શાહ, (પ્રો. ડૉ.) પારુલબહેન (જ. ?) : ભરતનાટ્યમનાં નિષ્ણાત નૃત્યાંગના. વડોદરા ખાતે પદાર્થવિજ્ઞાનમાં બી.એસસી., ટૅક્સેશનમાં એલએલ.બી. તથા એલએલ.બી.(સ્પેશિયલ)ની પદવીઓ મેળવ્યા બાદ, 1965થી તેમણે વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સમાં ભરતનાટ્યમમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો. તેઓ ‘ગુજરાતનાં પ્રથમ નૃત્યકાર છે, કે જેમને તેમના ‘ગુજરાતનું રાસનૃત્ય’ એ સંશોધનગ્રંથ માટે 1983માં ડૉક્ટરેટની પદવી મળી હતી. નૃત્યવિદ વિદુષી સ્વ. અંજલિ મેઢ તેમનાં ગુરુ હતાં.
ભરતનાટ્યમ્ અને લોકનૃત્યો ઉપરાંત ‘મુવમેન્ટ ઍનાલિસિસ’ એ તેમની વિશિષ્ટતા છે. તેનો ઉપયોગ કરીને નૃત્યની પરંપરાનો વારસો જાળવવા માટેના વિશેષ સંશોધનકાર્યથી તેઓ દેશ-વિદેશના નૃત્ય-સંશોધનકારોની આગવી હરોળમાં સ્થાન પામે છે. 1992માં તેમને અમેરિકન ફૂલબ્રાઇટ ફેલોશિપ અને 1914થી 1996 માટે ભારતના સાંસ્કૃતિક મંત્રાલયની ઉચ્ચ ફેલોશિપ પ્રાપ્ત થઈ. આ ઉપરાંત તેમની કારકિર્દી દરમિયાન તેમને નૃત્યક્ષેત્રે ઘણાં સન્માન મળ્યાં.
હાલ (2002) તેઓ મ. સ. યુનિવર્સિટીના નૃત્યવિભાગમાં પ્રાધ્યાપિકા છે. નૃત્ય વિભાગનાં વડા અને ફૅક્લ્ટી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સના ડીન તરીકે તેમની કામગીરી ખૂબ સફળ રહી છે. વધુમાં તેઓ અમેરિકાની યુનિવર્સિટી ઑવ્ વિસ્કૉન્સિન, સ્ટેટ યુનિવર્સિટી ઑવ્ ન્યૂયૉર્ક, યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં વખતોવખત શાસ્ત્રીય નૃત્ય અંગે સંશોધન સાથે વ્યાખ્યાન અને તાલીમ આપે છે.
તેમના વિદ્યાર્થીઓ અને સહકાર્યકરો સાથે તેમણે ભારતમાં તથા વિશ્વના ઘણા દેશોમાં પ્રવાસ ખેડી ભારતીય શાસ્ત્રીય તથા લોકનૃત્યોની – તેમનાં મૌલિક નૃત્યોની સફળ રજૂઆત કરી છે.
1999માં ઊજવાયેલ સહસ્રાબ્દી મહોત્સવમાં તેમણે ઇજિપ્તના પિરામિડમાં ભરતનાટ્યમ્ અને લોકનૃત્યની સુંદર રજૂઆત કરી હતી. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણપ્રતિષ્ઠાના દિવસે એટલે 11 મે 2000ના રોજ ઇષ્ટદેવતાના સાંનિધ્યમાં અને 10,000 મહેમાનો સમક્ષ ‘શ્રી ચંદ્રમૌલીશ્વર કુરવંજી’ની સંનિષ્ઠપણે રજૂઆત કરી હતી.
તેમણે ભરતનાટ્યમની કૃતિઓ ઉપરાંત ‘નારી’, ‘ભેરી’, ‘અંકુર’, ‘ટુ રોડ્ઝ ઍન્ડ અ પાથ’, ‘અભિશાપ’, ‘ચેતના’, ‘ધ રિવર ફ્લોઝ’, ‘શ્રી ચંદ્રમૌલીશ્વર કુરવંજી’ અને રામાનંદ સાગરની ટી. વી. શ્રેણી ‘રામાયણ’નાં છ નૃત્યો, ‘કન્યાકુમારી’ અને ‘કન્યાવિદાય’(ચં. ચી. મહેતાકૃત)નું સફળ નૃત્યનિર્દેશન કર્યું હતું.
તેમણે શાસ્ત્રીય નૃત્યક્ષેત્રે કરેલા શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત રાજ્ય સંગીત-નાટ્ય અકાદમી દ્વારા તેમને 1998-99ના વર્ષનો ‘ગૌરવ પુરસ્કાર’ આપવામાં આવ્યો હતો.
બળદેવભાઈ કનીજિયા