શાકલ : પંજાબમાં આવેલું નગર. ભૌ. સ્થાન : 32° 30´ ઉ. અ. અને 74 31´ પૂ. રે.. તે સિયાલકોટ નામથી હવે ઓળખાય છે. શૂંગ વંશના પુષ્યમિત્રની સત્તા હેઠળના પ્રદેશમાં તેનો સમાવેશ થતો હતો. બૅક્ટ્રિયાના ગ્રીક શાસક ડિમેટ્રિયસે (દિમિત્રી) ઈ. પૂ.ની બીજી સદીમાં શાકલ અને તેની આસપાસનો પ્રદેશ જીતી લીધો હતો. ઇન્ડો-બૅક્ટ્રિયન રાજા મિનેન્ડરે (મિલિન્દે) (ઈ. પૂ. 115ઈ. પૂ. 90) તેની રાજધાની શાકલ(સિયાલકોટ)માં રાખી હતી.
માદ્રક જાતિના લોકોએ સમુદ્રગુપ્તના સમયમાં (ઈ. સ. ચોથી સદી) રાવી અને ચિનાબ નદીઓ વચ્ચેનો પ્રદેશ કબજે કરીને તેમનું પાટનગર શાકલમાં (હાલના સિયાલકોટમાં) રાખ્યું હતું.
હૂણ જાતિના સરદાર તોરમાણે ઈ. સ.ની છઠ્ઠી સદીમાં પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશો જીત્યા હતા. તેનો પુત્ર મિહિરકુલ ઘણુંખરું ઈ. સ. 515માં ગાદીએ બેઠો. હ્યુએન સાંગ જણાવે છે કે મિહિરકુલનું પાટનગર શાકલ (અથવા સિયાલકોટ) હતું.
જયકુમાર ર. શુક્લ