શારકામ (ધાતુ અને બિનધાતુ પદાર્થોમાં)

January, 2006

શારકામ (ધાતુ અને બિનધાતુ પદાર્થોમાં) : દાગીનામાં છિદ્ર (શાર) પાડવા તેમજ તે માટેનાં પાનાં અને યંત્રો. વસ્તુને કે તેના ભાગોને જ્યારે એકબીજા સાથે જોડવાનાં થાય ત્યારે જો સ્ક્રૂ કે પિનથી જોડવાની રીત વાપરીએ તો છિદ્ર પાડવાનો પ્રશ્ર્ન ઊભો થાય છે. દાગીનો કયા પદાર્થ(લાકડું, પ્લાસ્ટિક કે ધાતુ)નો બનેલો છે, કુલ કેટલાં છિદ્રો પાડવાનાં થશે, દાગીનાઓની સંખ્યા કેટલા પ્રમાણમાં છે, મોટા પાયા પર ઉત્પાદન છે કે માત્ર સમારકામ છે વગેરે અનેક બાબતોને લક્ષમાં લઈ શારપાનું (ડ્રિલપાનું) અને મશીન નક્કી કરાય છે. જે પાનું લાકડામાં વપરાય તે ધાતુ માટે ન વપરાય. તેવી જ રીતે વર્ષો પહેલાં નાનાંમોટાં કામ માટે સુથાર શારડી વાપરતો તે હવે બહુ કાર્યક્ષમ બની રહે તેમ નથી.

આકૃતિ 1 : શારયંત્ર (પિલર ડ્રિલિંગ મશીન)

જૂના સમયમાં સુથાર જે શારડી વાપરતો તે જૂની ડિઝાઇનમાં હતી. તેના લાકડાના ગોળ હાથામાં નીચેના ભાગે શારપાનું ભરાવાતું અને થોડી વાળેલી લાકડાની દાંડીના બંને છેડે દોરી બાંધી તેને હાથાના ફરતા બે-ત્રણ આંટા વીંટાળીને લાકડાની દાંડી(‘બો’)ને આગળ-પાછળ કરવાથી હાથો ફરતો અને તે સાથે શારપાનું પણ ફરતું. તેનાથી લાકડામાં જરૂરિયાત પ્રમાણે શાર પાડી શકાતાં. આમાં કારીગરને શારીરિક શ્રમ પડતો. હવે સુથારો મોટેભાગે આવી સાદી શારડીની જગ્યાએ ‘હૅન્ડ ડ્રિલ મશીન’ વાપરતા થયા છે. તેમાં કારીગરને હાથથી પાનું ચલાવવું પડતું નથી; તે ઇલેક્ટ્રિક મોટરથી ચાલે છે. અલબત્ત, અહીં પણ કારીગરે હાથથી મશીન પકડી દાગીના પર યોગ્ય રીતે ગોઠવવું તો પડે છે અને દબાણ પણ આપવું પડે છે. લાકડાં, પ્લાસ્ટિક કે ધાતુ એમ બધા પ્રકારના પદાર્થોના દાગીનામાં છિદ્ર પાડવા હૅન્ડ ડ્રિલ મશીન વપરાય છે.

આકૃતિ 2 : વિવિધ શારપાનાં

જ્યારે પ્રમાણમાં મોટાં છિદ્રો પાડવાનાં હોય, દાગીનાની સંખ્યા વધુ હોય, દાગીના અટપટા હોય કે મોટા કદના હોય તેમજ છિદ્રનાં પરિમાણોની ચોકસાઈ જરૂરી હોય તેવા સંજોગોમાં છિદ્ર પાડવા માટે શારયંત્રો (drilling machines) વપરાય છે. ડ્રિલિંગ મશીનમાં દાગીનાને મશીન-ટેબલ ઉપર ગોઠવી ફિટ કરવામાં આવે છે. ડ્રિલપાનું મશીનના સ્પિન્ડલમાં ભરાવવામાં આવે છે. આ સ્પિન્ડલની ગતિ(rotating speed in rpm)માં ફેરફાર કરી શકાય છે. દાગીનાના પદાર્થ તેમજ છિદ્રના વ્યાસને ધ્યાનમાં લઈ સ્પિન્ડલની ગતિ નક્કી કરાય છે. ડ્રિલિંગ મશીનમાં આવી બધી સુવિધા હોય છે, જે શારડી કે હૅન્ડ ડ્રિલ મશીનમાં શક્ય નથી. આકૃતિ 1માં શારયંત્ર (drilling machine) દર્શાવ્યું છે તેમજ આકૃતિ 2માં બહુ પ્રચલિત એવા ટ્વિસ્ટ-ડ્રિલપાનાં દર્શાવ્યાં છે.

