શાહ, પ્રભા (જ. 12 જાન્યુઆરી 1947, જોધપુર, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. 1966થી 1969 સુધી જયપુરના કનોરિયા મહિલા વિદ્યાલય ખાતે કલાનો અવૈધિક (informal) અભ્યાસ કર્યો. ત્યારબાદ રાજસ્થાનના ખ્યાતનામ આધુનિક ચિત્રકાર ચોયલ પાસે કલાનો વધુ ત્રણ વરસ સુધી અભ્યાસ કર્યો. 1976થી 1980 સુધી તેમને ભારત સરકારના શિક્ષણ ખાતા તરફથી ચિત્રો ચીતરવા માટે ફેલોશિપ મળેલી. તેમણે દિલ્હી, મુંબઈ, ભોપાલ, જયપુર અને કૅનેડામાં પોતાનાં ચિત્રોનાં અનેક વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. ‘ઑલ ઇન્ડિયા આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ ઍસોસિયેશન, રાજસ્થાન લલિતકલા અકાદમી, મહાકોશલ કલા પરિષદ તથા યુવારત્ન વિકાસમંડળે તેમને ખિતાબોથી નવાજ્યાં છે. ભૌમિતિક આકારો વડે તેઓ અમૂર્ત ચિત્રણા કરવા માટે જાણીતાં છે. હાલમાં (2006) તેઓ દિલ્હીમાં નિવાસ કરે છે.
અમિતાભ મડિયા