શહેરીકરણ (urbanisation)

January, 2006

શહેરીકરણ (urbanisation) : ગ્રામીણ વસ્તીની જીવનશૈલીમાં શહેરી જીવનશૈલી અપનાવવાથી ઉદભવતો ફેરફાર. શહેરની નજીક આવેલા પરાં-વિસ્તારો તેમજ ગ્રામવિસ્તારોના લોકોમાં શહેર તરફ તેમની વધુ પડતી અવરજવરને કારણે આ પ્રકારના ફેરફારની અસર ઝડપી હોય છે. પરાં-વિસ્તારો એ શહેરના એવા વિસ્તારો છે, જેમની વસ્તી સામાન્ય રીતે, શહેરની મ્યુનિસિપલ સીમાની બહાર રહેતી હોવા છતાં સાંસ્કૃતિક અને આર્થિક દૃષ્ટિએ તે શહેર પર વધુ અવલંબિત હોય છે. શહેરનો ઉપાન્ત-વિસ્તાર એ એવો વિસ્તાર છે જ્યાં ગ્રામજનો ગ્રામીણ જીવનશૈલીમાંથી શહેરી જીવનશૈલીમાં ફેરફાર પામતા રહેતા હોય છે.

જાણીતા ભૂગોળવેત્તા રીઝમાન(Riessman)ના મંતવ્ય મુજબ શહેરીકરણ એ પરિવર્તન અને તેનાં પરિણામોની પ્રક્રિયા છે. તેમાં ખેતીકીય અર્થતંત્રમાંથી ઔદ્યોગિક અર્થતંત્રમાં તથા નાના, સમાન લાક્ષણિકતાઓવાળા સમાજમાંથી, મોટા, અસમાન લાક્ષણિકતાઓવાળા સમાજમાં પરિવર્તન આવતું જાય છે.

શહેરીકરણની બાબતમાં વસ્તીને લક્ષમાં રાખવી પડે છે અર્થાx શહેરી વિસ્તારની વસ્તીની ટકાવારીમાં થયેલો, પરિવર્તન પામતી જતી ગ્રામીણ વસ્તીનો વધારો એટલે શહેરીકરણ. શહેરીકરણ એ એક એવી માનસિક પરિવર્તનપ્રક્રિયા છે, જેમાં ગ્રામીણ વસ્તી ક્રમશ: શહેરી વસ્તીમાં ફેરવાતી જાય છે.

શહેરી વસ્તીના પ્રમાણમાં વધારો થવાનાં મુખ્ય કારણોમાં નીચે મુજબની ત્રણ બાબતોનો સમાવેશ થઈ શકે :

(i) અનેક કારણોસર (મુખ્યત્વે આર્થિક) નજીકના ગ્રામ વિસ્તારોમાંથી શહેરમાં કાયમી સ્થળાંતર.

(ii) ગ્રામીણ વિસ્તારોમાં વસ્તીનો વધારો થતાં તેમની પ્રવૃત્તિઓમાં આમૂલ પરિવર્તન થવાથી ગ્રામીણ વસાહતો આપોઆપ શહેરમાં રૂપાંતર પામે છે.

(iii) શહેરનો વિસ્તાર વધવાથી નજીકનાં ગામો શહેરમાં સમાવી લેવામાં આવે છે.

જે. એચ. લૉરી(J. H. Lowry)ના મત અનુસાર શહેરોનો ઇતિહાસ 5,500 વર્ષ (ઈ. પૂ. 3500 વર્ષ) પહેલાંથી શરૂ થાય છે. પ્રાગ્-ઐતિહાસિક કાળ દરમિયાન જે વિચરતું લોકજીવન હતું, તેમાંથી ક્રમે ક્રમે ખેતીની શરૂઆત થઈ તે બાબત જીવનશૈલીમાંના પરિવર્તન માટેનું એક મહત્વનું પરિબળ ગણાય છે. આશરે 5,500 વર્ષ અગાઉ, ઇજિપ્તની નાઇલ નદીની ખીણ, બૅબિલોનિયા તથા સિંધુ-ખીણની સંસ્કૃતિના સમયમાં શહેરોનો વિકાસ થયો હતો, જોકે તે વખતે શહેરોનું કદ નાનું હતું.

