શાહ, પ્રફુલ્લ અનુભાઈ (જ. 20 જાન્યુઆરી 1938, અમદાવાદ) : ગુજરાતના ઉદ્યોગપતિ અને વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત. પિતાનું નામ અનુભાઈ ચિમનલાલ શાહ, જેઓ વ્યાપાર કરતા હતા. માતાનું નામ માણેકબહેન. તેમનું સમગ્ર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું. ત્યારબાદ મુંબઈની પોદ્દાર કૉલેજમાંથી તેમણે 1957માં મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની પદવી તથા 1961માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સની બી.એસસી.(અર્થશાસ્ત્ર)ની પદવી સંપાદન કરી. 1965માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદ(IIMA)ની પહેલ અને પુરસ્કૃતિ(sponsorship)થી તેમણે અમેરિકાની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ દ્વારા સંચાલિત અભ્યાસક્રમ ‘પ્રૉગ્રામ ફૉર મૅનેજમેન્ટ ડેવલપમેન્ટ’ (PMD) પૂરો કર્યો. ત્યારબાદ તેમણે વ્યાવસાયિક કારકિર્દી તરીકે ઉદ્યોગ, વ્યાપાર અને વ્યવસ્થાપનનાં ક્ષેત્રો પસંદ કર્યાં અને સાથોસાથ અધ્યાપન તથા
સમાજસેવાનાં કાર્યો પણ હાથ ધર્યાં. 1978-93ના ગાળામાં અમદાવાદની રુસ્તમ મિલ્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર હતા. સાથોસાથ તેમણે અન્ય ઘણાં ઔદ્યોગિક ઘટકો તથા સરકાર-પ્રેરિત સંસ્થાઓમાં વિવિધ હેસિયતથી કાર્ય કર્યું છે; દા.ત., ઇન્ડિયન કૉટન મિલ્સ ફેડરેશનની સંચાલન સમિતિના સભ્ય; કસ્તૂરભાઈ લાલભાઈ ટેક્સ્ટાઇલ ટ્રેનિંગ સેન્ટરના ચૅરમૅન; ‘અટીરા’(ATIRA)ની રિસર્ચ ઍડવાઇઝરી કમિટીના ચૅરમૅન; કેન્દ્ર સરકારના ઉદ્યોગમંત્રાલયની ઇન્ડસ્ટ્રિયલ લાઇસેન્સિંગ ઍડ-હૉક કમિટીના સભ્ય; ઇન્ડસ્ટ્રિયલ ફાઇનાન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા(IFCI)ની ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રિયલ ઍડ્વાઇઝરી કમિટીના છ વર્ષ સુધી સભ્ય; તેટલાં જ વર્ષો માટે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બૅંક ઑવ્ ઇન્ડિયા(IDBI)ના પશ્ચિમ વિભાગની રિજ્યનલ કમિટીના સભ્ય; દેશના કાપડ-ઉદ્યોગના આધુનિકીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ખાસ સ્ટૅન્ડિંગ ઍડ્વાઇઝરી કમિટીના સભ્ય; ગુજરાત સરકાર હસ્તકના ગુજરાત સ્મૉલ ઇન્ડસ્ટ્રીઝ કૉર્પોરેશન(GSIC)ના ચૅરમૅન; ગુજરાત સરકાર હસ્તકના ગુજરાત સ્ટેટ ટેક્સ્ટાઇલ કૉર્પોરેશન(GSTC)ના નિયામક વગેરે. 1971-72 અને 1972-73 આ બે વર્ષના ગાળામાં તેમની અમદાવાદ મૅનેજમેન્ટ ઍસોસિયેશનના પ્રમુખપદે તથા 1979-80 તથા 1980-81ના બે વર્ષ અમદાવાદ ટેક્સ્ટાઇલ મિલ્સ ઍસોસિયેશનના પ્રમુખપદે વરણી થઈ હતી. તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી ‘આરોહી કન્સલ્ટન્ટ પ્રા. લિમિટેડ, અમદાવાદ’ના મુખ્ય કાર્યકારી અધિકારી (Chief Executive) તથા મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે. ઉપરાંત, ટેક્સ્ટાઇલ્સ ફાર્માસ્યૂટિકલ્સ, ઇલેક્ટ્રૉનિક્સ, હાઉસિંગ ફાઇનાન્સ ઍન્ડ ઑઇલ-ફીલ્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ જેવાં ક્ષેત્રોમાં કાર્ય કરતી ઘણી પ્રાઇવેટ તથા પબ્લિક લિમિટેડ કંપનીઓના ચૅરમૅન / નિયામકપદે તેઓ કાર્ય કરી રહ્યા છે. ભારતની કેટલીક અગ્રણી કંપનીઓના તેઓ સલાહકાર તથા કન્સલ્ટન્ટ પણ છે.
