શાહ, ગજેન્દ્ર

January, 2006

શાહ, ગજેન્દ્ર (. 1937, સાદરા, ગુજરાત) : ગુજરાતના આધુનિક  ચિત્રકાર. મૅટ્રિક્યુલેશન પછી 1956માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1961માં ત્યાંથી ચિત્રકલાનો ડિપ્લોમા હાંસલ કર્યો. ત્યારબાદ પહેલાં દિલ્હીમાં અને પછી અમદાવાદમાં 1961થી 1996 સુધી મકાનોની સજાવટ કરવાનો ઇન્ટિરિયર ડિઝાઇનરનો હુન્નર સ્વીકાર્યો અને 35 વરસ આ કારકિર્દીને આપ્યાં. આ વ્યવસાયમાંથી નિવૃત્ત થયા બાદ 1997માં ચિત્રસર્જન શરૂ કર્યું. વાસ્તવદર્શી શૈલી અને બંગાળ-શૈલીના સમન્વયથી તેમણે ઊભી કરેલી શૈલીમાં ગાતા-વગાડતા સંગીતકારો, ભારતનાં જોવાલાયક સ્થળો અને નર્તકો તેમણે ચીતર્યાં છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી, વડોદરા, જયપુર, સૂરત અને રાજકોટમાં તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. હાલમાં (2006) તેઓ અમદાવાદમાં તેમની કલાસાધનામાં મશગૂલ છે.

અમિતાભ મડિયા