શાગાલ, માર્ક (Chagall Marc) (. 7 જુલાઈ 1887, વિટૅબ્સ્ક, રશિયા; . ?) : મધુર સ્વપ્નિલ ચિત્રો ચીતરવા માટે જાણીતા આધુનિક ચિત્રકાર; પરાવાસ્તવવાદી (surrealistic) ચિત્રકલાના અગ્રયાયી.

માર્ક શાગાલ

પોલૅન્ડની સરહદ નજીક આવેલા નાનકડા રશિયન ગામડા વિટૅબ્સ્કમાં એક યહૂદી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. એમને આઠ ભાઈ-બહેન હતાં. કુંટુંબ ગરીબ કહી શકાય તેવું નહિ, પણ સાધારણ સ્થિતિનું, સાદગીવાળું હતું. પિતા હેરિન્ગ માછલીઓની વખારમાં કામ કરતા હતા. માતા માછલી, લોટ, ખાંડ અને મસાલા વેચવાની નાનકડી કરિયાણાની દુકાન ચલાવતાં હતાં. બાળપણમાં શાગાલે શાળામાં અભ્યાસ કર્યો અને બાઇબલનું પઠન કર્યું; સાથે સાથે તે સિનેગૉગમાં જઈ ગાતો પણ ખરો. તાર્કિકતાનો વિરોધ કરનાર ‘હેસિડિમ’ નામે ઓળખાતા યહૂદી રહસ્યવાદના પ્રભાવ હેઠળ તે આવ્યા. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી વાસ્તવવાદી શૈલીએ ચિત્રણા કરનાર સ્થાનિક ચિત્રકાર જેહૂદા પૅન નામના ચિત્રકારના સ્ટુડિયોમાં તેમણે ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. ત્યારબાદ સેંટ પીટર્સબર્ગ જઈ ત્યાંની કલાશાળામાં ત્રણ વરસ સુધી કલાભ્યાસ કર્યો. એ જ વખતે સેંટ પીટર્સબર્ગમાં લિયૉન બૅક્સ્ટ નાટકો તથા ઑપેરાની રંગમંચસજ્જાનું કામ કરી રહ્યા હતા. તેમની પાસે શાગાલે એ પ્રકારનું કામ શીખવું શરૂ કર્યું. આ તબક્કાની તેમની ચિત્રકૃતિઓમાંથી બે નોંધપાત્ર છે : ‘ધ ડેડ મૅન’ અને ‘માઇ ફિયાન્સી વિથ બ્લૅક ગ્લવ્ઝ’.

સેંટ પીટર્સબર્ગના એક શ્રીમંતે આપેલી નાણાકીય સહાયને આધારે શાગાલ 1910માં પૅરિસ રહેવા ગયા. અહીં તેમણે નિર્બંધ રખડુ અલગારી કલાકાર તરીકે જીવન શરૂ કર્યું. આધુનિક કવિઓ મૅક્સ જેકૉબ, બ્લેઇઝ સેન્દ્રા અને ગુઇલોમ એપોલિનેઇરે (Guillaume Apollinaire) સાથે તેમણે ઘરોબો કેળવ્યો. ઉપરાંત યુવાન આધુનિક ચિત્રકારો કેઇમ સૂટીન (Chaim Soutine), રૉબર્ટ દેલોને (Delaunay), આલ્બર્ટ ગ્લીઝેઝ (Gleizez), જ્યાં મેટ્ઝિન્જર (Metzinger), ફર્નાન્ડ લેહાર (Leger) તથા આન્દ્રે લ્હોતે સાથે મિત્રતા કેળવી. પૅરિસમાં અનેક પ્રદર્શનોની મુલાકાત લઈ આધુનિક ચિત્રકલા અને શિલ્પકલાની બધી જ શાખાઓનો નિકટતાથી પરિચય કેળવ્યો. શાગાલના પૅરિસનિવાસના આ ચાર વરસના ગાળામાં તેમની સર્જકતાનાં શ્રેષ્ઠ શૃંગો તેમનાં ચિત્રોમાં દેખાયાં. એ પછીનાં વર્ષોની સિદ્ધિની મુલવણી આટલી ઊંચી થતી નથી. આ ચાર વરસનાં તેમનાં ચિત્રોમાં શ્રેષ્ઠ  છે : ‘સેલ્ફ પૉર્ટ્ર્રેટ વિથ સેવન ફિન્ગર્સ’, ‘આઇ ઍન્ડ ધ વિલેજ’, ‘હૉમેજ એ એપોલિનેઇરે’, ‘કેલ્વેરી’, ‘ધ ફિડ્લર’ તથા ‘પૅરિસ થ્રૂ ધ વિન્ડો’. તેમનાં ચિત્રોમાં રશિયન પરીકથા જેવું રહસ્યમય છતાં મધુર સ્વપ્નિલ વાતાવરણ જોવા મળે છે. તેમણે રશિયન પરીકથાઓનાં આલેખનો, પોતાના બાળપણની સ્મૃતિઓનાં અને યહૂદી પ્રસંગકથાઓનાં આલેખનો પણ કર્યાં  છે, જેમાં નાયક તરીકે એક અતિશય દેખાવડો જુવાન જોવા મળે છે અને તે ખુદ શાગાલના જ પ્રતિબિંબરૂપ છે. આ અર્થમાં તેમનાં બધાં જ ચિત્રો આત્મલક્ષી ચિત્રો છે.

191૩માં શાગાલે પૅરિસના સાલોં દે ઇન્દિપેન્દાંમાં તથા સાલોં દોતૉમ ખાતે પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. 1914માં તેમનાં ચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન બર્લિનમાં યોજાયું. જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકારો પર તેમનાં ચિત્રોનો પ્રભાવ પડ્યો. પછી તેઓ માદરેવતન વિટૅબ્સ્ક ગયા. એ જ વખતે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. ત્યાં તેમણે અઢી વરસ નિવાસ કર્યો. વિટૅબ્સ્ક-નિવાસ દરમિયાનનાં તેમનાં ચિત્રોમાંથી ‘ધ પ્રેઇન્ગ જ્યૂ’ અને ‘જ્યૂ ઇન ગ્રીન’  શ્રેષ્ઠ ગણાયાં છે. 1915માં વિટૅબ્સ્ક ખાતેના એક ધનાઢ્ય વેપારીની પુત્રી બેલા રોસેન ફેલ્ડ સાથે તેમણે લગ્ન કર્યાં. લગ્ન પછી બે સુંદર ચિત્રો સર્જ્યાં : ‘બર્થ ડે’ અને ‘ડબલ પૉર્ટ્રેટ વિથ અ ગ્લાસ ઑવ્ વાઇન’.

1917માં રશિયામાં ઑક્ટોબરક્રાંતિ થતાં શાગાલમાં ઉત્સાહ આવી ગયો. વિટૅબ્સ્ક ખાતે સ્થાનિક કળાશાળા અને સ્થાનિક મ્યુઝિયમ ઊભાં કરવા માટે તેમણે પરિશ્રમ આદર્યો; પરંતુ આ અંગેની અઢી વરસની તેમની જહેમત પાણીમાં ગઈ, કારણ કે સોવિયેત સત્તાધીશો સાથે ઝઘડો થતાં આ યોજના પડતી મૂકીને તેઓ મૉસ્કો જતા રહ્યા. અહીં કૅમર્ની થિયેટર માટે મંચ માટેના પડદા ચીતરવાનું કામ તેમણે કર્યું. 1922માં પત્ની અને પુત્રી સાથે મૉસ્કો છોડી તેઓ બર્લિન ગયા અને 192૩માં તેઓ સપરિવાર પૅરિસમાં સ્થિર થયા. અહીં તેમણે પુસ્તકો માટેનાં પ્રસંગચિત્રો ચીતરવાનું શરૂ કર્યું. શરૂઆત તેમણે કરી નિકોલય ગોગોલની નવલકથા ‘ડેડ સોલ્સ’ની ખાસ આવૃત્તિથી. આ નવલકથા માટે તેમણે 118 ચિત્રો કરી આપ્યાં. એ પછી લા ફૉન્તેઇનની ચોપડી ‘ફેબલ્સ’ માટે 102 પ્રસંગચિત્રો ચીતર્યાં. ત્યારબાદ બાઇબલની એક ખાસ આવૃત્તિ માટે તેમણે 105 પ્રસંગચિત્રો ચીતર્યાં.

1920થી 1940 દરમિયાન શાગાલે મોટા કૅન્વાસ પર ચીતરેલાં ચિત્રોની ગુણવત્તા અગાઉનાં તેમનાં ચિત્રોની તોલે આવે તેમ નથી એવું ઘણા વિવેચકોનું માનવું છે. આ ગાળાનાં તેમનાં નોંધપાત્ર ચિત્રોમાં ‘બ્રાઇડ ઍન્ડ ગ્રૂમ વિથ એફિલ ટાવર’, ‘ધ સર્કસ’ અને ‘વ્હાઇટ ક્રૂસિફિકેશન’ ગણાય છે. આ વીસ વરસના ગાળામાં તેમણે હોલૅન્ડ, સ્પેન, પોલૅન્ડ, બ્રિટન, દક્ષિણ ફ્રાંસ, ઇટાલી અને પેલેસ્ટાઇનના પ્રવાસો ખેડ્યા. 19૩1માં ફ્રેન્ચ ભાષામાં તેમની આત્મકથા છપાઈ. 19૩૩માં સ્વિટ્ઝર્લૅન્ડમાં બેઝલ ખાતે તેમનાં ચિત્રોનું સિંહાવલોકીપશ્ર્ચાદ્વર્તી (retrospective) પ્રદર્શન યોજાયું.

બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં પહેલાં તે ફ્રાન્સના લોઇરે જિલ્લામાં જઈ વસ્યા; પરંતુ યહૂદીઓ ઉપરનો ત્રાસ વધી જતાં 1941માં તેઓ સપરિવાર અમેરિકા જતા રહ્યા. એક વાર ઉનાળામાં મેક્સિકોનો પ્રવાસ કરી આવ્યા બાદ શાગાલે બાકીની જિંદગી ન્યૂયૉર્ક નગરમાં વિતાવી. ન્યૂયૉર્ક બેલે થિયેટર માટે તેમણે રંગમંચસજ્જા અને પોશાકો તૈયાર કર્યાં. 1944માં તેમની પત્ની મૃત્યુ પામતાં શાગાલ વિષાદગ્રસ્ત બની ગયા. હવે પછીનાં તેમનાં ચિત્રોમાં આ વિષાદનો ઓથાર છવાયેલો જોવા મળે છે. ‘ધ ફેધર્સ ઍન્ડ ધ ફ્લાવર્સ’, ‘એરાઉન્ડ હર’, ‘ધ વેડિન્ગ કૅન્ડલ્સ’ અને ‘નૉક્ટર્ન’. 1945માં આઇગોર સ્ટ્રાવિન્સ્કીના બેલે ‘ધ ફાયર બર્ડ’ માટે તેમણે પોશાકો અને પિછવાઈ તૈયાર કર્યાં.

1946માં ન્યૂયૉર્ક નગરના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ ખાતે અને 1947માં આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગો ખાતે તેમનાં ચિત્રોનાં સિંહાવલોકી-પશ્ર્ચાદ્વર્તી (retrospective) પ્રદર્શનો યોજાયાં. 1947માં તેમણે ‘ધ વર્ક્સ ઑવ્ ધ માઇન્ડ’ નામે એક આત્મનિવેદન પ્રસિદ્ધ કર્યું; જેમાં તેમણે કલા અંગેની પોતાની માન્યતાઓ વ્યક્ત કરી; ‘‘…. આપણું અંદરનું વિશ્વ બહારના દેખીતા વિશ્વ કરતાં પણ વધુ સાચું છે…..’’