મધ્યયુગમાં પ્રાચીન શહેરો વિસ્તરતાં ગયાં; અનેક નવાં શહેરો વિકસ્યાં. પ્રાચીન શહેરો ખેતીકીય પ્રવૃત્તિની આસપાસ સ્વાવલંબી હતાં, જ્યારે મધ્યયુગનાં શહેરો આર્થિક દૃષ્ટિએ વિશિષ્ટ પ્રવૃત્તિઓને આધારે વિકસ્યાં હતાં; તેમાં વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિ મુખ્ય હતાં.

છેલ્લાં પાંચસો વર્ષ દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ, રાજકીય માળખાં બદલાતાં ગયાં, વૈજ્ઞાનિક સંશોધનોથી જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું, વસ્તીવૃદ્ધિ થતી ગઈ. ગ્રામીણ વિસ્તારો શહેરોમાં ફેરવાયા. ઈ. સ. 1800માં દુનિયાની વસ્તી 90.6 કરોડ જેટલી હતી, તે 1992માં વધીને 529.5 કરોડ જેટલી તથા 2001ની સાલમાં 600 કરોડ જેટલી થઈ ગઈ. 1800માં શહેરી વસ્તી માત્ર 2.4 % હતી તે વધીને 1992માં 43 % થઈ ગઈ.

ત્રીજા વિશ્વના દેશો ‘પ્રાચીન શહેરો’નો વિકાસ કરી રહ્યા છે; તેમાં આર્થિક, ઔદ્યોગિક, સાંસ્કૃતિક તેમજ વહીવટી પરિબળોનો આધાર લે છે. વસાહતવાદીઓ શહેરીકરણ માટે ખાણો, નગરો, નાનાં વહીવટી મથકો તથા ગિરિમથકોને પણ લક્ષમાં રાખે છે. આમ શહેરીકરણ માટે અનેક બાબતો જવાબદાર બને છે.

વર્તમાન સમયમાં અને શક્ય છે કે ભવિષ્યમાં શહેરીકરણ માટે વસ્તી, અર્થતંત્ર, તક્નીકી તથા બીજાં ઘણાં પરિબળો પર આધાર રાખવો પડશે.

વીસમી સદીમાં શહેરીકરણનો વિકાસ તીવ્ર ગતિએ થયો હોવાથી મહાનગર અને નગરજૂથોની સંકલ્પના સ્વીકારવી પડી છે. વૈશ્વિકીકરણને લીધે આર્થિક અને સાંસ્કૃતિક બાબતોને વધુ પ્રાધાન્ય મળતું જતું હોવાથી ‘વિશ્વ-શહેરો’ની વિચારધારા (વિભાવના) અમલમાં આવતી જાય છે. પરિવહન અને સંદેશાવ્યવહારનાં સાધનોનો વિકાસ થતો જતો હોવાથી ઓછી જગામાં અતિશય માનવસમૂહ ભેગો થતો હોવાથી જાણે કે ફળિયું શહેરીકરણમાં ફેરવાતું જતું હોવાનો ખ્યાલ બંધાતો જાય છે.

શહેરીકરણ પર અસર કરતાં પરિબળો : ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં વિશ્વમાં શહેરોની સંખ્યા તેમજ શહેરી વસ્તી મર્યાદિત હતી. તે સમયે જે શહેરો હતાં તે રાજધાનીનાં શહેરો, ગવર્નર કે સૈન્યના વડાનાં નિવાસસ્થાન, લશ્કરી છાવણીઓ અને ધાર્મિક સ્થાનો હતાં. આજે તો વ્યાપાર, કુટિરઉદ્યોગો વગેરે જેવાં આર્થિક પરિબળો શહેરીકરણ માટે જવાબદાર બનતાં જાય છે.

વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસે શહેરી મથકોના કાર્યભારમાં વધારો કર્યો છે, તેનાથી શહેરી સભ્યતાનો ફેલાવો થયો છે. આ સંદર્ભમાં જોતાં, શહેરીકરણ એ સામાજિક-આર્થિક પરિવર્તનનું કારણ બન્યું છે. શહેરોનું મુખ્ય કાર્ય વસ્તુઓનું ઉત્પાદન, ઉપભોગ, વિનિમય અને સંકલિત સેવાઓ છે. જોકે વિશ્વના બધા દેશોમાં શહેરીકરણ સમાન કક્ષાએ થયું નથી. વિશ્વના અસમાન શહેરીકરણ માટે (i) આર્થિક પરિબળો, (ii) સામાજિક પરિબળો અને (iii) વસ્તીવિષયક પરિબળો જવાબદાર છે. આર્થિક પરિબળોમાં અર્થતંત્રના પ્રકાર, ખેતીનું વ્યાપારીકરણ, અર્થતંત્રની વિવિધતા, ખેતરોનાં બદલાતાં જતાં કદ, આર્થિક વિકાસના તબક્કા, વાહનવ્યવહાર-સંદેશાવ્યવહારનાં સાધનો વગેરેને ગણાવી શકાય.

સામાજિક પરિબળોમાં વધુ મહત્વનું પરિબળ સામાજિક-આર્થિક જાગૃતિ છે. આ પરિબળોમાં ઊંચું જીવનધોરણ પ્રાપ્ત કરવાની મહત્વાકાંક્ષા, શહેરી ઢબે જીવવાના લાભો, જીવનનાં બદલાતાં મૂલ્યો, સંયુક્ત કુટુંબપ્રથાનું પતન વગેરેનો સમાવેશ કરી શકાય.

વસ્તીવિષયક પરિબળોમાં વસ્તીવૃદ્ધિ-દર, ગ્રામવિસ્તારોમાંથી શહેરી વિસ્તારો તરફ સ્થળાંતર, કૃષિસંપત્તિ પર વધતી જતી વસ્તીનું દબાણ વગેરેનો સમાવેશ કરી શકાય.

શહેરીકરણનું વૈશ્વિક વિતરણ :

1. મહત્તમ (75 % થી વધુ) શહેરીકરણના વિસ્તારો : વિશ્વના જે દેશોમાં તેમની 75 % કરતાં વધુ વસ્તી શહેરોમાં વસે છે, એવા દેશો આ વિભાગમાં આવે છે, યુ.એસ., કૅનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, હોલૅન્ડ, ડેન્માર્ક, સ્વીડન, આર્જેન્ટિના, ચિલી, ઉરુગ્વે, વેનેઝુએલા, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, જાપાન, ઇઝરાયલ, લૅબેનૉન, સાઉદી અરેબિયા, આરબ અમીરાત અને કુવૈતનો અહીં સમાવેશ થાય છે.

2. વધુ (50 %થી 75 %) શહેરીકરણવાળા વિસ્તારો : આ વિભાગમાં દક્ષિણ અને પૂર્વ યુરોપના દેશો, રશિયા, લૅટિન અમેરિકા પૈકી કૅરિબિયન દેશો, મધ્ય અમેરિકા, કોલંબિયા, ઇક્વેડોર, પેરુ, બોલિવિયા, ઈરાન, ઇરાક, ટર્કી, સીરિયા, જૉર્ડન, ઑસ્ટ્રિયા, હંગેરી, સ્લોવાકિયા, પોલૅન્ડ, બલ્ગેરિયા, રુમાનિયા અને ગ્રીસનો સમાવેશ થાય છે.

3. મધ્યમ (25 %થી 50 %) શહેરીકરણવાળા વિસ્તારો : આ વિભાગમાં ચીન, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, ભારત, ઘાના, આઇવરી કોસ્ટ, મધ્ય આફ્રિકાના બધા દેશો, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, બોત્સ્વાના, નામિબિયા વગેરેનો સમાવેશ થાય છે.

4. ઓછા (25 %થી ઓછા) શહેરીકરણવાળા વિસ્તારો : આ વિભાગમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભુતાન, શ્રીલંકા, થાઇલૅન્ડ, કંબોડિયા, લાઓસ, વિયેટનામ, સુદાન, ઇથિયોપિયા, રુઆન્ડા, બુરુન્ડી, યુગાન્ડા, માલાવી, તાન્ઝાનિયા, બુર્કિનાફાસો અને ગિની બિસાઉનો સમાવેશ થાય છે.

ભારતમાં શહેરીકરણ : અઢારમી સદી સુધી ભારતમાં વહીવટી મથકો તેમજ કેટલાંક ધાર્મિક સ્થળો જ શહેરો તરીકે વિકસ્યાં હતાં. ઓગણીસમી સદીમાં આર્થિક કારણોસર પ્રાચીન શહેરોનાં કદમાં વધારો થયો તેમજ કેટલાંક શહેરો વિકસ્યાં. સુતરાઉ કાપડ અને શણ-ઉદ્યોગને લીધે મુંબઈ અને કોલકાતા જેવાં શહેરો વિકસતાં ગયાં.

1991ની વસ્તીગણતરી મુજબ ભારતની વસ્તીના 74.3 % લોકો ગ્રામીણ વિસ્તારોમાં અને 25.7 % લોકો શહેરી વિસ્તારોમાં વસતા હતા. 21.76 કરોડ લોકો ભારતનાં 3,768 શહેરોમાં વસતા હતા. તુલનાત્મક દૃષ્ટિએ જોતાં, ચીન, રશિયા, યુ.એસ. અને ઇન્ડોનેશિયા સિવાયના દેશોમાં ભારત સૌથી વધુ શહેરી વસ્તી ધરાવે છે; તેમ છતાં એકંદરે જોતાં, ભારતમાં શહેરીકરણનું પ્રમાણ ઓછું છે.

ભારતીય વસ્તીગણતરી અનુસાર શહેરની વ્યાખ્યા આ પ્રમાણે થઈ શકે :

(i) વસ્તી 5000 કે તેથી વધુ હોય.

(ii) વસ્તીગીચતા દર ચોકિમી.દીઠ 400 જેટલી હોય.

(iii) પુરુષ-વસ્તીના ઓછામાં ઓછા 75 % પુરુષો ખેતી સિવાયની પ્રવૃત્તિમાં રોકાયેલા હોય.

(iv) શહેર તેને ગણાય જ્યાં સ્થાનિક વહીવટી માટે નગરપાલિકા કે મ્યુનિસિપલિટી કામ કરતી હોય.

શહેર કહેવા માટેની વ્યાખ્યા માટેનાં આ ધોરણો ‘urban centre’ માટે છે, જ્યારે ‘city’ની સંજ્ઞા માટે વસ્તી એક લાખથી વધુ હોવી જરૂરી છે.

ભારતમાં શહેરીકરણની લાક્ષણિકતાઓ :

1. ભારતમાં શહેરીકરણનો ઇતિહાસ ઈ. પૂ. 2500થી શરૂ થાય છે. તે સમેય સિંધુ ખીણમાં ઘણાં શહેરો વિકસ્યાં હતાં. ઉદા., મોહેં-જો-દડો, ધોળાવીરા, લોથલ વગેરે.

2. વીસમી સદીમાં ભારતમાં શહેરીકરણ દરમિયાન દુષ્કાળ, રોગચાળો, ખેતીમાં મંદી, ભારત-પાકિસ્તાનના ભાગલા, યુદ્ધો જેવી ઘટનાઓ ઘટી હતી.

3. ભારતનું શહેરીકરણ આજીવિકા સ્વરૂપનું છે. ગ્રામીણ વસ્તી આજીવિકા માટે શહેરો તરફ આકર્ષાય છે, રોજી-રોટી મેળવવા નિમ્ન સ્તરનું જીવન જીવે છે, તેથી શહેરીકરણ પર માઠી અસર ઊભી થાય છે.

