શાપૉરિન, યુરી (જ. 1887, રશિયા; અ. 1966, રશિયા) : મહત્વના રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. મૉસ્કો યુનિવર્સિટી ખાતેથી કાયદામાં સ્નાતક થયા બાદ મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે તેઓ જોડાયા. ત્યાં ઍલેક્ઝાન્ડર ગ્લાઝુનૉવ અને ચેરેપ્નિન (Tcherepnin) તેમના ગુરુઓ હતા. શાપૉરિનની જાણીતી કૃતિઓ આ મુજબ છે :
1. કૅન્ટાટા : ‘ઑન ધ ફિલ્ડ ઑવ્ કુલિકોવો’ (19૩9).
2. ઑપેરા : ‘ધ ડિસેમ્બ્રિસ્ટ્સ’ (195૩).
૩. કોરલ (વૃંદગાન સાથેની) સિમ્ફની (19૩2).
4. ત્યુચેવ, ઍલેક્ઝાન્ડર પુશ્કિન, એ. બ્લૉક અને એ. ફેટ એ કવિઓનાં ગીતોને આપેલા સંગીતના ઢાળ.
5. ફિલ્મ ‘કુટુઝોવ’ (194૩) માટેનું સંગીત.
6. ઑરેટૉરિયો ‘હાઉ લૉન્ગ વિલ ધ બ્લૅક કાઇટ કીપ સોરિંગ’ (1962).
શાપૉરિન મહાન સંગીતગુરુ પણ નીવડ્યા. આજે તેમનું નામ રશિયન સંગીતના મહાન ગુરુઓ ગ્લાઝુનૉવ, રિમ્સ્કી-કોર્સાકૉવ, બાલાકિરેવ અને ચેરેપ્નિનની સાથે મૂકવામાં આવે છે. સંગીતગુરુ તરીકે શાપૉરિને રોદિયોં શ્ચેદ્રિન (Rodion Shchedrin), નિકોલાઈ સિડેલિન્કૉવ, ઍલેક્ઝાન્ડર ફ્લ્યાર્કોવ્સ્કી અને રુસ્તમ યાખિન જેવા આધુનિક રશિયન સંગીતના ટોચના સર્જકોનું ઘડતર કર્યું.
અમિતાભ મડિયા