શાહ, નગીનદાસ જીવણલાલ (જ. 13 જાન્યુઆરી 1931, સાયલા, જિ. સુરેન્દ્રનગર, ગુજરાત) : સંસ્કૃત અને ભારતીય વિદ્યાના વિદ્વાન. તેઓ 1956માં બી.એ.; 1958માં એમ.એ. તથા 1964માં પીએચ.ડી. થયા. શરૂઆતમાં જામનગરમાં અધ્યાપક તરીકે કામ કર્યા બાદ તેઓ એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડૉલૉજી(અમદાવાદ)માં અધ્યાપન-સંશોધન માટે જોડાયા અને ત્યાંથી તેઓ અધ્યક્ષપદ પરથી હવે નિવૃત્ત થયા છે. ભારતીય તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તેમનું પ્રદાન બહુમૂલ્ય છે. જૈન, બૌદ્ધ, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક અને વેદાન્ત દર્શનો વિશે વિદ્વદભોગ્ય ગ્રંથો લખી જિજ્ઞાસુઓ અને અધ્યેતાઓને ભારતીય દર્શનના અભ્યાસ માટે તેમણે ચિન્તનસામગ્રી પૂરી પાડી છે. પંડિત સુખલાલજીના માર્ગદર્શન નીચે તેમણે લખેલો અને ગુજરાત યુનિવર્સિટીએ પીએચ.ડી.ની પદવી માટે માન્ય રાખેલો મહાનિબંધ ‘અકાલરિક’ઝ ક્રિટિસિઝમ ઑવ્ ધર્મકીર્તિઝ ફિલૉસૉફી – અ સ્ટડી’ 1968માં પ્રકાશિત થયો. તેને આંતરરાષ્ટ્રીય વિદ્વાનોએ પ્રશંસાપૂર્વક આવકાર્યો હતો.
તે ઉપરાંત તેમણે અંગ્રેજી ભાષામાં ત્રણ મહત્વપૂર્ણ સ્વતંત્ર ગ્રંથોની રચના કરી છે : (1) ‘એ સ્ટડી ઑવ્ ન્યાયમંજરી – એ મૅચ્યૉર સંસ્કૃત વર્ક ઑન ઇન્ડિયન લૉજિક’ (ત્રણ ભાગમાં), (2) ‘એસેઝ ઇન ઇન્ડિયન ફિલૉસૉફી’ અને (3) ‘સામંતભદ્રા’ઝ આપ્તમીમાંસા – ક્રિટિક ઑવ્ ઑથૉરિટી’.
તેમણે ગુજરાતીમાં (1) ‘સાંખ્યયોગ’, (2) ‘ન્યાયવૈશેષિક’, (3) ‘બૌદ્ધ ધર્મદર્શન’, (4) ‘ભારતીય તત્વજ્ઞાન કેટલીક સમસ્યા’, (5) ‘જૈનદર્શનમાં શ્રદ્ધા, મતિજ્ઞાન અને કેવળજ્ઞાનની વિભાવના’, (6) ‘શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર’ જેવા છ ચિન્તનપ્રધાન ગ્રંથોનું સર્જન કર્યું છે.
મ. મ. વિધુશેખર ભટ્ટાચાર્યના અંગ્રેજી પુસ્તક ‘બેઝિક કન્સેપ્સન ઑવ્ બુદ્ધિઝમ’નો તેમણે કરેલો ગુજરાતી અનુવાદ ‘બૌદ્ધ ધર્મદર્શનની પાયાની વિભાવના’ નામે પ્રકાશિત થયો છે. વિલ્હેમ હાબ્ફાસના ગ્રંથ ‘ઇન્ડિયા ઍન્ડ યુરોપ’ના પ્રથમ ભાગ ‘ઇન્ડિયા ઇન ધ હિસ્ટરી ઑવ્ યુરોપિયન સેલ્ફ-અન્ડરસ્ટૅન્ડિંગ’નો ગુજરાતી અનુવાદ પણ તેમણે કર્યો છે. તે ‘ભારત અને યુરોપ : યુરોપિયન સ્વસમજના ઇતિહાસમાં ભારત’ નામે પ્રકાશિત થયો છે.
દસમી શતાબ્દીના કાશ્મીરી પંડિત જયંત ભટ્ટના વિશાળકાય પાંડિત્યપૂર્ણ સંસ્કૃત ગ્રંથ ન્યાયમંજરીનો વિશદ ગુજરાતી અનુવાદ તેમણે કર્યો છે, તે પાંચ ભાગમાં પ્રકાશિત છે. હેમચંદ્રાચાર્યના પ્રૌઢ સંસ્કૃત ગ્રંથ પ્રમાણમીમાંસાનો ગુજરાતી અનુવાદ પણ તેમણે આપ્યો છે.
