિક્ષણ પૂર્વે મધુરીબહેનને એક પારસી શિક્ષિકા પાસેથી ઘરમાં જ અનૌપચારિક શિક્ષણ મળેલું. શાલેય શિક્ષણ મુંબઈની ઍલેક્ઝાન્ડ્રા ઇંગ્લિશ સ્કૂલમાં લીધું. વિદ્યાર્થિની તરીકે તેમની કારકિર્દી અત્યંત ઉજ્જ્વળ. શિક્ષણેતર પ્રવૃત્તિમાં પણ ઘણો રસ. રમતગમતની અને કાવ્યપાઠ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં તેમને પારિતોષિક મળેલાં. 1934માં મૅટ્રિક. 1936માં રતિલાલ શાહ સાથે તેમનું લગ્ન.
મધુરીબહેનને પહેલેથી જ શિક્ષણમાં રસ. વિદ્યાર્થિની હતાં ત્યારે પણ તેઓ ભણવામાં નબળી સહાધ્યાયિનીઓને ભણાવતાં. 1942માં બી.ટી થયાં. પહેલાં મુંબઈની ન્યૂ ઇરા સ્કૂલ અને પછી અમદાવાદની ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં તેમણે શિક્ષકા તરીકે કામ કર્યું. 1948માં મુંબઈની સેકન્ડરી કૉલેજમાં માસ્ટર ઑવ્ મેથડ અને અધ્યાપક તરીકે જોડાયાં. શિક્ષણ આપવાના કામ સાથે શિક્ષણ મેળવવાનું કામ નિરંતર ચાલતું રહ્યું. 1949માં મુંબઈ યુનિવર્સિટીની એમ.એડ.ની પરીક્ષામાં એ પ્રથમ સ્થાને આવ્યાં. 1952માં શિક્ષણના વિષયમાં મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે તેમને બ્રિટિશ કાઉન્સિલની શિષ્યવૃત્તિ મળી, જેના ફળસ્વરૂપ 1954માં તેઓ લંડન યુનિવર્સિટીમાંથી શિક્ષણના વિષયમાં પીએચ.ડી. થયાં. પાછળથી તેમને આંધ્ર, કાશ્મીર, પટણા અને બનારસ યુનિવર્સિટીઓએ ડી.લિટ્.ની માનાર્હ ઉપાધિઓથી નવાજ્યાં હતાં.
મધુરીબહેને શિક્ષિકા તરીકે કારકિર્દીનો આરંભ કર્યો, પણ તેમની પ્રતિભા બહુમુખી હતી. શિક્ષણતંત્રની વ્યવસ્થા વિશે તેમણે અનેક સંશોધન કર્યાં. તેમની વહીવટી કાબેલિયત તીક્ષ્ણ, સતેજ અને સચોટ હતી. તેમની પાસે ઊંડી સૂઝ અને દૂરંદેશીભર્યું દર્શન હતું. આ બધા ગુણોને કારણે વિશાળ ક્ષેત્રે કામ કરવા માટે તેમને આમંત્રણ મળ્યું. પોતાની શક્તિઓનો પૂરો ઉપયોગ કરવા મધુરીબહેન પણ વ્યાપક કામોમાં ખેંચાયાં. 1948થી 1950ના ગાળામાં મુંબઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટનાં રજિસ્ટ્રાર તરીકે અને 1950થી 1954 દરમિયાન ‘ઇન્ડિયન જર્નલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ’ના સંપાદક તરીકે તેમણે કામગીરી બજાવી.
1955માં મધુરીબહેન મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના શિક્ષણ-વિભાગમાં રિસર્ચ ઑફિસર તરીકે જોડાયાં. એ હોદ્દા પર પાંચ વર્ષ કામ કર્યા પછી 1961માં કૉર્પોરેશનના શિક્ષણ-અધિકારી તરીકે તેમની બઢતી થઈ. દરમિયાન 1960માં તેમને સંશોધન માટે અમેરિકાની સ્મિથમંટ ગ્રાન્ટ અને ફુલબ્રાઇટ ફેલોશિપ મળી. કૉર્પોરેશનના શિક્ષણ-અધિકારી તરીકે તેમણે નબળા વિદ્યાર્થીઓ માટે વૅકેશન-વર્ગો શરૂ કર્યા. સવિશેષ પ્રતિભા ધરાવતાં બાળકો માટે સ્કૉલરશિપો ઊભી કરી તેમને વિકસવાની તક પૂરી પાડી. ખાસ કરીને વિજ્ઞાન અને ગણિતમાં અભ્યાસક્રમનું નવું માળખું તૈયાર કરાવ્યું. તે ઉપરાંત ભાષાવિકાસનો પ્રકલ્પ ઊભો કર્યો, જેને માટે ફૉર્ડ ફાઉન્ડેશન પાસેથી દસ લાખ ડૉલરની સહાય તેઓ મેળવી લાવ્યાં.
શાળાના શિક્ષણક્ષેત્રમાંથી 1975માં મધુરીબહેન યુનિવર્સિટીના ઉચ્ચ અને વિશાળ શિક્ષણક્ષેત્રમાં આવ્યાં. એસ.એન.ડી.ટી. યુનિ.માં વાઇસ ચાન્સેલર તરીકે નિમાયાં અને છ વર્ષ સુધી તેમણે તે સ્થાન શોભાવ્યું. તેમણે યુનિવર્સિટીમાં કૉમર્સ અને પૉલિટેકનિક જેવી નવી કૉલેજો ને વિદ્યાશાખાઓ શરૂ કરી. ઓપન યુનિવર્સિટીનો નૉન-ફૉર્મલ એજ્યુકેશનનો ખ્યાલ દાખલ કરી એમણે મોટી ઉંમરની બહેનો માટે શિક્ષણની તક પૂરી પાડી. અપંગ વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકોની ખાસ તાલીમનો અનુસ્નાતક અભ્યાસક્રમ ભારતમાં તેમણે સર્વપ્રથમ શરૂ કર્યો. ફૉર્ડ ફાઉન્ડેશન પાસેથી એકસો પચાસ હજાર ડૉલરનું અનુદાન મેળવી તેમણે યુનિવર્સિટીમાં ‘નારી સંશોધન કેન્દ્ર’ની સ્થાપના કરી. તેઓ વાઇસ ચાન્સેલર હતાં તે દરમિયાન જ 1977માં તેમને ‘પદ્મશ્રી’ના રાષ્ટ્રીય સન્માનથી ગૌરવાન્વિત કરવામાં આવ્યાં.
1981માં પ્રાદેશિક ભૂમિકામાંથી ભારત સરકારે એમને રાષ્ટ્રીય ભૂમિકાએ મૂક્યાં. એ વર્ષે તેમને યુ.જી.સી.નાં ચૅરપર્સન તરીકે નીમવામાં આવ્યાં. કમિશન અનુદાન આપે તેની સામે યુનિવર્સિટીઓને તેમણે જવાબદાર (‘એકાઉન્ટેબલ’) બનાવી અને આપવામાં આવતાં અનુદાનનો યોગ્ય અને પૂરેપૂરો ઉપયોગ થાય તે જોવા માટે ચાંપતી વ્યવસ્થા ઊભી કરી. યુનિવર્સિટીઓમાં નવા નવા અભ્યાસક્રમો ખૂલે તે માટે તેમણે પ્રોત્સાહન અને નાણાં પૂરાં પાડ્યાં. ‘કન્ટ્રિવાઇડ ક્લાસરૂમ’ જેવું શિક્ષણનું માળખું તૈયાર કર્યું.
મધુરીબહેન કર્મઠ અને વહીવટમાં કડક શિસ્તનાં આગ્રહી હતાં. તેની સાથે જ તેઓ મિલનસાર, માનવીય વ્યવહારમાં સમુદાર અને વિનોદવૃત્તિથી ભરપૂર હતાં. તેમની શક્તિઓ અપાર હતી. એક તરફથી એ અંધ બાળકો માટેની ‘વિક્ટોરિયા મેમૉરિયલ સ્કૂલ’ જેવી સંસ્થાઓની યોજનાઓ ઘડી પાર પાડે, તો બીજી બાજુ ગુજરાત રિસર્ચ સોસાયટી જેવી ઉચ્ચ સંસ્થાને નવું પરિમાણ પણ આપે. તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં. વળી, જબરાં સાહિત્ય-શોખીન અને વાચનરસિક હતાં. કિડનીની વ્યાધિને કારણે છેલ્લાં વર્ષોમાં એ ચૅરવશ અને પથારીવશ રહ્યાં; પણ જીવન તરફનો તેમનો અભિગમ પહેલા જેવો જ વિધાયક અને ગત્યાત્મક રહ્યો. ટાઇપિસ્ટને બોલાવી કાગળો લખાવતાં. ટેલિફોનથી સૂચનાઓ આપતાં. ખૂબ વાંચતાં અને ક્યારેક પત્તાં પણ રમતાં. તેમનું સિત્તેર વર્ષની વયે અવસાન થયું.
મહેશ દવે