શામ્બ : શ્રી સમરેશ બસુ(‘કાલકૂટ’)ની ઈ.સ. 1977માં પ્રગટ થયેલી બંગાળી નવલકથા. ઈ.સ. 1982 સુધીમાં તેની પાંચ આવૃત્તિઓ થયેલી અને 60,000થી વધુ નકલો વેચાયેલી ! તેનો પ્રસાદ બ્રહ્મભટ્ટે કરેલ અનુવાદ 1986માં ‘શાપ-અભિશાપ’ નામે અને 2002માં ‘શામ્બ’ નામે પ્રગટ થયો છે.
ઈ.સ. 1980ના સાહિત્ય અકાદમી પુરસ્કારથી વિભૂષિત ‘શામ્બ’ના લેખક સમરેશ બસુ બંગાળી કથાકારોની નવી પેઢીમાં પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ‘કાલકૂટ’ ઉપનામનો જન્મ 1952માં થયો હતો. એક રાજનૈતિક કૃતિના સંદર્ભમાં એ ઉપનામ સર્જાયું હતું. તેનું સામયિક પ્રયોજન હવે રહ્યું નથી; પરંતુ આ ઉપનામ બંગાળી સાહિત્યમાં ચિરકાલીન થઈ રહ્યું. બે વરસ પછી જ્યારેં લેખકની યશોદાયી કૃતિ ‘અમૃતકુંભેર સન્ધાને’ પ્રગટ થઈ, ત્યારે અમૃતકુંભની શોધમાં ‘કાલકૂટ’ની જે યાત્રા શરૂ થઈ હતી તે પછી ચાલુ રહી. ‘કાલકૂટ’ની આ નવી ભ્રમણકથાનો સ્વાદ જેવો અભિનવ છે, યાત્રાપથ તેવો જ ગહન છે. બંસીના સંકેતે કાલકૂટની યાત્રા પુરાણપથ પર દ્વારકાનગરીમાં થાય છે. અહીં કૃષ્ણ પાર્શ્ર્વચરિત્ર છે. કૃષ્ણતનય અસાધારણ રૂપવાન વીર શામ્બ આ ભ્રમણકથાનો નાયક છે. કૃષ્ણની સોળ હજાર રમણીઓ આ નાયકને મળવા આતુર છે. આ વાત કૃષ્ણના કાને પહોંચાડે છે દેવર્ષિ નારદ. પિતાની વિચિત્ર અસૂયા પુત્ર શામ્બના જીવન પર અભિશાપ બની ઊતરી આવે છે. શામ્બ કેવી રીતે તે અભિશાપ-જીવનમાંથી મુક્ત થાય છે. તે કાલકૂટે આ નવલકથામાં સુપેરે દર્શાવ્યું છે.
શામ્બની કથા ખાસ તો તેનું પિતા દ્વારા અભિશપ્ત થવું, શાપમોચન અને મુક્તિ, તથ્યોની જાળમાં આવૃત છે. આ ઘટનાની આસપાસની ગૂંચોને છૂટી પાડી લેખકે માત્ર અભિશાપનું કારણ અને શાપમોચનને કેન્દ્રમાં રાખી આ કૃતિ સર્જી છે. પ્રસ્તાવનામાં લેખકે નોંધ્યું છે, ‘‘મેં એક એવા માણસની વાત કરવા ઇચ્છી છે, જે અત્યંત દુ:સમયમાં પણ વિશ્વાસ હારતો નથી, જે દૈહિક અને માનસિક કષ્ટોમાં પણ નિરંતર ઉત્તીર્ણ થવાનો પ્રયત્ન કરે છે. શામ્બ મારી સામે એક ‘સંગ્રામી’ વ્યક્તિ છે. ‘વિશ્વાસ’ અહીં મારા વક્તવ્યનો વિષય છે અને એક વિપન્ન વ્યક્તિના ઉત્તરણને મેં શ્રદ્ધા સાથે બતાવવા ઇચ્છ્યું છે, જોવા ઇચ્છ્યું છે કાળની માનસિકતા અને દૃષ્ટિભંગિ સાથે.’’ સમગ્ર નવલકથાના બે ખંડ સ્વાભાવિક રીતે જ પડી જાય છે. પ્રથમ ખંડ ભૂમિકારૂપ છે. તેમાં કથા નથી પણ કથાની પશ્ર્ચાદ્ભૂમિકા છે; આધુનિક સંદર્ભમાં થયેલાં અર્થઘટનો છે. બીજો ખંડ શામ્બકથાનો છે, તેના પણ બે ભાગ પડી જાય છે : શાપની ઘટના અને શાપમોચનનો પુરુષાર્થ. આ ખંડના પૂર્વાર્ધમાં કૃષ્ણ દ્વારા શામ્બને અભિશાપ મળે છે એ ઘટના સવિસ્તર નિરૂપાઈ છે, તો ઉત્તરાર્ધમાં શાપમુક્તિ માટે શામ્બ જે પુરુષાર્થ કરે છે, ભ્રમણ કરે છે તેનું આલેખન થયું છે.
