શાપિરો, મિરિયમ (. 192૩, અમેરિકા) : અમૂર્ત ચિત્રણા માટે જાણીતાં અમેરિકન મહિલા ચિત્રકાર.

તરુણાવસ્થાથી તેમણે અમૂર્ત અભિવ્યક્તિવાદી ઢબે ચિત્રણા શરૂ કરી. 1960માં તેઓ નારીવાદી (feminist) આંદોલનમાં જોડાયાં. એક અન્ય અમેરિકન મહિલા ચિત્રકાર જુડી શિકાગો સાથે તે ‘ફિમિનિસ્ટ આર્ટ પ્રોગ્રામ’નાં સહદિગ્દર્શક બન્યાં. આ સંસ્થાએ લૉસ એન્જલસ ખાતેની કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધી આર્ટમાં ‘વુમનહાઉસ’ નામ હેઠળ પ્રવૃત્તિઓ શરૂ કરી. આ પ્રવૃત્તિઓમાં જૂનાં ખાલી મકાનોમાં મહિલા કલાકારો માત્ર અન્ય મહિલા કલાકારોની સાથસંગાથમાં રહે છે અને બટન, દોરા, સોય, ઊન, રેશમ દ્વારા ચાદરો, ટેબલક્લૉથ જેવી ઉપયોગી કલાકૃતિઓનું સર્જન કરે છે. મૌલિક કલાસર્જનમાં શાપિરો 1980 પછી અમૂર્તતા છોડી માનવઆકૃતિઓ તરફ ઢળ્યાં છે. વાસ્તવઆભાસી નર્તનમગ્ન આકૃતિઓ તેમનો પ્રિય વિષય છે.

અમિતાભ મડિયા