શાર્ઙ્ગધર શિલ્પી : ગુજરાતની પશ્ચિમ હિંદની પ્રાચીન વિશિષ્ટ કલાશૈલીના આદ્ય પ્રણેતા. ગુપ્ત સમયની શિલ્પકલાનો વારસો ધરાવનાર કોઈ શાર્ઙ્ગધર નામનો કલાકાર પાટણ આવ્યાની લોકકથા છે.
ઈ. સ. 1500ના અરસામાં થયેલા તિબેટના ઇતિહાસકાર બૌદ્ધ લામા તારાનાથે નોંધ્યું છે કે શીલ રાજાના સમયમાં મારવાડમાં શાઙર્ગધર નામે એક મહાન કલાકાર જન્મ્યો હતો. એણે ચિત્રો અને બીજી એવી મહાન અને ચિરંજીવ કલાકૃતિઓ બનાવી હતી. એના અનુયાયીઓથી પશ્ચિમ ભારતની કલાશૈલી ઉદ્ભવી અને નેપાળ તથા કાશ્મીરમાં એ શૈલીનો બહોળો પ્રચાર થયો. તારાનાથે કલાકાર શાઙર્ગધરને આશ્રય આપનાર શીલ રાજાનો ઉલ્લેખ કર્યો છે તે મૈત્રક રાજા શીલાદિત્ય 1લો હોવો જોઈએ; એને ઈ. સ. છઠ્ઠા સૈકામાં થયેલો માનતાં શાર્ઙ્ગધર એનો સમકાલીન ઠરે છે.
રામજીભાઈ ઠા. સાવલિયા