4. ભારતમાંનાં શહેરીકરણવાળાં 10 લાખ કરતાં વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં વધુ લોકો વસવાટ કરે છે. આવાં શહેરોમાં દેશની શહેરી વસ્તીની ત્રીજા ભાગની વસ્તી રહે છે. દેશમાં 24 જેટલાં શહેરો 10 લાખ કરતાં વધુ વસ્તી ધરાવે છે. ભારતની શહેરી વસ્તીની 33 % વસ્તી આ 24 શહેરોમાં વસે છે.

5. દેશનાં મોટાં ગણાતાં શહેરોમાં વસ્તીવિસ્ફોટ થઈ રહ્યો છે. નાનાં શહેરો સ્થગિત થતાં જાય છે.

6. ભારતીય શહેરી માળખું કાર્યોની દૃષ્ટિએ તથા વિસ્તારના સંદર્ભમાં એકબીજા સાથે આંતરસંકલિત નથી.

7. પૂર્વ ભારત કરતાં પશ્ચિમ ભારત અને ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારત વધુ શહેરીકરણ પામેલું છે. આ માટે કુદરતી સંપત્તિ અને આધુનિક શહેરીકરણનો ઇતિહાસ તપાસવો પડે.

રાજ્યોમાં શહેરી વસ્તીની ટકાવારી

ક્રમ

રાજ્યો

%

1. મહારાષ્ટ્ર, ગોવા, મિઝોરમ, દિલ્હી

35

2. ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, ચંદીગઢ, પંજાબ

30-35

3. આંધ્રપ્રદેશ, કેરળ, પશ્ચિમ બંગાળ, મણિપુર

25-30

4. હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર

20-25

5. ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસા, આસામ, ઉત્તરપૂર્વનાં રાજ્યો

20 %થી ઓછી

શહેરીકરણની દૃદૃષ્ટિએ ભારતને બે ભાગમાં વહેંચી શકાય :

  1. 1. ઊંચું શહેરીકરણ ધરાવતાં પ્રદેશો અને રાજ્યો
  2. 2. નીચું શહેરીકરણ ધરાવતાં પ્રદેશો અને રાજ્યો

ઊંચું શહેરીકરણ ધરાવતાં પ્રદેશો-રાજ્યોમાં મહારાષ્ટ્ર (38.73 %), ગુજરાત (34.40 %), તમિલનાડુ (34.30 %), કર્ણાટક (30.91 %), પંજાબ (29.72 %), પશ્ચિમ બંગાળ (27.39 %), આંધ્રપ્રદેશ (26.84 %), કેરળ (26.44 %).

આ રાજ્યોમાં ઔદ્યોગિક, વ્યાપારી, આર્થિક મથકો તથા બંદરો વધુ પ્રમાણમાં છે. ઝડપી શહેરીકરણ પામતાં રાજ્યોમાં કેરળ સિવાયનાં રાજ્યો વિકસિત છે. 1971થી 1991ના ગાળામાં ગુજરાતમાં શહેરીકરણ ઝડપી રહ્યું છે.

નીચું શહેરીકરણ ધરાવતા પ્રદેશોને બે વિભાગોમાં વહેંચી શકાય : (i) નીચા શહેરીકરણવાળા પ્રદેશો. (ii) ખૂબ જ નીચા શહેરીકરણવાળા પ્રદેશો. પ્રથમ વિભાગમાં હરિયાણા (24.79 %), મધ્યપ્રદેશ (23.21 %), રાજસ્થાન (22.88 %), ઉત્તરપ્રદેશ (19.89 %), ઓરિસા (14.43 %), બિહાર (13.17 %) અને આસામ (11.08 %).

આ વિસ્તારો (રાજ્યો) ઔદ્યોગિક તથા ખેતીકીય દૃદૃષ્ટિએ પછાત છે. આ રાજ્યોમાં અતિશહેરીકરણની સમસ્યા જોવા મળે છે.

