શાસ્તા પર્વત (Shasta, Mount) : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલું, ઊંચાઈમાં છઠ્ઠા ક્રમે આવતું, ખૂબ જ ભવ્ય પર્વતશિખર. ભૌગોલિક સ્થાન : 41o21’ ઉ. અ. અને 122o20’ પ. રે.. તે ઉત્તર કૅલિફૉર્નિયાના કાસ્કેડ પર્વતોના દક્ષિણ વિભાગમાં તથા રેડિંગ(Redding)થી ઉત્તરે 124 કિમી. અંતરે આવેલું છે. તેની ઊંચાઈ 4,317 મીટર છે. તેનો શિખરભાગ ત્યાંની તળેટીની ભૂમિસપાટીથી 3,000 મીટરની ઊંચાઈએ તથા પહાડી વૃક્ષ-સીમાથી 1,200 મીટરની ઊંચાઈએ આવેલો છે. આ પર્વતના તળભાગનો વ્યાસ 27 કિમી. જેટલો અને વિસ્તારનું ત્રિપરિમાણીય કદ 336 ઘનમીટર જેટલું છે. તેનું ભૂમિદૃશ્ય 160 કિમી. લંબાઈમાં પથરાયેલું છે. તે વિસ્કીટાઉન-શાસ્તા-ટ્રિનિટી રાષ્ટ્રીય મનોરંજન વિસ્તારનું મહત્વનું ભૂમિલક્ષણ ગણાય છે.
આ પર્વત બે સુષુપ્ત (અથવા મૃત) જ્વાળામુખીઓથી બનેલો છે : શાસ્તા અને શાસ્તિના. શાસ્તિનાનો ટોચભાગ મુખ્ય શાસ્તા પર્વતના શિખરથી 2.4 કિમી.ને અંતરે છે. મુખ્ય પર્વતના પશ્ચિમ ઢોળાવ પર તે પછીના સમયમાં 2,400 મીટરની ઊંચાઈ સુધી માર્ગ તૈયાર કરાયો છે. તેના નૈર્ઋત્ય ભાગમાં તળેટી પર માઉન્ટ શાસ્તા શહેર વસેલું છે.
મુખ્ય પર્વતની બાજુઓ પાણી અને બરફને કારણે ખૂબ જ પ્રમાણમાં ઘસારો પામેલી છે. તેમાં કોતરો પણ રચાયાં છે. ત્યાં સ્ફોટક દ્રવ્યો સહિત લાવા પેદાશો પણ જોવા મળે છે. મુખ્ય પર્વતની બાજુઓ પર નાના નાના સ્ફોટક શંકુઓ તેમજ દાટાજન્ય ઘૂમટ ઊપસી આવ્યા હોય એવા દેખાય છે. તે પૈકીના કેટલાક તો અર્વાચીન વયના છે, તેના પર પશ્ર્ચાત્ હિમકાળની લાવાનદીઓના પ્રવાહો દેખાય છે. તેમની મૂળ ખરબચડી સપાટી હજી એવી જ જળવાયેલી રહી છે. તે ઢોળાવો પર આવરણ રચે છે. ટોચની નજીકમાં ગરમ પાણીના ઝરા 80o સે. તાપમાન ધરાવતી વરાળ છોડે છે. 4,300 મીટરની ઊંચાઈએ ઉત્કલનબિંદુથી તે થોડુંક જ નીચેનું ગણાય છે. શાસ્તિના પર્વતની બાજુઓ પ્રમાણમાં ઓછી ઘસાયેલી છે. તાજેતરનાં વર્ષોમાં કોઈ પ્રસ્ફુટન થયું હોવાનું નોંધાયેલું નથી.
શાસ્તા પર્વત પાંચ નાની હિમનદીઓ-વિટની, બોલાસ, વિન્ટન, હૉટલમ અને કોનવાકિટનથી વીંટળાયેલો છે. આ પૈકીની વિટની હિમનદી સૌથી મોટી (4 કિમી. લાંબી) છે, તે 2,900 મીટરની ઊંચાઈના સ્તર સુધી નીચે આવે છે.
શાસ્તા પર્વતશિખરની ખોજ પીટર સ્કીન ઑગડેને 1827માં કરેલી. અહીં શાસ્તાન ઇન્ડિયનો વસતા હોવાથી તેને શાસ્તા પર્વત નામ આપેલું. તેના પર સર્વપ્રથમ (1854) આરોહણ કરનાર કૅપ્ટન ઈ.ડી. પિયર્સ હતો.
ગિરીશભાઈ પંડ્યા