શાહ, નરસિંહ મૂળજીભાઈ

January, 2006

શાહ, નરસિંહ મૂળજીભાઈ (. 18 ડિસેમ્બર 1899, લીંબડી; . 28 સપ્ટેમ્બર 1971, અમદાવાદ) : રસાયણવિદ્યાના પ્રાધ્યાપક, સંશોધક અને લેખક. જૈન પોરવાડ જ્ઞાતિમાં મૂળજીભાઈ કાલિદાસને ત્યાં તેમનો જન્મ થયો હતો. શરૂઆતનું શિક્ષણ લીંબડીમાં લઈ 1916માં મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાઈ ઇન્ટર સાયન્સના અભ્યાસ માટે 1918માં મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. અધવચ્ચે જ રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર’ અઠવાડિકમાં નોકરી લીધી અને ઝવેરચંદ મેઘાણી, કકલભાઈ કોઠારી વગેરેના પરિચયમાં આવ્યા, જેને પરિણામે લખવાનો કસબ તેમણે હાથ ધર્યો. 1923માં રાણપુર છોડી મુંબઈની રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાંથી બી.એસસી. થયા બાદ ધારવાડની કર્ણાટક કૉલેજમાં ડેમોન્સ્ટ્રેટર બન્યા તથા કાર્બનિક રસાયણમાં સંશોધન શરૂ કરી, 1930માં પ્રો. મેલ્ડ્રમના વિદ્યાર્થી તરીકે એમ.એસ.સી. થઈને ધારવાડમાં ડૉ. આર. સી. શાહ સાથે પીએચ.ડી. માટે સંશોધન શરૂ કર્યું તથા 1938માં રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાંથી મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ઇસ્માઇલ યુસુફ કૉલેજ, જોગેશ્વરી અને કર્ણાટક કૉલેજ, ધારવાડમાં એક-એક વર્ષ નોકરી કર્યા બાદ અમદાવાદની ગુજરાત કૉલેજમાં સતત 18 વર્ષ સુધી સેવાઓ આપી. દરમિયાન ડૉ. સુરેશ શેઠના સાથે મુંબઈ રેડિયો સ્ટેશનેથી ‘મહાન વૈજ્ઞાનિકો’ની શ્રેણીમાં તેમના વિજ્ઞાનવિષયક વાર્તાલાપો ધ્વનિપ્રસારિત થયા. 1955માં 56મા વર્ષે તેઓ નિવૃત્ત થયા અને અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં રસાયણ વિભાગના વડા તરીકે જોડાયા. અહીં તેમણે કૉલેજની વિજ્ઞાન વિદ્યાશાખાના વિકાસ ઉપરાંત ડૉ. જે. પી. ત્રિવેદીના સહકારથી રસાયણવિજ્ઞાનની સંશોધનશાખા સ્થાપી. 1963માં કપડવંજની આર્ટ્સ-સાયન્સ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે જોડાઈ, 1968માં નિવૃત્ત થયા બાદ 1971માં અવસાન થયું ત્યાં સુધી મોડાસા કૉલેજમાં અનુસ્નાતક વર્ગને દોરવણી આપતા રહ્યા. તેમના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી ગુજરાત તથા મુંબઈ યુનિવર્સિટીમાંથી 25 વિદ્યાર્થીઓએ એમ.એસસી. તથા 15 વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી મેળવી. તેમના સવાસો ઉપરાંત સંશોધનલેખો અગ્રગણ્ય ભારતીય તથા વિદેશી સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે. ગુજરાતીમાં વિજ્ઞાનવિષયક લેખો લખવાની શરૂઆત સ્વ. કાન્તિલાલ છગનલાલ પંડ્યા તથા સ્વ. પોપટલાલ ગોવિંદલાલ શાહે કરી હતી, જે પ્રણાલી તેમણે ચાલુ રાખીને લોકભોગ્ય વિજ્ઞાનનાં પુસ્તકો ગુજરાતને આપ્યાં છે. ‘દૂધ : સંપૂર્ણ ખોરાક’ (1940), ‘મેડમ ક્યૂરી’ (1947), ‘મહાન વૈજ્ઞાનિકો’ (ભાગ 1, 2) (1947-48), ‘લૂઈ પાશ્ર્ચર’ (1948), ‘જીવાણુઓ પર વિજય’ (1965), ‘વિટામિનો’ (1967), ‘આપણી પૃથ્વી’ (1967), ‘માનવજીવનમાં વિજ્ઞાન’ (1968), ‘ગુજરાતમાં ધરતીકંપ’ (1968) તથા ‘કુદરતી રંગોનું રસાયણ’ (ગ્રંથ નિર્માણ બૉર્ડ). આ ઉપરાંત કોલસો, ખાંડ, લોઢું અને ગજવેલ, પેટ્રોલિયમ વગેરે વિશે પુસ્તિકાઓ પણ લખી છે. ભારતની રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ અંગે પણ લેખો લખ્યા છે. તેમણે લખેલ ‘પ્રૅક્ટિકલ કેમિસ્ટ્રી’ અને ‘પ્રિન્સિપલ્સ ઑવ્ કેમિસ્ટ્રી ઍન્ડ એક્ઝામ્પલ્સ’ – એ બંને પુસ્તકો કૉલેજોના તત્કાલીન પેઢીના રસાયણના વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રસિદ્ધ પામેલાં. 1963માં મુંબઈમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં તેઓ વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ હતા. ગુજરાત વિદ્યાસભા અને ઇન્ડિયન કેમિકલ સોસાયટીના તેઓ આજીવન સભ્ય હતા.

તેમણે રસાયણશાસ્ત્રમાં કુમારીન્સ, ફ્રાઇઝ માઇગ્રેશન, ચાલ્કોન્સ, ક્વિનાઝોલિન્સ ઉપર સંશોધન કરેલું. ડૉ. સુરેશ શેઠના સાથે અમેરિકન કેમિકલ સોસાયટીના ‘કેમિકલ રિવ્યૂ’માં કેમિસ્ટ્રી ઑવ્ કુમારિન્સ ઉપર તેમનો અભ્યાસપૂર્ણ બૃહદ્ લેખ પ્રસિદ્ધ થયો હતો.

તેમનાં પત્ની ચંપાબહેન દ્વારા તેમને સંશોધનક્ષેત્રે ખૂબ આગળ વધવાની પ્રેરણા મળતી.

તેમનું 1971માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું.

જ. પો. ત્રિવેદી