શહેર : જ્યાં મોટી સંખ્યામાં લોકોનો સમુદાય વસતો હોય એવું સ્થળ. ‘શહેર’ શબ્દનો પ્રારંભ ક્યારે અને કઈ રીતે થયો તેના વિશેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અંગ્રેજી ભાષામાં તેને માટે ઉપયોગમાં લેવાતા ‘city’ શબ્દ માટે એમ કહેવાય છે કે અંગ્રેજીભાષી લોકો ભેગા થઈને જ્યાં એકસાથે રહેતા એવા સ્થળને ‘શહેર-city’ તરીકે ઓળખવામાં આવતું. ભારતવર્ષમાં પ્રાચીન કાળથી ‘નગર’ તેનો પર્યાયવાચી શબ્દ રહ્યો છે.
આજે તો દુનિયાભરના જુદા જુદા દેશોમાં ‘શહેર’ શબ્દની વ્યાખ્યા જુદી જુદી રીતે કરાય છે, તેથી તેની આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ સરખામણી કરવાનું મુશ્કેલ છે. જુદા જુદા દેશોએ ‘શહેર’ શબ્દની વ્યાખ્યા નક્કી કરવા જે બાબતોને ધ્યાનમાં લીધી છે તેને આધારે યુનોએ એવા દેશોને પાંચ જૂથમાં વિભક્ત કર્યા છે :
(i) એક જૂથ – જેમાં આવેલા દેશો વસાહતનું સ્થળ ઐતિહાસિક, રાજકીય અને વહીવટી સ્થાનને આધારે શહેર છે કે નહિ તે નક્કી કરે છે.
(ii) બીજું જૂથ – જે તે સ્થળને શહેર ગણવા માટે વસ્તીના ચોક્કસ કદને લક્ષમાં રાખે છે; ઉદા., ભારતમાં 5,000 કે તેથી વધુ વસ્તી ધરાવતા સ્થળને શહેર તરીકે ઓળખાવવામાં આવે છે.
ગગનચુંબી ભવનો, વિશાળ રાજમાર્ગો અને ગીચ વાહનવ્યવહાર – શહેરની લાક્ષણિકતાઓ
(iii) ત્રીજું જૂથ – જ્યાં ચોક્કસ પ્રકારની સ્થાનિક સ્વરાજ્યની વહીવટી સંસ્થા (ઉદા. નગરપાલિકા-મ્યુનિસિપાલિટી) હોય તો તે, જે તે સ્થળને શહેર ગણવું, ન ગણવું તે નક્કી કરે.
(iv) ચોથું જૂથ – વસાહતનાં સ્વરૂપ-સગવડો(પાણી-પુરવઠો, વીજળી, ગટરવ્યવસ્થા વગેરે)ને લક્ષમાં રાખીને તેનો દરજ્જો નક્કી કરે.
(v) પાંચમું જૂથ – કેટલાક દેશો જે તે સ્થળે ચાલતી પ્રવૃત્તિને ધ્યાનમાં લે છે; ઉદા., ભારતમાં જે તે સ્થળને શહેર કહેવા માટે ત્યાંની 75 % પુરુષવસ્તી બિનખેતીકીય વ્યવસાયોમાં રોકાયેલી હોવી જરૂરી છે.
આમ દરેક દેશના વસ્તી-ગણતરી-એકમે ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ અનુસાર શહેર કોને કહેવું તે બાબત નક્કી કરી છે; તેમ છતાં દેશભેદે પરિસ્થિતિ જુદી જુદી હોવાથી દુનિયાભરના બધા દેશો માટે સમાન વ્યાખ્યા બાંધવી મુશ્કેલ છે.
ભારતના વસ્તી-ગણતરી એકમોએ કેટલાંક ધોરણો (norms) બાંધી ‘શહેર’ શબ્દની સમજ આપતાં જણાવ્યું છે કે વસાહતની વસ્તી 5,000 કે તેથી વધુ હોવી જોઈએ, વસ્તીગીચતા દર ચોકિમી. મુજબ 400 કે તેથી વધુ હોવી જોઈએ, 75 % પુરુષવસ્તી ખેતી સિવાયની અન્ય આર્થિક ઉપાર્જનવાળી પ્રવૃત્તિઓમાં રોકાયેલી હોવી જોઈએ, તથા તે સ્થળના સ્થાનિક વહીવટ માટે નગરપાલિકા કે મ્યુનિસિપલ કૉર્પોરેશન જેવી સંસ્થા વહીવટ કરતી હોય એવા સ્થળને શહેર તરીકે ઘટાવી શકાય.
આંતરરાષ્ટ્રીય ધોરણે શહેરી વસાહતોની સરખામણી થઈ શકે તે માટે યુનોએ સૂચન કર્યું છે કે શહેરી વસાહતના આંકડા પ્રમાણિત ધોરણે દર્શાવવા. પરિણામે ઘણા દેશોએ તેમની શહેરી વસાહતોને વસ્તીના કદને આધારે નીચે મુજબના જુદા જુદા વર્ગોમાં વહેંચી છે :
ભારતમાં શહેરી દરજ્જાનું વર્ગીકરણ
દરજ્જો | વસ્તીનું કદ | શહેરોની સંખ્યા(1991 મુજબ) |
વર્ગ-1 | 1 લાખથી વધુ | 300 |
વર્ગ-2 | 50,000થી 99,999 | 345 |
વર્ગ-3 | 20,000થી 49,999 | 944 |
વર્ગ-4 | 10,000થી 19,999 | 1,171 |
વર્ગ-5 | 5,000થી 9,999 | 739 |
વર્ગ-6 | 5,000 કરતાં ઓછું | 198 |
1991ની વસ્તીગણતરી અનુસાર, ભારતમાં વર્ગ 4નાં શહેરોની સંખ્યા સૌથી વધુ હતી, જ્યારે વર્ગ 6નાં શહેરોની સંખ્યા સૌથી ઓછી હતી.
યુ.એસ.માં વિવિધ પરિબળોને આધારે જે શહેરો, શહેરનો દરજ્જો પામ્યાં છે તેમને નીચે જણાવેલ આઠ પ્રકારોમાં વહેંચવામાં આવ્યાં છે :
યુ.એસ.માં શહેરી દરજ્જાનું વર્ગીકરણ જે તે સ્થળે ચાલતી પ્રવૃત્તિ પર આધારિત છે : (i) છૂટક વેપાર, (ii) જથ્થાબંધ વેપાર, (iii) પેદાશી ઉત્પાદન, (iv) ખનનકાર્ય, (v) પરિવહન, (vi) મનોરંજન, (vii) શૈક્ષણિક અને (viii) મત્સ્યપ્રવૃત્તિ.
પ્રાચીન સમયમાં વિકસેલાં કેટલાંક શહેરો તેમનાં નામ, વિસ્તાર અને સમયગાળા સહિત નીચે મુજબ છે :
શહેર | વિસ્તાર | સમયગાળો (ઈ. પૂ./ઈ. સ.) |
લાગાશ (Lagash), ઉર (Ur), ઉરુક (Uruk) | મેસોપોટેમિયા | 4000-3500 ઈ. પૂ. |
મેમ્ફિસ, થેબિસ ઇજિપ્ત | (મિસર) | 3000 ઈ. પૂ. |
મોહેં-જો-દડો, હડપ્પા | સિંધુ | 3000-2250 ઈ. પૂ. |
ચેંગ-ચોન, એનયાંગ | ચીન | 2000 ઈ. પૂ. |
કુઝકો (Cuzco) તિહવાનાકો (Tihuanaco) | મધ્ય ઍન્ડીઝ | 500 ઈ. પૂ. |
તિઓતિહૉકૅન (Teotihuacan) | મધ્ય અમેરિકા (Mesoamerica) | 1000 ઈ. સ. |
સાગામુ, ઓવો, નૈર્ઋત્ય | નાઇજિરિયા | 1000 ઈ. સ. |
નીતિન કોઠારી