શાહ, અબ્દુલ વહાબ : ગુજરાતના અણહિલપુર પાટણના એક સુન્ની વિદ્વાન અને મુઘલ શહેનશાહ ઔરંગઝેબે નીમેલા મુઘલ સામ્રાજ્યના કાઝી-ઉલ્-કુઝ્ઝાત. પિતાને કેદ કરીને મુઘલ સામ્રાજ્યના માલિક બન્યા પછી ઔરંગઝેબે ઇસ્લામના નિયમ પ્રમાણે જુમાની નમાજમાં પોતાનો ખુતબો પઢવા માટે કાજીને વિનંતી કરી; પરંતુ તે સમયના સામ્રાજ્યના કાઝી-ઉલ્-કુઝ્ઝાતે, પિતાની હયાતીમાં પુત્રના નામનો ખુતબો પઢવાનો ઇનકાર કર્યો. તેથી ઔરંગઝેબ દ્વિધામાં પડ્યો. તે સમયે ગુજરાતના અણહિલપુર પાટણના એક સુન્ની વિદ્વાન, શેખ અબ્દુલ વહાબે ઔરંગઝેબને દ્વિધામાંથી મુક્ત કર્યા. તેમણે કાઝી-ઉલ્-કુઝ્ઝાત સાથે ધાર્મિક ચર્ચા કરીને પુરવાર કર્યું કે ઔરંગઝેબના નામનો ખુતબો પઢવાનું શાસ્ત્રસંમત છે. આ સેવાની કદર કરીને મુઘલ શહેનશાહ ઔરંગઝેબે શેખ અબ્દુલ વહાબને કાઝી-ઉલ્-કુઝ્ઝાતના ઉચ્ચ હોદ્દા પર નીમ્યા.
અમદાવાદમાં ખાનપુરમાં તેમનો રોજો આવેલો છે. એમાંની મસ્જિદ નાશ પામી હોવાથી પાછળથી ત્યાં નવી મસ્જિદ બંધાઈ છે.
જયકુમાર ર. શુક્લ