શાહ, કૃષ્ણ (જ. 10 મે 1938, મુંબઈ) : અમેરિકા સ્થિત મૂળ ભારતીય ચિત્ર-નિર્માતા, અભિનેતા, લેખક અને દિગ્દર્શક. હોલિવુડમાં ચિત્રોથી અને બ્રૉડવેમાં પોતાનાં નાટકોથી નામના મેળવનાર કૃષ્ણ શાહે મુંબઈમાં સ્નાતક થયા બાદ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. બ્રૉડવેમાં તેમણે દિગ્દર્શન કરેલું અને એલન પેટન સાથે મળીને લખેલું એક દક્ષિણ આફ્રિકન નાટક ‘સ્પોનોનો’ વખણાયું હતું. બ્રૉડવે ઉપરાંત તેમણે કવિવર ટાગોરના નાટક પર આધારિત દિગ્દર્શન કરેલા નાટક ‘ધ કિંગ ઑવ્ ધ ડાર્ક ચેમ્બર’ને પણ સારી સફળતા
મળી હતી. આ નાટકે તેમને બે ‘ઓબીઆઇઈ’ પારિતોષિક અપાવ્યાં હતાં. હોલિવુડમાં તેમણે ચિત્રોનું નિર્માણ શરૂ કર્યું તે પહેલાં લંડનમાં તેમણે ‘કાલિદાસસ શકુંતલા’, ‘બ્લડનૉટ’, ‘કાઇન્ડલી મોનિસ’ નાટકોનું મંચન કર્યું હતું. એક નાટ્યકાર તરીકે સારી ખ્યાતિ મેળવ્યા બાદ તેઓ હોલિવુડ ગયા હતા. હોલિવુડમાં પહેલાં પટકથાલેખક તરીકે તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. એમજીએમ માટે તેમણે ‘આઇલૅન્ડ ઇન હાર્લેમ’ તથા નિર્માતા સેમ્યુઅલ ગોલ્ડવિન જુનિયર માટે ‘એપ્રિલ મૉર્નિંગ’ ચિત્રોની પટકથાઓ લખી અને એ દરમિયાન પોતે એક ચિત્ર ‘રાઇવલ્સ’નું નિર્માણ અને દિગ્દર્શન કર્યું. જોન હેકેટ અને રૉબર્ટ ક્લેઇન જેવા કલાકારોને લઈને બનાવાયેલું ‘રાઇવલ્સ’ હવે હોલિવુડનાં પ્રશિષ્ટ ચિત્રોમાં સ્થાન પામી ચૂક્યું છે. હોલિવુડમાં સફળતા મેળવ્યા બાદ કૃષ્ણ શાહે મુંબઈ આવીને અંગ્રેજી તથા હિંદી બંને ભાષામાં ‘શાલીમાર’ ચિત્ર બનાવ્યું હતું, જેમાં હોલિવુડના રેક્સ હેરિસન, સિલ્વિયા માઇલ્સ અને ભારતનાં ધર્મેન્દ્ર, ઝીન્નત અમાન વગેરે કલાકારો હતાં. આ ચિત્રને જોકે ટિકિટબારી પર ધાર્યો આવકાર નહોતો મળ્યો, પણ શાહે તે પછી ‘સિનેમા સિનેમા’નું દિગ્દર્શન કર્યું હતું. આ ચિત્ર વધુ તો ભારતીય ચલચિત્રોનો ઇતિહાસ રસપ્રદ રીતે રજૂ કરતું હતું. છેલ્લાં થોડાં વર્ષોથી તેઓ ભારતીય ફિલ્મોને અમેરિકામાં પ્રદર્શિત કરવાનો પણ વ્યવસાય કરી રહ્યા છે. શાહે બનાવેલાં ચિત્રો પૈકી ‘ધ રિવર નિગર’, ‘ધ પ્રિન્સ ઑવ્ લાઇટ’ને વિવિધ ફિલ્મોત્સવોમાં ઍવૉર્ડ મળ્યા છે. ‘ધ પ્રિન્સ ઑવ્ લાઇટ’ ઍનિમેશન-ચિત્ર હતું. તેઓ ડાઇરેક્ટર્સ ગિલ્ડ ઑવ્ અમેરિકાના સભ્ય છે.
નોંધપાત્ર ચિત્રો : દિગ્દર્શક તરીકે : ‘રાઇવલ્સ’ (1972), ‘ધ રિવર નિગર’ (1976), ‘શાલીમાર’ (1978), ‘સિનેમા સિનેમા’ (1979), ‘અમેરિકન ડ્રાઇવ-ઇન’, ‘હાર્ડ રૉક ઝોમ્બીસ’ (1985).
હરસુખ થાનકી