શાહી, વિજય નંદન

September, 2025

શાહી, વિજય નંદન (ડૉ.) (જ. 18 જાન્યુઆરી 1942) : અગ્રણી કાર્ડિયોલૉજિસ્ટ. જેમણે નૈદાનિક તથા નિવારક કાર્ડિયોલૉજી તેમજ ઍડવાન્સ્ડ કાર્ડિયાક પેસિંગમાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી છે. તેઓ રિસર્ચ ઍન્ડ રેફરલ હૉસ્પિટલના નિદેશક તથા સશસ્ત્ર સેના ચિકિત્સા સેવાના મહાનિદેશક તથા મુખ્ય કન્સલ્ટન્ટનાં ગૌરવશાળી પદો પર કાર્ય કરી ચૂક્યા છે. તેઓએ રક્ષા મંત્રાલયમાં એમરિટ્સ મેડિકલ સાયન્ટિસ્ટ(કાર્ડિયોલૉજી)ના પદ ઉપર પણ કાર્ય કર્યું છે.

(ડૉ.) વિજય નંદન શાહી

તેમણે 1964માં દરભંગા મેડિકલ કૉલેજમાંથી મેડિસિનમાં ઑનર્સ તથા વિશેષ યોગ્યતા સહિત સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે 1973માં પુણે વિશ્વવિદ્યાલયમાંથી મેડિસિનમાં વિશેષ યોગ્યતા સાથે ડૉક્ટરેટ તથા 1981માં પોસ્ટ ગ્રૅજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ, ચંડીગઢથી કાર્ડિયોલૉજી(ડી.એમ.)માં પોસ્ટ ડૉક્ટરલની પદવી પ્રાપ્ત કરી.

છેલ્લા ચાર દસકા દરમિયાન ડૉ. શાહીએ પૂર્વોત્તર ભારત અને ભુતાન સહિત સંપૂર્ણ દેશમાં વિભિન્ન સૈનિક હૉસ્પિટલોમાં સેવા કરી છે તથા અસંખ્ય સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોના હૃદયરોગોનો સફળ ઉપચાર કર્યો છે. હૃદયાઘાત ઉપરાંત કાર્ડિયાક પુનર્સ્થાપનના ક્ષેત્રમાં તેમના ઉલ્લેખનીય કાર્ય દ્વારા બીજી જ શ્રેણીના સૈનિકોને વધુ સારું જીવન જીવવામાં સહાયતા મળી છે. ચિકિત્સાશિક્ષણના ક્ષેત્રમાં તેઓ પુણે વિશ્વવિદ્યાલય તથા રાષ્ટ્રીય બોર્ડના પોસ્ટ-ગ્રૅજ્યુએટ ટીચર તથા પોસ્ટ-ડૉક્ટરલ એક્ઝામિનર પણ હતા. તેમના વ્યાવસાયિક નેતૃત્ત્વ, દૂરદર્શિતા તેમજ ઉદ્યમશીલતા તથા અધ્યવસાયે પુણે તથા દિલ્હીમાં અત્યાધુનિક હૃદયરોગ કેન્દ્રોને સ્થાપવામાં સહાયતા કરી છે જે અત્યારે દેશનાં અગ્રણી કેન્દ્રો છે. દિલ્હીની પ્રતિષ્ઠિત પૂર્ણ વિશેષજ્ઞતા પ્રાપ્ત કરનાર આર. ઍન્ડ આર. હૉસ્પિટલ તેમની સર્જનશીલ દૂરદર્શિતાનું મહત્ત્વપૂર્ણ ઉદાહરણ છે; જે હૃદયરોગો, કૅન્સર, અંગ-પ્રતિસ્થાપન તથા પ્રમુખ રોગોના અત્યાધુનિક ઉપચારનું ઉત્કૃષ્ટ કેન્દ્ર છે.

ડૉ. શાહીએ સમાજના સામાન્ય તેમજ અભાવગ્રસ્ત લોકોને હૃદયરોગનો મૂળભૂત ઉપચાર પ્રદાન કરીને એમની બરાબર સેવા કરી છે. તેમને સરાહનીય તથા ઉત્કૃષ્ટ સેવાઓ માટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પરમ વિશિષ્ટ, અતિવિશિષ્ટ સેવા ચંદ્રક પ્રદાન કરવામાં આવ્યા છે. 2004માં ભારત સરકારે પદ્મભૂષણનું સન્માન આપીને નવાજ્યા છે.

પૂરવી ઝવેરી