શારદાગ્રામ : ગાંધીપ્રેરણાથી સ્થપાયેલું એક વિદ્યાકેન્દ્ર. શ્રી મનસુખરામ જોબનપુત્રાએ ગાંધીજીની પ્રેરણાથી તા. 9-4-1921ના રોજ કરાંચીમાં એક જાહેર બાગમાં શેતરંજી ઉપર શારદામંદિરની સ્થાપના કરી હતી. કેવળ ધ્યેયનિષ્ઠ સંકલ્પશક્તિથી આવા અભાવની સ્થિતિમાંથી તેમણે એ સંસ્થાને ખ્યાતિપ્રાપ્ત વિદ્યાકેન્દ્ર બનાવ્યું હતું.
શારદામંદિરમાં શિક્ષણની સાથે ચારિત્ર્યઘડતર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. એ જ રીતે સાક્ષરી વિષયોની સાથે શારીરિક શિક્ષણ, ચિત્રકળા તથા સંગીતશિક્ષણનું પણ સંયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સુઘડતા અને વ્યવસ્થાની આદતો કેળવવામાં આવતી હતી. મુંબઈ યુનિવર્સિટીએ નીમેલી નિરીક્ષણ-સમિતિએ નોંધ્યું હતું કે શારદામંદિરનાં ખાસ ધ્યાન ખેંચે તેવાં તત્વો છે : સ્વચ્છતા, વ્યવસ્થા અને પ્રજાસેવાભાવનું વાતાવરણ. કરાંચી ખાતે વિકસેલા શારદામંદિરના વિદ્યાસંકુલમાં ગ્રંથાલય, વિજ્ઞાનની પ્રયોગશાળા, છાત્રાલય અને શિક્ષકોના નિવાસો, ગૌશાળા અને ક્રીડાંગણોનો સમાવેશ થતો હતો. એ વખતે શારદામંદિરમાં 1,200 વિદ્યાર્થીઓ હતા.
1947માં દેશના ભાગલા પડતાં મનસુખરામ જોબનપુત્રા બધું છોડીને ભારત આવ્યા. પોતાના મૃત્યુના દસ દિવસ પહેલાં ગાંધીજીએ શારદામંદિરના તત્કાલીન પ્રમુખ શ્રી જમશેદ મહેતાને આદેશ આપ્યો હતો કે ‘શારદામંદિરને ગમે તે ભોગે જીવતી રાખી એની પ્રણાલીઓને સાચવી રાખો.’ શ્રી મનસુખરામભાઈએ તા. 1-4-1949ના રોજ માંગરોળ મુકામે ફરીથી શારદાગ્રામના નામથી સંસ્થા શરૂ કરી. એ માટેની જમીન સૌરાષ્ટ્ર સરકારે આપી હતી. કરાંચીની જેમ જ સ્વચ્છતા, સુઘડતા અને આયોજનબદ્ધતા ઉપર ભાર મૂકવામાં આવ્યો. મનસુખરામભાઈ જીવ્યા ત્યાં સુધી શારદાગ્રામનો વિદ્યાસંકુલ માધ્યમિક શિક્ષણથી આગળ વધી શક્યો ન હતો. મનસુખરામભાઈના અવસાન પછી સંસ્થામાં આર્થિક વિટંબણાઓ સહિત અનેક કટોકટીઓ આવી. આજે (2006) આ સંસ્થાના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાર્ડી હતા અને નિયામક ડૉ. જે. જી. ભુવા છે.
શારદાગ્રામમાં હવે વિવિધ શિક્ષણસંસ્થાઓ સ્થાપીને તેની વિદ્યાકીય પ્રવૃત્તિઓને વિસ્તારવામાં આવી છે. આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, ગ્રામવિદ્યા મહાવિદ્યાલય, શિક્ષણ મહાવિદ્યાલય, પી.ટી.સી. કૉલેજ અને આઇ.ટી.આઇ.ના અભ્યાસક્રમો ત્યાં અપાય છે. અંગ્રેજી માધ્યમની શાળા પણ ત્યાં સ્થાપવામાં આવી છે. આ સંસ્થાને પણ સાધનસામગ્રીથી સુસજ્જ કરવામાં આવી છે. આધુનિક શિક્ષણના મુખ્ય પ્રવાહની સાથે બુનિયાદી શિક્ષણનાં અંગોને પણ રાખવામાં આવ્યાં છે. પ્રયોગશીલ બાગાયત, ગીર ઓલાદની ગાયોની ઉત્તમ ગૌશાળા તથા અદ્યતન ખેતીવાડી તેનાં ઉદાહરણો છે.
મનસુખ સલ્લા