શાહ, ભાનુભાઈ (. 1935, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને અમદાવાદના પતંગ-મ્યુઝિયમના સ્થાપક ક્યુરેટર. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ચિત્રકલાની સ્નાતક તથા મ્યુઝિયોલૉજીની અનુસ્નાતક પદવીઓ હાંસલ કરી. ત્યારબાદ 1965થી તેઓ અમદાવાદના પ્રસિદ્ધ ગુજરાત મ્યુઝિયમ સોસાયટીના ક્યુરેટર બન્યા. આ પદે તેઓ 1992 સુધી ચાલુ રહ્યા. આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તક સંસ્કારકેન્દ્રના ક્યુરેટર તરીકે પણ તેઓ 1960થી 1992 સુધી રહ્યા હતા. લોકકારીગરીના ઉત્તમ નમૂના એવા જાતભાતના અવનવા પતંગો ભેગા કરવાનો નાદ ભાનુભાઈને બાળપણથી લાગેલો અને પરિણામે કાળક્રમે તેનો એક બેજોડ સંગ્રહ ભાનુભાઈએ ઊભો કર્યો. આ સંગ્રહનું તેમણે ઉદાર હાથે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને દાન કરી દીધું અને તે કૉર્પોરેશને 1985માં અમદાવાદના સંસ્કારકેન્દ્રના ભોંયતળિયે તેનું કાયમી ધોરણે ‘પતંગ-મ્યુઝિયમ’ ઊભું કર્યું, જેને દેશવિદેશમાં ખ્યાતિ મળી. ભાનુભાઈનાં મૌલિક ચિત્રો અમૂર્ત છે. અમદાવાદ, મુંબઈ, ભોપાલ, દિલ્હી, પૅરિસ, લંડન અને મૉન્ટ્રિયલમાં તેમણે પોતાનાં ચિત્રોનાં અનેક વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે.

અમિતાભ મડિયા