શાહ, ગઝની (. ?, . .. 1512, અમદાવાદ) : અમદાવાદના સોળમી સદીના મુસ્લિમ સંત. ગુજરાતના સ્વતંત્ર સુલતાનોના શાહ ગઝની ઘણા જ નજીકના સગા થતા હતા. પરિણામે તેઓ અત્યંત ગર્વિષ્ઠ બની ગયેલા અને આમપ્રજાને પજવતા હતા. એક વખત તો તેમણે સંત શાહઆલમસાહેબના એક મુરીદ (સેવક) શેખ અહમદ પાસેથી પૈસા ખૂંચવી લીધા હતા. આ મુરીદે શાહઆલમસાહેબને ફરિયાદ કરી ત્યારે તેઓશ્રીએ કહ્યું કે, ‘કાંઈ નહિ તેનામાં ભક્તિનું બીજ રોપાઈ ગયું છે.’ શાહઆલમસાહેબને આમપ્રજા એટલી હદે ચાહતી હતી કે તેઓ ગાડીમાં બેસીને રસ્તા પર જતા હોય ત્યારે રસ્તા પર ચાલતા લોકો તેમને માન આપતા અને ઘોડાગાડીમાં બેઠેલાઓ નીચે ઊતરીને તેમની અદબ જાળવતા હતા. એક વખત આવા પ્રસંગે શાહ ગઝની તેમને મળ્યા, પરંતુ પોતાના ઘોડા પરથી નીચે ઊતર્યા નહિ. અન્ય મુરીદ મખદૂમસાહેબે શાહ ગઝનીના આવા પ્રકારના વર્તનની ફરિયાદ કરી ત્યારે શાહઆલમસાહેબે કહ્યું કે, ‘અલ્લાહ કરશે તો શાહ ગઝની તમારા જેવા પાસે ઝાડું કાઢવાનું કામ કરશે’. આ શબ્દો શાહ ગઝનીએ સાંભળ્યા અને તેમનું અભિમાન ઊતરી ગયું. તેઓ શાહઆલમસાહેબના સેવક બની ગયા અને તેમની જ જગ્યામાં આત્મશુદ્ધિ માટે રસોડું સાફ કરવાની કામગીરી કરી. પાછળથી તેઓ આધ્યાત્મિક માર્ગે ઘણા જ આગળ વધી ગયા. એમના ચમત્કારો (કરામતો) લોકોમાં પ્રચલિત હતા.

રાયખડ પાસે અલીફખાં બાબીની મસ્જિદથી થોડે દૂર એક જૂના મોટા વંડામાં શાહ ગઝનીની મસ્જિદ છે. અહીંયાં શાહ ગઝની અને શાહ અલી ઈઝતની કબરો આવેલી છે. જોકે જૂની મસ્જિદ અત્યારે ત્યાં નથી.

ઈશ્વરલાલ ઓઝા