અધ્યાપન અને શૈક્ષણિક વ્યવસ્થાપન – આ બંને ક્ષેત્રોમાં તેઓ સક્રિય છે. 1965થી તેઓ વિશ્વવિખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદ (IIMA) ખાતે મુલાકાતી અધ્યાપક છે; જ્યાં તેઓ એેમ.બી.એ.ના વિદ્યાર્થીઓને મૅનેજમેન્ટ એકાઉન્ટિંગ, મૅનેજમેન્ટ કંટ્રોલ સિસ્ટિમ્સ તથા બિઝનેસ પૉલિસી જેવા વિષયોનું અધ્યાપન કરે છે. ઘણાં વર્ષો સુધી તેઓ આ સંસ્થાના સંચાલન-મંડળ(બૉર્ડ ઑવ્ ગવર્નર્સ)ના સભ્ય હતા. ઉપરાંત, અમદાવાદની જાણીતી શિક્ષણસંસ્થા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલના પણ તેઓ સભ્ય છે.
સામાજિક ક્ષેત્રે તેઓ હૉસ્પિટલો તથા શિક્ષણસંસ્થાઓ ચલાવતાં ઘણાં ટ્રસ્ટોના (ટ્રસ્ટી મંડળોના) સભ્ય છે. વિક્રમ સારાભાઈ – અમદાવાદ મૅનેજમેન્ટ ઍસોસિયેશન (AMA) મેમૉરિયલ ટ્રસ્ટના તેઓ સ્થાપક ચૅરમૅન છે. ઉપરાંત ‘શારદા’ ટ્રસ્ટના ટૂંકા નામથી જાણીતી બનેલી સંસ્થા ‘સ્ટ્રૅટેજિક હેલ્પ એલાયન્સ ફૉર રિલીફ ટુ ડિસ્ટ્રેસ્ડ એરિયાઝ’ના ટ્રસ્ટી તથા અમદાવાદ મૅનેજમેન્ટ ઍસોસિયેશન (AMA) અનુભાઈ ચિમનલાલ સેન્ટરના ચૅરમૅનપદે પણ કામ કરી રહ્યા છે.
વ્યાવસાયિક કામગીરીના સંદર્ભમાં તેમણે દેશવિદેશનો વ્યાપક પ્રવાસ ખેડ્યો છે. જાપાનની સરકાર દ્વારા આયોજિત ‘પ્રૉસ્પેક્ટિવ બિઝનેસ લીડર્સ’ કાર્યક્રમ હેઠળ 1972માં તેમણે જાપાનનો પ્રવાસ ખેડ્યો હતો. તેવી જ રીતે મે 1982માં રાષ્ટ્રસંઘના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચરલ ઑર્ગેનાઇઝેશન દ્વારા રોમ ખાતે આયોજિત માથાદીઠ ફાઇબર કન્ઝમશન સર્વે કૉન્ફરન્સમાં તેમણે ભાગ લીધો હતો.
તેઓ અમદાવાદ ખાતેની શાસ્ત્રીય સંગીતને વરેલી ‘સપ્તક’ સંસ્થાની સલાહકાર સમિતિના સભ્ય હોવા ઉપરાંત ‘સપ્તક આર્કાઇવ્ઝ’ના માનાર્હ નિયામક તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે