શારદા ફિલ્મ કંપની (1925) : મૂક ચિત્રોના સમયની નિર્માતા કંપની. સરસ્વતી ફિલ્મ કંપની સાથે સંકળાયેલા બે ભાગીદારો : ભોગીલાલ કે. એમ. દવે અને નાનુભાઈ દેસાઈએ તેમાંથી છૂટા થઈને 1925માં શારદા ફિલ્મ કંપનીની સ્થાપના કરી હતી. તે માટે નાણાકીય સહાય મયાશંકર ભટ્ટે કરી હતી. તેઓ પણ ભાગીદાર તરીકે આ કંપનીમાં જોડાયા હતા. મૂક ચિત્રોના એ જમાનામાં ખાસ કરીને સ્ટંટ ચિત્રોનું નિર્માણ કરવામાં આ કંપનીએ ભારે ખ્યાતિ મેળવી હતી. એક સમયે તો તે ‘મારામારી ફિલ્મ કંપની’ તરીકે પણ જાણીતી બની હતી. ભોગીલાલ દવે આ પહેલાં અરદેશર ઈરાની સાથે ‘સ્ટાર ફિલ્મ્સ લિમિટેડ’માં પણ ભાગીદારી કરી ચૂક્યા હતા, એટલે ચિત્રનિર્માણનો તેમને ખૂબ સારો અનુભવ તો હતો જ, તે ઉપરાંત તેમણે અમેરિકાની ન્યૂયૉર્ક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફોટોગ્રાફીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. શારદા ફિલ્મ કંપનીને તેમના આ અનુભવ ને તાલીમનો સારો લાભ મળ્યો હતો. શારદાએ પ્રારંભ તો ઐતિહાસિક ચિત્ર ‘બાજીરાવ મસ્તાની’ બનાવીને કર્યો હતો, પણ પછી ‘મારામારી’ ધરાવતાં ચિત્રો પર તેમણે વધુ ધ્યાન આપવા માંડ્યું. તેમનાં ચિત્રોનો નાયક મોટાભાગે માસ્ટર વિઠ્ઠલ રહેતો. માસ્ટર વિઠ્ઠલની જે પ્રકારની છબિ હતી તેને અનુરૂપ આ કંપની પાત્રો ઘડીને ચિત્રો બનાવતી, જેમાં સ્પેશિયલ ઇફેક્ટસ્નો પણ મોટો ફાળો રહેતો. સમય જતાં ભોગીલાલ દવે અને નાનુભાઈની ભાગીદારી તૂટી ગઈ. ભોગીલાલે સુવર્ણ પિક્ચર્સ અને નાનુભાઈ દેસાઈએ સરોજ મુવિટોનની સ્થાપના કરી, પણ આ બંનેએ શારદા ફિલ્મ કંપનીએ જે પ્રકારનાં ચિત્રોનો પ્રવાહ શરૂ કર્યો હતો તેને આગળ વધારવાનું જ કામ કર્યું હતું. શારદા ફિલ્મ કંપનીએ 78 જેટલાં ચિત્રોનું નિર્માણ કર્યું હતું અને કેટલાંક ચિત્રો બીજી કંપનીઓને બનાવી પણ આપ્યાં હતાં. આ કંપનીએ બનાવેલું છેલ્લું મૂક ચિત્ર ‘વૅનિટી ફેર’ હતું.
નોંધપાત્ર ચિત્રો : ‘બાજીરાવ મસ્તાની’ (1925), ‘સૌરાષ્ટ્રવીર’, ‘દગાબાજ દુનિયા’, ‘અજબકુમારી’ (1926), ‘કાલા પહાડ’ (1927), ‘સોહની મહિવાલ’, ‘પ્રિઝનર ઑવ્ લવ’, ‘ગુલબદન’ (1928), ‘ચિરાગે કોહિસ્તાન’, ‘અનારબાલા’, ‘દિલરુબા’, ‘વીરગર્જના’ (1929), ‘ગરીબની હયા’ (19૩0), ‘બહાદુર બેટી’, ‘ચંદ્રમણિ’ (19૩1), ‘બહુરૂપી બજાર’, ‘ભેદી રાજકુમાર’, ‘ગુર્જરવીર’, ‘જંગ-એ-દૌલત’, ‘વૅનિટી ફેર’ (19૩2).
હરસુખ થાનકી