શાહ, કે. ટી. (જ. 20 ફેબ્રુઆરી 1888, માંડવી, કચ્છ; અ. 10 માર્ચ 1953, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, પ્રખર દેશભક્ત તથા આર્થિક આયોજનના હિમાયતી. મૂળ ગુજરાતના કચ્છ પ્રદેશના વતની. આખું નામ ખુશાલ તલકસી શાહ. પ્રાથમિક, માધ્યમિક અને અર્થશાસ્ત્રમાં બી.એ. સુધીનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં લીધા બાદ વધુ શિક્ષણ માટે તેઓ લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં જોડાયા. ત્યાં બૅરિસ્ટરની પરીક્ષા પણ પાસ કરી. 1914માં ભારત પાછા આવ્યા અને તરત જ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા. થોડાક સમય માટે તેઓએ સીડનહૅમ કૉલેજમાં પણ અધ્યાપનકાર્ય કર્યું હતું. માત્ર 30 વર્ષની વયે 1918માં તેમની નિમણૂક પ્રોફેસર ઑવ્ ઇકોનૉમિક્સના પદ પર મૈસૂર યુનિવર્સિટીમાં થઈ હતી. 1921માં મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિષયના પ્રોફેસર અને વિભાગીય અધ્યક્ષપદે તેઓ નિમાયા હતા, જ્યાં તેમની ત્યારપછીની સમગ્ર વ્યાવસાયિક કારકિર્દી પૂરી થઈ હતી. પંડિત જવાહરલાલ નહેરુ જે નૅશનલ પ્લાનિંગ કમિટીના ચૅરમૅન હતા તેના સામાન્ય મંત્રી(જનરલ સેક્રેટરી)પદે પ્રો. શાહની વરણી થઈ હતી.
તે ઉપરાંત ઘણી સમિતિઓ પર તેમણે કામ કર્યું હતું તથા દેશની તત્કાલીન રિયાસતોમાંથી ઘણીના સલાહકાર તરીકે તેમણે સેવાઓ આપી હતી. જે બંધારણ સમિતિએ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડ્યું હતું તેના પણ તેઓ સભ્ય હતા. અર્થશાસ્ત્ર ઉપરાંત રાજ્યશાસ્ત્ર, રાજ્યવહીવટ, ઇતિહાસ, પત્રકારત્વ તથા સાહિત્ય જેવા વિષયોમાં પણ તેઓ સક્રિય રુચિ ધરાવતા હતા. આમ બહુશ્રુત વિદ્વાન તરીકે તેમની ખ્યાતિ હતી. તેમણે 1858-1919ના ગાળાની ભારતની નાણાં-વ્યવસ્થાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો અને તેમાં સુધારણા કરવા માટે કેટલાંક સૂચનો પણ રજૂ કર્યાં હતાં. તેમણે દારૂબંધીની પ્રખર હિમાયત કરી હતી તથા ‘હોમ ચાર્જિઝ’ નામ હેઠળ ભારતીયો પાસેથી બ્રિટિશ શાસકો દ્વારા ઉઘરાવવામાં આવતી ખંડણીનો સખત વિરોધ કર્યો હતો તથા ભારતની ચલણવ્યવસ્થામાં સુધારો કરવા માટેનાં સૂચનો કર્યાં હતાં; દા.ત., તેમણે ભારતના રૂપિયાનું મૂલ્ય સોનામાં નિર્ધારિત કરવાની તરફેણ કરી હતી. બૅંકિંગ ક્ષેત્રની સેવાઓના વૈવિધ્યીકરણ અને વિસ્તરણ પર તેમણે ભાર મૂક્યો હતો તથા ઔદ્યોગિક બૅંકની સ્થાપનાની તરફેણ કરી હતી. દેશના ઉદ્યોગોને તર્કપુર:સર રીતે પસંદગીયુક્ત સંરક્ષણ આપવાની તેમણે હિમાયત કરી હતી. તેમણે મૂડીવાદની અવેજીમાં રાજ્યપ્રેરિત સમાજવાદ તથા સહકારની તરફેણ કરી હતી. ભારતની અર્થવ્યવસ્થા તથા સમાજવ્યવસ્થાને પુનરુજ્જીવિત કરવા માટે તેમણે સ્થાનિક પ્રશાસન-સંસ્થાઓના વિકાસ પર ભાર મૂક્યો હતો. આમ કરવાથી જ દેશમાં લોકશાહી મજબૂત થઈ શકશે એવી તેમની દૃઢ માન્યતા હતી. દરેક સ્થળની મ્યુનિસિપલ કાઉન્સિલને જે તે નગર પૂરતી ધારાસભાનો દરજ્જો આપવો જોઈએ એવું તેમણે સૂચવ્યું હતું તથા મ્યુનિસિપલ કાઉન્સિલોના કાર્યક્ષેત્રના વિસ્તરણની હિમાયત કરી હતી. નાણાંવ્યવસ્થાની સુધારણા માટે તેમણે ચાર મુખ્ય ભલામણો કરી હતી : (1) લશ્કર પરના ખર્ચમાં ક્રમશ: (progressively) ઘટાડો કરવો; (2) શિક્ષણ અને જાહેર સ્વાસ્થ્ય પરના ખર્ચમાં વધારો કરવો; (3) આવકવેરાના માળખામાં ફેરફાર કરવા; અને (4) કેન્દ્ર (federal) સરકાર દ્વારા પ્રાંતીય સરકારોને વિકાસ માટે પૂરતી આર્થિક સહાય કરવી.