ખૂબ જ નીચા શહેરીકરણવાળા પ્રદેશોમાં દાદરાનગરહવેલી, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ, છત્તીસગઢ, ઝારખંડનો સમાવેશ થાય છે. તેનું  મુખ્ય કારણ પ્રણાલીગત ખેતી, ફળોની વાડીઓ અને પર્યટન-ઉદ્યોગ છે.

1991માં નીચેના કેટલાક પ્રદેશોમાં ઔદ્યોગિક-શહેરી કેન્દ્રીકરણ જોવા મળ્યું છે. (i) પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશના કેટલાક ભાગનો સમાવેશ થાય છે.

(ii) અગ્નિકોણી બિહાર, નૈર્ઋત્યકોણી પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસા, ગંગાનું નીચલું મેદાન, રાંચી, હજારીબાગ, સિંગભૂમ, સુંદરગઢનો ઉચ્ચપ્રદેશ.

(iii) ગુજરાતનું મેદાન, કાઠિયાવાડનો ઉચ્ચપ્રદેશ, કચ્છનો પ્રદેશ અને દીવ-દમણના કેટલાક પ્રદેશો.

(iv) સાગર, ભોપાલ, રતલામના ઉચ્ચપ્રદેશો; નર્મદા, મહા, તાપીના ખીણપ્રદેશો; પૂર્વ અને પશ્ચિમ મહારાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ.

(v) મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકના સમુદ્રકિનારા, કર્ણાટક, તેલંગણના ઉચ્ચપ્રદેશો, કૃષ્ણા નદીનો મુખત્રિકોણ વગેરે.

(vi) કેરળ, કોરોમાંડલનો સમુદ્રકિનારો અને તમિલનાડુનો ઊંચી ભૂમિનો પ્રદેશ.

ભારતમાં શહેરીકરણની અસરો :

1. ભારતમાં જુદાં જુદાં કદનાં શહેરોનું વિતરણ અસમાન જોવા મળે છે. તેને કારણે આજે વસ્તીનું કેન્દ્રીકરણ મોટાં શહેરોમાં વધુ ને વધુ થતું જાય છે. આ બાબત આવનારા ભવિષ્યમાં સમસ્યાઓનું નિર્માણ કરી શકે.

2. ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ વચ્ચેનો સંબંધ નબળો થતો જાય છે. તેથી અતિશહેરીકરણ થયાનું જોવા મળે છે. આ બાબતના ઉકેલ તરીકે નાનાં અને મધ્યમ કદનાં શહેરો વિકસાવવાં જોઈએ, તથા ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ. આમ થાય તો મેટ્રોપૉલિટન-મહાનગરોને તેમજ મેગાસિટીને કાબૂમાં લાવી શકાશે.

3. શહેરીકરણને લીધે શહેરી ગરીબાઈ, ગંદા વસવાટો, બેરોજગારી, મોંઘવારી, વાહનવ્યવહારની ગીચતા, પ્રદૂષણ અને પર્યાવરણની સમસ્યાઓ નિર્માણ પામી છે.

4. મોટાં શહેરોમાં લાંચરુશવત, ગુંડાગીરી, ગુનાઓનું વધતું જતું પ્રમાણ, ખૂનો, જુગાર, બળાત્કાર, છેતરપિંડી, મારામારી, જાતિગત સંઘર્ષો, રમખાણો જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થતી જોવા મળે છે.

5. ભારતનાં શહેરોમાં પારિસ્થિતિક અસમતુલા તથા પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા વધતી જાય છે, તેથી શહેરી તંત્રને આર્થિક દૃષ્ટિએ વધુ ધમધમતી, સામાજિક દૃષ્ટિએ જીવંત, ટૅક્નૉલૉજીની દૃષ્ટિએ સતત સંશોધનશીલ અને નૂતન ટૅક્નૉલૉજી અપનાવવા કટિબદ્ધ કરવું જોઈએ.

નીતિન કોઠારી