લેખકે આ નવલકથાને ભ્રમણકથા બનાવી છે. પ્રથમ ખંડની યાત્રા પ્રચલિત અર્થમાં જેને યાત્રા કહે છે તેવી યાત્રા નથી, પણ પુરાણોમાં, પૌરાણિક ઘટનામાં અવગાહન છે. અભિશપ્ત શામ્બ શાપમોચનાર્થે યાત્રાએ નીકળે છે ત્યાં આ ભ્રમણકથાને એક નવું પરિમાણ લાધે છે. અત્યંત સ્વરૂપવાન રાજકુમાર શામ્બ કુષ્ઠરોગી થઈ પદયાત્રાએ નીકળે છે એ યાત્રાવૃત્તાન્ત દિલને હચમચાવી દેનારું છે. આ યાત્રાને અંતે શામ્બ માત્ર શાપમુક્ત જ નથી થતો, અનેક કુષ્ઠરોગીઓને પણ રોગમુક્ત કરી તેમના જીવનમાં નવી રોશની પ્રગટાવે છે અને જે નારદજીને નારાજ કરી પોતે શાપિત બન્યો હતો તેમને જ પ્રસન્ન કરી સૂર્યનારાયણને ‘શામ્બાદિત્ય’ સંબોધન કરવા પ્રેરે છે. યાત્રાની, ભ્રમણની આ ફલશ્રુતિ મહાન છે.
શામ્બકથાના મૂળમાં શાપની ઘટના છે. પ્રાચીન કાળની અનેક પ્રસિદ્ધ કથાઓમાં શાપનું તત્વ જોવા મળે છે. શાપનું તત્વ સંકુલ, જટિલ છે. તેને પૂરેપૂરું પામવું દુષ્કર છે. શાપ અમોઘ, અનિવાર્ય નિયતિ છે એમ કહ્યા પછી લેખકને જે કહેવું છે તે એ કે તેમાંથી મુક્ત થવાનો માર્ગ છે. વ્યક્તિ પુરુષાર્થ કરે, વિશ્વાસ રાખે તો ગમે તેવા અભિશાપમાંથી પણ મુક્ત થઈ શકે.
આ કૃતિ પાત્રપ્રધાન નવલકથા છે. મુખ્ય પાત્ર શામ્બની આજુબાજુ નવલકથાની ઘટનાઓ આકાર ધારણ કરે છે. અલબત્ત, લેખકે પ્રસ્તાવનામાં સ્પષ્ટ કર્યું છે તેમ, શામ્બના સંપૂર્ણ જીવનને સ્પર્શ કરવાની તેમની ઇચ્છા નથી. તેમને તો શાપ મળ્યા પછી શામ્બ કેવી બહાદુરીથી, ધીરજથી, શ્રદ્ધાથી તેમાંથી મુક્ત થાય છે એ દર્શાવવામાં જ વિશેષ રસ છે. આમ, કૃતિમાં શામ્બના જીવનના એક ખંડનું જ નિરૂપણ થયું હોવા છતાં તેમાંથી શામ્બના પ્રતાપી પૌરુષી, ઉદાત્ત વ્યક્તિત્વની ઝાંખી થઈ રહે છે.
લેખકની રસળતી, શિષ્ટશૈલી આ સત્વવંતી કૃતિને ક્યાંક ક્યાંક ભવ્યતાનો સ્પર્શ આપે છે. આ સુશ્ર્લિષ્ટ લઘુનવલ પુરુષાર્થની પ્રેરક ભ્રમણકથા બનવાની સાથે, ઉચ્ચસ્તરીય પ્રશિષ્ટ કૃતિ પણ છે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