શાર્પ (Sharpe) વિલિયમ ફોરસિથ (જ. 16 જૂન 1934, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : 1990 વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. ઉચ્ચ શિક્ષણ લૉસ એન્જેલિસ ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં લીધું. 1958માં અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની અનુસ્નાતક પદવી અને 1961માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1957-61 દરમિયાન રૅન્ડ કૉર્પોરેશનમાં કામ કરતી વેળાએ તેઓ તેમના સહવિજેતા મૉર્કોવિઝને મળ્યા હતા અને તેમના કામથી ખૂબ પ્રભાવિત થયા હતા. 1961-68 દરમિયાન શાર્પે વૉશિંગ્ટન યુનિવર્સિટીના સીઆટલ ખાતે અર્થશાસ્ત્રનું અધ્યાપન કર્યું હતું. ત્યારબાદ 1968-70 દરમિયાન તેમણે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. ત્યારપછી તેમણે તેમની પોતાની સંસ્થા ઊભી કરી જેના દ્વારા સલાહકાર તરીકે તેમણે સેવાઓ આપવાનો પ્રારંભ કર્યો.
શાર્પને મળેલ નોબેલ પારિતોષિક ‘કૅપિટલ ઍસેટ પ્રાઇસિંગ મૉડેલ’ નામથી ઓળખાતા તેમણે વિકસાવેલા નાણાકીય મૉડેલ માટે એનાયત થયું છે. આ મૉડેલ દ્વારા તેમણે જામીનગીરીઓની કિંમતો કેવી રીતે જોખમો અને સંભાવ્ય મળતર પ્રતિબિંબિત કરે છે તેની તર્કશુદ્ધ સમજણ પૂરી પાડી છે. તેના જ સિદ્ધાંતોમાંથી ‘બેટા’(beta)ની વિભાવના વિકસી છે, જેના દ્વારા મૂડીરોકાણના બુદ્ધિપૂર્વકના વૈવિધ્યીકરણથી મૂડીરોકાણની પ્રક્રિયામાં રહેલાં જોખમો માપવાનું શક્ય બન્યું છે. ‘બેટા’ તકનીકના ઉપયોગથી જુદા જુદા શૅરોના અમુક મિશ્ર(mix of stocks)ની સમગ્ર સ્ટૉક સાથે સરખામણી કરી અમુક શૅરો ધરાવવા અંગેના નિર્ણયો લેવાની બાબત સરળ બની છે, જે શાર્પનું મૌલિક યોગદાન ગણાય છે.
1990નું અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જે ત્રણ અર્થશાસ્ત્રીઓમાં વહેંચવામાં આવ્યું છે, તેમાં શાર્પ અને માર્કોવિઝ સાથે મેર્ટન એચ. મિલરનો પણ સમાવેશ થયો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે