શાહ, ગુણવંત (જ. 12 માર્ચ 1937, સૂરત) : જાણીતા ગુજરાતી સાહિત્યકાર. સારા વક્તા અને ચિંતક. લલિત નિબંધોના લેખનમાં તેમણે એક આગવી મુદ્રા ઉપસાવી છે. માતાનું નામ પ્રેમીબહેન. પિતાનું નામ ભૂષણલાલ. પિતા વ્યવસાયે શિક્ષક હોવાના કારણે સદ્વાચન, શિક્ષણ અને સાહિત્યના સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા. બી.એસસી. અને એમ.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરવાની સાથોસાથ તેમણે શિક્ષણના વિષય સાથે પીએચ.ડી. કર્યું. કારકિર્દીનો આરંભ તેમણે વડોદરામાં શિક્ષણના અધ્યાપનકાર્ય સાથે કર્યો. ચેન્નાઈ, મુંબઈ અને છેલ્લે સૂરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે કામ કર્યા પછી ઈ. સ. 1987માં વહેલી નિવૃત્તિ લઈને ચોકઠામુક્ત, પગારમુક્ત અને ઘટમાળમુક્ત જીવનની ઝંખના સાથે વડોદરામાં સ્થિર થયા છે. ઈ. સ. 1987થી ઈ. સ. 1997નાં દસ વર્ષ માટે યુવાનોમાં વિચારક્રાન્તિ, જાગૃતિ અને સામાજિક ઉત્તરદાયિત્વ પ્રકટે એ માટે તેમણે ‘પંચશીલ આંદોલન’ પણ ચલાવ્યું. તેમણે અનેક પદયાત્રાઓ પણ કરી. તેમનાં 40થી વધુ પુસ્તકોમાં નિબંધ, પ્રવાસ, નવલકથા, ચિંતન, ચરિત્ર ઉપરાંત એક કાવ્યસંગ્રહ ‘વિસ્મયનું પરોઢ’(1980)નો પણ સમાવેશ થાય છે. ગુજરાતી સાહિત્યમાં તેમના વિશેષ પ્રદાન બદલ ઈ. સ. 1997માં તેમને ગુજરાત સાહિત્યસભાનો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત થયો. આ જ વર્ષે તેમને નર્મદ સાહિત્ય સભાનો ‘નર્મદ સુવર્ણચંદ્રક’ પણ અર્પણ થયો. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી એમનાં પુસ્તકો પુરસ્કૃત થતાં રહ્યાં છે.
શિક્ષણવિદ્યાના પ્રાધ્યાપક તરીકે તેમણે અનેક વિશ્વપરિષદોમાં વક્તવ્ય આપ્યાં છે. યુનિવર્સિટી ઑવ્ મિશિગન (એન. આર્બર, યુ.એસ.) અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી(ટેમ્ટી, યુ.એસ.)માં તેમણે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યું છે. વર્લ્ડ બૅન્ક અને યુનેસ્કોની પરિષદોમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે. ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર એજ્યુકેશનલ ટૅક્નૉલૉજીના પ્રમુખ અને ઇન્ટરનૅશનલ ઍસોસિયેશન ઑવ્ એજ્યુકેટર્સ ફૉર વર્લ્ડ પીસના ચાન્સેલર તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. વક્તૃત્વની આગવી છટાને કારણે તેઓ યુવાનોમાં ખાસ્સા લોકપ્રિય છે. લલિત નિબંધોમાં એમની નોખી શૈલી અને મૌલિકતાને કારણે ગુજરાતી સાહિત્ય રળિયાત છે.
તેમની નોંધપાત્ર કૃતિઓમાં (1) ‘કોલંબસના હિંદુસ્તાનમાં’ (પ્રવાસ, 1966), (2) ‘રજકણ સૂરજ થવાને શમણે’ (નવલકથા, 1968), (3) ‘કાર્ડિયોગ્રામ’ (નિબંધ, 1977), (4) ‘રણ તો લીલાંછમ’ (નિબંધ, 1978), (5) ‘વગડાને તરસ ટહુકાની’ (નિબંધ, 1979), (6) ‘વિચારોના વૃંદાવનમાં’ (નિબંધ, 1981), (7) ‘સાઇલન્સ ઝોન’ (નિબંધ, 1984), (8) ‘કરુણામૂર્તિ બુદ્ધ’ (ચરિત્ર, 1984), (9) ‘મનના મેઘધનુષ’ (નિબંધ, 1985), (10) ‘કૃષ્ણનું જીવનસંગીત’ (નિબંધ, 1986), (11) ‘બત્રીસે કોઠે દીવા’ (નિબંધ, 1988), (12) ‘અસ્તિત્વનો ઉત્સવ’ (ચિંતન, 1990), (13) ‘ઢાઈ અક્ષર પ્રેમ કા’ (નિબંધ, 1993), (14) ‘સંભવામિ ક્ષણે ક્ષણે’ (નિબંધ, 1994), (15) ‘સરદાર એટલે સરદાર’ (ચરિત્ર, 1994), (16) ‘શક્યતાના શિલ્પી શ્રી અરવિંદ’ (ચરિત્ર, 1997), (17) ‘બિલ્લો ટીલ્લો ટચ’ (આત્મચરિત્ર, 1997), (18) ‘રામાયણ : માનવતાનું મહાકાવ્ય’ (આસ્વાદમૂલક ગ્રંથ, 2003), (19) ‘ગાંધીની ઘડિયાળ’- (નિબંધ, 2004)નો સમાવેશ થાય છે. તેમના લગભગ દરેક પુસ્તકની એકાધિક આવૃત્તિઓ થયેલી છે. વળી તેમનાં પુસ્તકોના અંગ્રેજી તેમજ વિવિધ ભારતીય ભાષાઓમાં અનુવાદ થયા છે. ‘કૃષ્ણનું જીવનસંગીત’ પુસ્તક ‘ધ સિમ્ફની ઑવ્ કૃષ્ણ’ (2005) શીર્ષક સાથે અંગ્રેજીમાં અનૂદિત થવાની સાથે તેની નકલોનું હજારોની સંખ્યામાં વેચાણ થયું છે. ‘ઘરે ઘરે ગીતામૃત’(વિચારસાર-દોહન, 1980)ની આઠ આવૃત્તિઓ મળીને દોઢ લાખથી વધુ નકલોનું વેચાણ થયું છે; જેની ચોથી આવૃત્તિ ચાળીસ હજાર નકલોનો રેકર્ડ ધરાવે છે. ‘ગાંધીની ઘડિયાળ’ પુસ્તક આજના સમયમાં ગાંધીજીના વિચારોની પ્રસ્તુતતા મૂલવે છે. તેની દસ હજારથી વધુ નકલોનું વેચાણ થયું છે. તેઓ ‘સંદેશ’ અને ‘મિડ ડે’ દૈનિકપત્ર અને ‘અભિયાન’ સાપ્તાહિકમાં કટારલેખન પણ કરે છે.
દિનેશ દેસાઈ