શાહુકાર : ખેડૂત તથા અન્ય વર્ગને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ આપનાર વ્યક્તિ. સામાન્ય રીતે ભારતના ખેડૂતોને (ક) બિયારણ, ખાતર અને ઘાસચારાની ખરીદ જેવા ખેતીખર્ચ અને અનાવૃષ્ટિના વર્ષમાં ઘરખર્ચ માટે એકથી સવા વર્ષના ટૂંકા ગાળાનાં ધિરાણ, (ખ) જમીનમાં સુધારા-વધારા કરવાનો ખર્ચ, અને ખેતીવાડીનાં સાધનો તથા ઢોરઢાંખર ખરીદવા માટે એકથી પાંચ વર્ષના મધ્યમ ગાળાનાં ધિરાણ અને (ગ) હયાત ઉપરાંત વધારાની જમીન અને ખેતીનાં યંત્રો ખરીદવા તથા જૂનું ઋણ ચૂકવવા માટે પાંચથી વધારે વર્ષના લાંબા ગાળાનાં ધિરાણની એમ હેતુ, આવશ્યકતા અને સમય આધારિત ત્રણ પ્રકારનાં ધિરાણની જરૂર પડે છે. ટૂંકા અને મધ્યમ ગાળાનું ધિરાણ શાહુકાર, શાખધિરાણ સહકારી મંડળી અને સરકાર કરે છે તથા લાંબા ગાળાનું ધિરાણ શાહુકાર, જમીનવિકાસ બૅન્ક (Land Development Bank) અને સરકાર પૂરું પાડે છે. આમ શાહુકાર ખેડૂતને ટૂંકા, મધ્યમ અને લાંબા – એમ ત્રણેય પ્રકારના ગાળાનું ધિરાણ પૂરું પાડે છે.
શાહુકારના વ્યવસાયમાં (ક) પોતાની ખેતીવાડીની સાથે સાથે ધિરાણનો વ્યવસાય કરનાર ખેડૂત-શાહુકાર, (ખ) પોતાના વેપારવણજની સાથે સાથે ધિરાણનો વ્યવસાય કરનાર દુકાનદાર-શાહુકાર અને (ગ) ફક્ત ધિરાણ કરનાર પૂર્ણ સમયનો વ્યવસાયી શાહુકાર – એમ ત્રણ પ્રકારના શાહુકાર હોય છે. ભારતના કૃષિધિરાણમાં શાહુકારનો હિસ્સો ભારતમાં સ્વતંત્ર થયું તે અગાઉ 70 % અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનાં શરૂઆતનાં વર્ષોમાં 50 % જેટલો ઊંચો હતો. આ ઉપરાંત શાહુકાર બિનખેડૂત વર્ગને પણ સંજોગો અનુસાર અંગત જરૂરિયાત માટે ધિરાણ કરતો હતો. આમ, તેના દ્વારા કરવામાં આવતા ધિરાણના પ્રમાણ-બાહુલ્ય માટે વિવિધ કારણો હતાં. (1) શાહુકાર ઉત્પાદક અને બિનઉત્પાદક હેતુ માટે ટૂંકા, મધ્યમ કે લાંબા ગાળાનું ધિરાણ મોકળા મનથી આપતો હતો. (2) શાહુકારની સાથે ધિરાણ લેનાર વ્યક્તિને પેઢી દર પેઢીના નિકટ અને અંગત સંબંધ હોવાથી તે શાહુકારનો સહેલાઈથી સંપર્ક સાધી શકતો હતો.
(3) શાહુકારની ધીરધારની રીતરસમો સાદી અને લવચીક હતી, અને (4) શાહુકાર પોતાના અનુભવ અને સ્થાનિક જાણકારીને કારણે જમીન અથવા વચનચિઠ્ઠી ઉપર નાણાં ધીરી શકતો હતો અને તે વસૂલ પણ કરી શકતો હતો.
આમ તો શાહુકાર ધીરધાર ક્ષેત્રે અતિઆવશ્યક સેવા આપતો હતો, પરંતુ તેની પ્રવૃત્તિ સાથે અનેક દૂષણો અને ગેરરીતિઓ સંકળાયેલાં હતાં : (1) શાહુકાર ધિરાણ લેનાર પાસેથી છળકપટ વડે બૉન્ડ અને વચનચિઠ્ઠી લખાવી લઈને તેમાં ધિરાણ આપેલી રકમ કરતાં વધારે રકમ લખાવી લેતો હતો. (2) તે 18 % જેટલું ઊંચું વ્યાજ વસૂલ કરીને શોષણ કરતો હતો. (3) શાહુકાર ધિરાણ આપતાં અગાઉ ધિરાણની રકમમાંથી અતિશય ભાગ/લાગો કાપી લેતો હતો, (4) તે ઋણ ચુકવણીની પહોંચ આપતો ન હતો અને કેટલીક વાર તો ઋણની રકમ મળી હોવા છતાં તે મળ્યાનો ઇનકાર કરતો હતો, અને (5) ધિરાણ અગાઉ લખાવી લીધેલાં બૉન્ડ અને વચનચિઠ્ઠી ધિરાણ ચૂકવાઈ ગયું હોય છતાં કેટલીક વાર પોતાની પાસે રાખી મૂકતો હતો, માગવા છતાં પરત કરતો ન હતો અને ઘણી વાર તેનો દુરુપયોગ કરતો હતો.
ભારતીય શાહુકારનો એકમાત્ર હેતુ યેનકેન પ્રકારેણ ખેડૂતની જમીન પચાવી પાડવાનો હતો. તેથી ભારતીય ગ્રામ ધિરાણ સર્વેક્ષણ સમિતિએ તેના અહેવાલમાં સરકારને ભલામણ કરી હતી કે ખેતી-ઉત્પાદનની વૃદ્ધિ માટે ખાનગી ધિરાણ જરા પણ અનુરૂપ નથી તેથી યોગ્ય પગલાં ભરવાં. આ ભલામણ અનુસાર ભારતનાં વિવિધ રાજ્યોએ શાહુકારની પ્રવૃત્તિ મર્યાદિત અને નિયંત્રિત કરવા માટે અધિનિયમો બનાવ્યા અને તેમાં વિશેષ સ્વરૂપે (1) શાહુકાર માટે પરવાનો, (2) હિસાબકિતાબ રાખવા માટે ઠરાવેલાં પત્રકો, (3) તારણ વગરના ધિરાણ ઉપર વ્યાજનો મહત્તમ દર 6 %, (4) ઋણની ચુકવણી કરવામાં આવે ત્યારે ધિરાણ લેનારને ફરજિયાત આપવી પડતી પહોંચ, (5) ધિરાણ લેનારને સમયાન્તરે આપવી પડતી ઋણ ખાતાના વિવરણની નકલ વગેરેની જોગવાઈઓ કરવામાં આવી. આ ચોકઠામાં કામ કરવાનું શાહુકારોને વસમું લાગવા માંડ્યું. બીજી તરફ સહકારી પ્રવૃત્તિમાં વેગ આવ્યો. તેથી પરવાના ધરાવતા શાહુકારોની સંખ્યા ક્રમશ: ઘટવા માંડી છે.
જયન્તિલાલ પો. જાની