આકૃતિ ૩ : બ્લૅન્કિંગ અને પંચિંગ

દાગીનામાં છિદ્ર હોય, પરંતુ તે મોટું કરવું હોય, તેમાં ખૂબ ચોકસાઈ જોઈતી હોય, છિદ્ર સળંગ લંબાઈ(ઊંડાઈ)માં એકકેન્દ્રી રહે તે જરૂરી  હોય તેવા સંજોગોમાં ડ્રિલિંગ મશીનની જગ્યાએ બોરિંગ મશીન વપરાય. બોરિંગ મશીન પણ એક પ્રકારનું શારયંત્ર જ છે તેમ કહી શકાય. ડ્રિલિંગ મશીનમાં સ્પિન્ડલ ઊભી હોય છે તેમજ તેને ઉપર-નીચે કરાય છે; જ્યારે બોરિંગ મશીનમાં સ્પિન્ડલ આડી હોય છે અને જે ટેબલ પર દાગીનો ગોઠવ્યો હોય તે ટેબલને આઘું-પાછું કરી જોઈતા છિદ્રની ઊંડાઈ મેળવી શકાય છે. બોરિંગથી છિદ્ર વધુ સાફ અને ચોક્કસ માપનું મેળવાય છે.

જ્યારે ધાતુ-પતરામાં છિદ્ર પાડવાનાં હોય, છિદ્રોનાં કદ જુદાં જુદાં હોય, કાણાં ગોળને બદલે જુદા આકારનાં પણ હોય, દાગીનાની સંખ્યા વધુ હોય તેમજ છિદ્રની પરિમાણીય ચોકસાઈ ઉચ્ચ સ્તરની રાખવાની હોય તેવા સંજોગોમાં ડ્રિલિંગ મશીન કે બોરિંગ મશીનને બદલે પ્રેસમશીન વાપરવાં પડે. આવાં પ્રેસમશીન પંચિંગ મશીન કહેવાય છે. આ મશીનોમાં ડ્રિલપાનાંને બદલે ઓજાર તરીકે ડાઇ-પંચ વપરાય છે. ડાઇ અને પંચ ખાસ પ્રકારના ટૂલ-સ્ટીલમાંથી બહુ ચોકસાઈપૂર્વક બનાવ્યાં હોય છે. ડાઇ અને પંચની દીવાલો વચ્ચે ચોક્કસ ગણતરીપૂર્વકની જગ્યા (gap) રાખવાની હોય છે. મળતા છિદ્રના માપની ચોકસાઈ તેમજ સફાઈ આના પર આધાર રાખે છે. પતરામાં છિદ્ર પાડવું તે પંચિંગ કહેવાય, જ્યારે પતરામાં છિદ્ર પાડી જે ભાગ પતરાથી છૂટો પડતો હોય તે ભાગ (ટીકડી) કામનો હોય અને તે માટે પ્રેસ-વર્ક કર્યું હોય તો તે ક્રિયા ‘બ્લૅન્કિંગ’ કહેવાય. આકૃતિ ૩માં બ્લૅન્કિંગ અને પંચિંગ દર્શાવ્યાં છે.

પંચિંગ મશીનમાં છિદ્રો પાડવાની ઝડપ ડ્રિલિંગ અને બોરિંગ કરતાં ખૂબ વધારે હોય છે. પતરાંમાં છિદ્રો પાડવાં એ પ્રેસવર્કનું મોટું અને અગત્યનું ક્ષેત્ર છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ

ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