શારિબ રુદૌલ્વી (એસ. એમ. અબ્બાસ)
January, 2006
શારિબ રુદૌલ્વી (એસ. એમ. અબ્બાસ) (જ. 1 સપ્ટેમ્બર 19૩5, રુદૌલી, ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ પંડિત. તેમણે બી.એ. (ઑનર્સ); તથા લખનૌ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવીઓ મેળવી હતી. તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ભારતીય ભાષા કેન્દ્રના પ્રાધ્યાપક; ભારત સરકારના શિક્ષણ મંત્રાલયમાં પ્રમોશન ઑવ્ ઉર્દૂ બ્યૂરોમાં મુખ્ય પ્રકાશન-અધિકારી (1975-79); 197૩-75; 1979-90 દરમિયાન દયાલસિંગ કૉલેજમાં સિનિયર પ્રાધ્યાપક; 1990-9૩ દરમિયાન દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ-વિભાગના રીડર; 1988-90, 1991-9૩ સુધી ઉર્દૂ અકાદમી, દિલ્હીના સભ્ય; ઉત્તરપ્રદેશ ઉર્દૂ અકાદમીની કારોબારી-સમિતિના સભ્ય તથા જુદી જુદી યુનિવર્સિટીઓમાં બૉર્ડ ઑવ્ સ્ટડિઝના સભ્ય રહેલા.
તેમણે ઉર્દૂમાં 12 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ગુલ-એ-સાદ રંગ’ (1960, વીણેલાં કાવ્યોનો સંગ્રહ, સંપાદન); ‘જિગર ફન ઔર શખ્સિયત’ (1961); ‘જદિદ ઉર્દૂ તનકીદ ઉસૂલ-ઓ-નઝરિયાત’ (1968); ‘તનકીદી મુતાલે’ (1984); ‘માસિર ઉર્દૂ તનકીદ મસાઇલ-ઓ-મિલાનત’ (1994); ‘તન્કીદી મબાહિસ’ (1995) તમામ તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે. તદુપરાંત તેમણે સંખ્યાબંધ વિવેચનાત્મક ગ્રંથોનું સંપાદન કર્યું છે.
તેમને 1974, 1976-77ના વર્ષનો ઉત્તર પ્રદેશ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ; 1985ના વર્ષનો મીર અકાદમી ઍવૉર્ડ; 1987ના વર્ષનો નિયાઝ ફતેહપુરી ઍવૉર્ડ અને 1986-87ના વર્ષનો દિલ્હી ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા