શાહ, પીરમોહંમદ

January, 2006

શાહ, પીરમોહંમદ (. ?; . 1749) : અમદાવાદના સૂફીસંત. શાહ પીર મોહમંદ આમલોકોમાં હજરત પીર મોહંમદ શાહ નામે જાણીતા હતા. તેઓ પોતાની યુવાનીમાં અમદાવાદ આવ્યા હતા. ‘મિરાતે અહમદી’નો કર્તા નોંધે છે તેમ તેઓ અમદાવાદમાં આવ્યા પછી જુમા મસ્જિદમાં રહેતા હતા. તેમના જ્ઞાનની ખ્યાતિ ચારેય બાજુ ફેલાયેલી હતી. તેઓ કાદરી કળાપરંપરાના શિષ્ય હતા. મિયાં વજીહુદ્દીન પાસેથી પણ તેમણે જ્ઞાન સંપાદન કર્યું હતું.

તેઓ સંતની સાથે સાથે પ્રખર વિદ્વાન હતા. એમની કૃતિ ‘નૂરૂશ શુયુખ’ ઘણી જ પ્રસિદ્ધ છે. આ ગ્રંથમાં તેમણે ધર્મોપદેશકો અને શિષ્યોના સિલસિલ નઝમમાં લખ્યા છે. આ વિશાળ ગ્રંથમાં તેમની અન્ય રચનાઓ ‘મિલાતે શરફ’, ‘મિલાતે સનદ’ અને ‘પીરનામ’ને પણ સમાવિષ્ટ કરવામાં આવી છે. આ ગ્રંથ ઈ. સ. 1727માં તેમણે પૂરો કર્યો. એમનો એક ફારસી ગઝલનો સંગ્રહ પણ મળે છે. આ ગ્રંથમાં મુખ્યત્વે ગઝલો અને મરશિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દખ્ખણી શૈલીની ઉર્દૂના પણ તેઓ નિષ્ણાત હતા. આ ભાષામાં તેમણે ‘ઇશ્કુલ્લાહ’ નામક પુસ્તક લખ્યું છે. તેઓ સૂફી સંત હતા તેથી તેમની રચનાઓ સૂફીવાદ અને શિખામણોથી ભરપૂર છે.

તેઓ પોતાનું અંગત ગ્રંથાલય (કિતાબખાના) ધરાવતા હતા જેમાં ઘણી હસ્તપ્રતો છે. તેમાંની મોટાભાગની મુઘલકાલની છે. આવા ગ્રંથોમાં શાહખૂબમિયાં ચિશ્તીનાં ‘અમ્વાજે ખૂબી’, ‘ખૂબ તરંગ’ અને ‘જામેજહાનૂમ’ પરની સરહ મહત્વનાં છે. આ ત્રણે કૃતિઓ સૂફીમતને લગતી છે. આ ઉપરાંત આ ગ્રંથાલયમાં સૈયદ જાફર બદ્રે આલમ સાહેબનાં લખાણોના નમૂનાઓ પણ સાચવવામાં આવ્યા છે.

એમને સલાહુદ્દીનની હવેલી પાસે દફનાવવામાં આવ્યા હતા. ત્યાં એમના શિષ્યોએ એક આલીશન ઘુમ્મટવાળો મકબરો બનાવરાવ્યો છે અને એની સાથે એક મસ્જિદ તથા બગીચો તૈયાર કરાવી તેમને યોગ્ય અંજલિ આપી છે. તેમના આ રોજાની મસ્જિદનો લેખ અરબી ભાષાની શિષ્ટ સુલેખનશૈલીનો ઉત્તમ નમૂનો છે.

ઈશ્વરલાલ ઓઝા