ભારતમાં આર્થિક આયોજનના બે મુખ્ય ધ્યેયો પર તેમણે ભાર મૂક્યો હતો : (1) આર્થિક સ્વનિર્ભરતા હાંસલ કરવી; (2) નિર્ધારિત સમયમર્યાદામાં લોકોના જીવનધોરણની સપાટી બમણી કરવી. આ ધ્યેયો હાંસલ કરવા માટે તેમણે વહીવટી ક્ષેત્રનું વિકેન્દ્રીકરણ, પ્રાંત અને ગ્રામ સ્તરે સ્થાનીય સ્તરનું આર્થિક આયોજન કરી શકે તેવા ઘટકોનું નિર્માણ તેમજ જાહેર સેવાઓનું વિસ્તરણ વગેરે પર ભાર મૂક્યો હતો. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, સંસ્કૃત અને ફ્રેન્ચ ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. ઇમ્પીરિયલ બૅંકનું રાષ્ટ્રીયકરણ કરવા માટેની ઝુંબેશના તેઓ અગ્રણી હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકર, વિજ્ઞાની મેઘનાદ શાહ તથા ઇન્દુલાલ યાજ્ઞિક અને એ. કે. ગોપાલન જેવા અગ્રણી રાજકારણીઓએ તેમના પ્રગતિશીલ વિચારો તથા કાર્યની પ્રશંસા કરી હતી.
પ્રો. કે. ટી. શાહે વિપુલ લેખનકાર્ય કર્યું હતું : તેમાં ‘સિક્સ્ટી ઇયર્સ ઑવ્ ઇન્ડિયન ફાઇનાન્સ’ (1921), ‘ઇન્ડિયન કરન્સી, એક્સચેંજ ઍન્ડ બૅંકિંગ’ (1922), ‘ટ્રેડ, ટેરિફ્સ ઍન્ડ ટ્રાન્સપૉર્ટ ઇન ઇન્ડિયા’ (1923), ‘વેલ્થ ઍન્ડ ટૅક્સેબલ કૅપેસિટી ઑવ્ ઇન્ડિયા’ (1924), ‘કૉન્સ્ટિટ્યૂશન ફન્ક્શન્સ ઍન્ડ ફાઇનાન્સ ઑવ્ ઇન્ડિયન મ્યુનિસિપૅલિટિઝ’ (1925), ‘ધ રશિયન એક્સ્પેરિમેન્ટ’ (1929), ‘ફેડરલ ફાઇનાન્સ ઇન ઇન્ડિયા’ (1929), ‘વર્લ્ડ ડિપ્રેશન’ (1933), ‘ધ કૉન્સિક્વન્સિસ ઑવ્ પોસ્ટ-વૉર પ્રાઇસ ચેન્જિસ’ (1934), ‘ઇન્ડિયાઝ પ્લેસ ઇન પોસ્ટ-વૉર રિકન્સ્ટ્રક્શન’ (1943), ‘પ્રિન્સિપલ્સ ઑવ્ પ્લાનિંગ’ (1943), ‘ઇન્ડિયાઝ નૅશનલ પ્લાન’ (1947), ‘હાઉ ઇન્ડિયા પેઝ ફૉર ધ વૉર’ (1943), ‘એન્શન્ટ ફાઉન્ડેશન ઑવ્ ઈકોનૉમિક્સ ઇન ઇન્ડિયા’ (1951) તથા ‘પ્રોમિસ ધૅટ વૉઝ ચાઇના’ (1954) વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમનાં અન્ય લખાણોમાં ‘સ્પ્લેન્ડર ધૅટ વૉઝ ઇન્ડિયા’ (1934), ‘પ્રૉવિન્શિયલ ઑટૉનોમી’ (1939) તથા ‘ફેડરલ સ્ટ્રક્ચર’(1939)નો પણ સમાવેશ થાય છે. અર્થશાસ્ત્ર અને તેના સંલગ્ન વિષયો પર તેમણે લખેલા ગ્રંથોની કુલ સંખ્યા 27 જેટલી છે. તેમણે ત્રણ નાટકો પણ લખ્યાં હતા.
1952માં ભારતના રાષ્ટ્રપતિપદ માટેની પ્રથમ ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર ડૉ. રાજેન્દ્રપ્રસાદ સામે એક અપક્ષ અને સ્વતંત્ર ઉમેદવાર તરીકે તેમણે ઉમેદવારી કરી હતી. દેશના રાષ્ટ્રપતિ અપક્ષ હોવા જોઈએ એવી તેમની ઢ માન્યતા હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે