શાંતિદેવ (સાતમી સદી) : બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયના પ્રસિદ્ધ આચાર્ય. નેપાળમાંથી મળેલી નેવારી લિપિમાં લખાયેલ 14મી શતાબ્દીની એક તાડપત્રીય પ્રતમાંના નિર્દેશ અનુસાર શાંતિદેવ રાજપુત્ર હતા અને તેમના પિતાનું નામ મંજુવર્મા હતું.
તિબેટના ઇતિહાસકાર લામા તારાનાથ અનુસાર શાંતિદેવનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો હતો અને તેઓ શ્રીહર્ષના પુત્ર શીલના સમકાલીન હતા. શાંતિદેવ રાજપુત્ર હતા. પરંતુ દેવી તારાની પ્રેરણાથી તેમણે રાજ્યનો ત્યાગ કર્યો હતો. બોધિસત્વ મંજુશ્રીએ સ્વયં યોગીરૂપે તેમને દીક્ષા આપી અને અંતમાં તેઓ ભિક્ષુ બન્યા એવી અનુશ્રુતિ છે.
નાલંદા જઈને તેમણે બૌદ્ધ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી ત્યાં જ સંસારનો ત્યાગ કર્યો હતો. અત્યંત શાંતચિત્ત હોવાથી તેમનું નામ ‘શાંતિદેવ’ પડી ગયું. ત્રણ અક્ષરો દ્વારા તેમના ત્રણ ગુણોનો નિર્દેશ કરતું તેમનું એક નામ ‘ભુસુકુ’ પણ પડી ગયું હતું.
શાંતિદેવ ત્રણ પ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક ગ્રંથો ‘બોધિચર્યાવતાર’, ‘સૂત્રસમુચ્ચય’ અને ‘શિક્ષાસમુચ્ચય’ના રચયિતા હોવાનું મનાય છે. આમાં ‘સૂત્રસમુચ્ચય’ ઉપલબ્ધ નથી. એક ચોથો ગ્રંથ ‘શારિપુત્ર-અષ્ટક’ નામક હોવાની નોંધ મળે છે. પણ તે સંદિગ્ધ છે.
તેમના ગ્રંથો પરથી જણાય છે કે તેઓ માધ્યમિક દર્શનના અનુયાયી હતા. બુદ્ધત્વની પ્રાપ્તિ માટે યત્નવાન મનુષ્યને દાન-શીલ આદિ છ પરિમિતાઓનું પાલન કરવું જોઈએ. આને બોધિચર્યા કહે છે. એ અંગેનો એમનો ‘બોધિચર્યાવતાર’ ગ્રંથ અનુપમ છે.
તેમના ગ્રંથોમાં તંત્રોનો પ્રભાવ પણ જોવા મળે છે. કાર્દિયેકૃત કૅટલૉગમાં તેમના દ્વારા રચાયેલ ‘શ્રી ગુહ્યસમાજમહાયોગતંત્ર-બલિવિધિ’ નામક તાંત્રિક ગ્રંથનો ઉલ્લેખ છે. ‘ભુસુકુ’ના નામે વજ્રયાનના અન્ય તાંત્રિક ગ્રંથો પણ હોવાનો ઉલ્લેખ અન્ય ગ્રંથોમાં મળે છે. ‘ભુસુકુ’ના નામે અનેક અપભ્રંશ બૌદ્ધ ગાન અને દોહા પણ મળે છે.
રમણીક શાહ
સલોની જોશી