મુનિશ્રી ન્યાયવિજયજીના પ્રસિદ્ધ મહત્વપૂર્ણ દળદાર ગ્રંથ ‘જૈનદર્શન’નો તેમણે કરેલો પ્રાંજલ પ્રાસાદિક અંગ્રેજી અનુવાદ ‘જૈન ફિલૉસૉફી ઍન્ડ રિલિજિયન’ મોતીલાલ બનારસીદાસે પ્રકાશિત કર્યો છે. પંડિત સુખલાલજીના ‘પંચપ્રતિક્રમણ’ની પ્રસ્તાવનાનો અંગ્રેજી અનુવાદ તેમણે કર્યો છે અને ગૂજરાત વિદ્યાપીઠે પ્રકાશિત કરેલ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જૈનાગમ ગ્રંથમાલામાં પ્રકાશિત નંદિ-અનુયોગ ગ્રંથ’ની 127 પૃષ્ઠની વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવનાનો તેમણે કરેલો અંગ્રેજી અનુવાદ તે ગ્રંથમાં છે. વળી, તે જ ગ્રંથમાળામાં પ્રકાશિત ‘પણ્ણવણાસુત્ત’ ભાગ 2માં 287 પૃષ્ઠની વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવનાનો તેમણે કરી આપેલો અંગ્રેજી અનુવાદ છે. તેમાં પ્રકરણવાર વિસ્તૃત સાર છે.
તેમણે કેટલાક હિન્દી ગ્રંથોના આ પ્રમાણે ગુજરાતી અનુવાદો આપ્યા છે – (1) જૈન કાવ્યસાહિત્ય, (2) જૈન ધર્મદર્શન, (3) કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણો, (4) નિર્ગ્રન્થ સંપ્રદાય, જૈન તર્કભાષા જ્ઞાનબિંદુ પરિશીલન (મૂળ લેખક પં. સુખલાલજી) અને (5) પંચકર્મગ્રંથ-પરિશીલન (મૂળ લેખક પં. સુખલાલજી).
વળી, તેમણે પ્રાચીન હસ્તપ્રતોના આધારે અપ્રકાશિત નીચેની કૃતિઓનું સમીક્ષિત સંપાદન કર્યું છે : (1) ચક્રધરકૃત ‘ન્યાયમંજરીગ્રન્થિભંગ’ (સંસ્કૃત); (2) ઉપાધ્યાય હર્ષવર્ધનકૃત ‘અધ્યાત્મબિન્દુ’ (સંસ્કૃત); (3) ‘જૈન પ્રકરણસંગ્રહ’ (સંસ્કૃત); (4) પદ્મસેનસૂરિકૃત ‘જ્ઞાનચન્દ્રોદય નાટક’ (સંસ્કૃત); (5) સૂરાચાર્યકૃત ‘દાનાદિ પ્રકરણ’ (સંસ્કૃત); (6) જિનેશ્વરસૂરિકૃત ‘ગાહારયણકોસ’ (પ્રાકૃત) અને (7) ગંગેશોપાધ્યાયની ‘તત્વચિન્તામણિ’ ઉપર ગુણરત્નકૃત ટીકા (સંસ્કૃત).
તેમણે આધુનિક વિદ્વાનોનાં લખાણોનું સંપાદન પણ કર્યું છે. આવા ગ્રંથો છે (1) ‘પ્રશમરતિ’ (વિસ્તૃત વિવેચન સહિત); (2) ‘જૈન દૃષ્ટિએ કર્મ’; (3) વીરચંદ રાઘવજી ગાંધીનાં લખાણો ઉપરથી ‘રિલિજિયન ઍન્ડ ફિલૉસૉફી ઑવ્ જૈનાઝ’; (4) હર્બર્ટ વૉરેનનું પુસ્તક ‘જૈનિઝમ’; (5) ‘જૈન થિયરી ઑવ્ મલ્ટિપલ ફેસેટ્સ ઑવ્ રિયાલિટી ઍન્ડ ટ્રુથ’; (6) ‘હેમચંદ્ર’ઝ પ્રમાણમીમાંસા – એ ક્રિટિક ઑવ્ ઑરગન ઑવ્ નૉલેજ’ (સંસ્કૃત ટેક્સ્ટ ઇન રોમન સ્ક્રિપ્ટ વિથ ઇંગ્લિશ ટ્રાન્સલેશન, પંડિત સુખલાલજી’ઝ એક્સ્ટેન્સિવ ઇન્ટ્રોડક્શન ઍન્ડ ફિલૉસૉફિકલ નોટ્સ – ઑલ ઇન ઇંગ્લિશ). વળી નીચેના બે ગ્રંથો પણ તેમના રચેલા છે :
(1) ‘ડિક્શનરી ઑવ્ પ્રાકૃત પ્રોપર નૅમ્સ’નો તેમણે કરેલો ગુજરાતી અનુવાદ ‘પ્રાકૃત વિશેષ નામોનો પરિચયાત્મક કોશ’ (બે ભાગમાં – 2008) પણ તેમનો રચેલો છે.
(2) હરિભદ્રસૂરિકૃત ષડ્દર્શનસમુચ્ચય (સંસ્કૃત) ઉપરની ગુણરત્નસૂરિ વિરચિત તર્કરહસ્યદીપિકા નામની વિસ્તૃત સંસ્કૃત ટીકાનો ગુજરાતી અનુવાદ – વિસ્તૃત પ્રસ્તાવના, પૂર્તિઓ અને ટિપ્પણો સાથે.
ચંદ્રકાન્ત શેઠ