‘શહીદ’, ચરણ સિંગ

January, 2006

શહીદ’, ચરણ સિંગ (. 1891; . 1935) : પંજાબી કવિ, નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર. પ્રતિભાશાળી અને અતિ ધાર્મિક પિતા સૂબા સિંગના પુત્ર. તેમણે પંડિત હજારા સિંગ ગિયાની દ્વારા સાહિત્યક્ષેત્રે પદાર્પણ કર્યું. મૅટ્રિક થયા પછી તેઓ અઠવાડિક ‘ખાલસા સમાચાર’માં જોડાયા, અને ભાઈ વીર સિંગના પ્રભાવ હેઠળ આવ્યા. પછી ‘વીર’ નામના સમાચારપત્રમાં જોડાયા અને સમય જતાં મુખ્ય સંપાદક બન્યા. 1911માં તેમણે નવતર પંજાબી દૈનિક ‘શહીદ’ શરૂ કર્યું, જે તેમનું તખલ્લુસ બન્યું. 1914માં ‘ધ ઇકૉનૉમી ઑવ્ હ્યૂમન લાઇફ’નો અનુવાદ ‘જીવન જુગતી’ પ્રસિદ્ધ કર્યો. નાભા અને પતિયાળાનાં દેશી રાજ્યોમાં પણ તેમણે થોડો વખત કામગીરી કરી, જ્યાં ભાઈ કહાન સિંગ અને ગિયાતી ગિયાન સિંગ જેવા ઉત્તમ સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા. ‘મૌજી’ નામક અઠવાડિક(1926)માં તેમનું પત્રકારત્વ પૂર્ણ કળાએ ખીલી ઊઠ્યું. 1931માં તેઓ સેન્ટ્રલ પંજાબી સભાના પ્રમુખ રહ્યા.

તેઓ તેમની વ્યંગ્યાત્મક ગદ્ય અને પદ્ય રચનાઓ માટે હંમેશ યાદ રહેશે. તેમના કાવ્યસંગ્રહોમાં ‘બાદશાહીયાં’; ‘બેપરવાહીયાં’; ‘શહેનશાહીયાં’, ‘આર્શીકિંજર’ (‘સેલેસ્ટિઅલ ફ્રિન્જિસ’, 1935); ‘રાજસી હુલારે’ (‘પૉલિટિકલ સ્વિંઝ’); અને ‘ઇશ્ક મુશ્ક’ (‘લવ ઍન્ડ લસ્ટ’) વધુ લોકપ્રિય છે.

તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહ છે ‘હસ્દે હંજ્હુ’. તેમની વ્યંગ્યાત્મક નવલકથાઓમાં ‘શામ સુંદર’; ‘ચંચલ મૂર્તિ’; ‘દલેર કૌર’ (બે ભાગમાં); ‘રણજિત કૌર’ (1913); ‘દો વોહ્તિયાં’(‘ટુ વાઇવ્ઝ’)નો સમાવેશ થાય છે. ‘બાબા વાર્યામા’ તેમનો નિબંધસંગ્રહ છે. વળી, તેમણે નૈતિક મૂલ્યવાળા 24 લઘુ ગ્રંથો પણ આપ્યા છે. તેમના ગ્રંથો દ્વારા ધાર્મિક અને સામાજિક સુધારક તરીકે પણ તેમનું પ્રદાન મહત્વનું છે.

બળદેવભાઈ કનીજિયા