શારદાપ્રસાદ, એચ. વાય. (જ. 15 એપ્રિલ 1924, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ તથા ભારતીય અંગ્રેજી લેખક અને અનુવાદક. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ. (ઑનર્સ) અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં ફેલોશિપ મેળવી. તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ લેખનકાર્યમાં પરોવાયા.
તેઓ 1966-78 અને 1980-88 સુધી વડાપ્રધાનના માહિતી-સલાહકાર, 1978-80 સુધી ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માસ કૉમ્યુનિકેશનના નિયામક; 1985-90 દરમિયાન ઇન્દિરા ગાંધી મેમૉરિયલ ટ્રસ્ટના મંત્રી તથા 1985 પછી આઇ. સી. સી. આર.ના પ્રમુખ રહ્યા.
તેમણે અત્યાર સુધીમાં કન્નડ અને અંગ્રેજીમાં 25થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એક્સપ્લૉરિંગ કર્ણાટક’ (1981); ‘ઇન્દિરા ગાંધી’એ (1986) બાળકો માટેના ગ્રંથો; ‘રાષ્ટ્રપતિ ભવન’ (1992) વિનોદપ્રિય ગ્રંથ; ‘હેડમૅન ઑવ્ ધ લિટલ હિલ’ કન્નડ નવલકથાનો અંગ્રેજી અનુવાદ; ‘ટેન ફેસિઝ ઑવ્ અ ક્રેઝી માઇન્ડ’, શિવરામ કારંથની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ; ‘સ્વામી મટ્ટુ આવન સ્નેહિતરુ’ (1949) આર. કે. નારાયણની નવલકથાનો કન્નડમાં અનુવાદ આપ્યો. તેમણે જવાહરલાલ નેહરુ શતાબ્દી ગ્રંથ અને ઇન્દિરા ગાંધી તથા રાજીવ ગાંધી પર અન્ય સ્મૃતિગ્રંથોનું સહસંપાદન પણ કર્યું છે.
બળદેવભાઈ કનીજિયા