1948માં એ ફ્રાંસ ચાલ્યા ગયા. પહેલાં પૅરિસ પછી ફ્રેન્ચ રિવિયેરા અને છેલ્લે સેંટ પોલ ખાતે તેઓ ઠરીઠામ થયા. 1952માં તેમણે વાવા બ્રોડ્સ્કી સાથે લગ્ન કર્યાં. હવે તેમણે સિરામિકના માધ્યમમાં કુંભકાર અને શિલ્પી તરીકેની કારકિર્દી શરૂ કરી. 1958માં પૅરિસ ઑપેરા  માટે મોરિસ રાવેલના બેલે ‘ડેફની એ ક્લો’ માટે પોશાકો અને રંગમંચસજ્જા તૈયાર કર્યાં. એ જ વર્ષે તેમણે મેટ્ઝ ખાતેના કથીડ્રલ માટે તેમજ જેરૂસલેમમાં હાદાસા  હિબ્રૂ યુનિવર્સિટીના સિનેગૉગ માટે બારીઓના કાચ ઉપર ચિત્રકામ કરી ‘સ્ટેઇન ગ્લાસ’ ચિત્રો ચીતર્યાં. એ પછી 1964માં ન્યૂયૉર્ક નગરના ફૂલ્ટોન વિસ્તારના એક ચર્ચ માટે બારીઓના કાચ ઉપર ચિત્રો ચીતર્યાં. 1966માં ન્યૂયૉર્ક નગર ખાતેના ન્યૂયૉર્ક મેટ્રોપોલિટન ઑપેરા માટે લિંકન સેંટર ખાતે બે મોટાં ભીંતચિત્રો ‘ધ સોર્સિસ ઑવ્ મ્યૂઝિક’ અને ‘ધ ટ્રાયમ્ફ ઑવ્ મ્યૂઝિક’ તૈયાર કર્યાં. ન્યૂયૉર્કના મેટ્રોપૉલિટન ઑપેરા માટે 1967માં મોત્સાર્તના ઑપેરા ‘મૅજિક ફ્લૂટ’ માટે રંગમંચસજ્જા અને પોશાકો તૈયાર કર્યાં. 197૩માં ફ્રાન્સના નિસે ખાતે માર્ક શાગાલ બિબ્લિકલ મેસેજ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું. 1977માં ફ્રેન્ચ સરકારે સર્વોચ્ચ ફ્રેન્ચ ખિતાબ ‘લિજ્યોં દ ઑનોર’ વડે તેમનું સન્માન કર્યું અને લુવ્ર ખાતે તેમનાં ચિત્રોનું સિંહાવલોકી-પશ્ર્ચાદ્વર્તી પ્રદર્શન યોજાયું. અમેરિકન સ્વતંત્રતાની દ્વિશતાબ્દી નિમિત્તે શાગાલે ચીતરેલા ચિત્ર ‘ધી અમેરિકન વિન્ડોઝ’ને 1977માં આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગો ખાતે કાયમી ધોરણે પ્રદર્શિત કરવામાં આવ્યું.

મોટા ફૂલગુચ્છો, દુ:ખી જાગલા, ઊડતા પ્રેમીઓ, બાઇબલના પયગંબરો, વાયોલિનવાદકો અને પશુપંખીઓથી ઊભરાતાં શાગાલનાં ચિત્રો વીસમી સદીમાં સૌથી વધુ લોકપ્રિયતા હાંસલ કરનાર કલાકૃતિઓ પુરવાર થઈ છે. જોકે વિવેચકોને તેમની કૃતિઓમાં આકૃતિઓનું એકધારું કંટાળાજનક પુનરાવર્તન દેખાયું છે.

અમિતાભ મડિયા