શહા, પંકજ (જ. 3 એપ્રિલ 1946, ચપૈનાબાબગંજ (હાલ બાંગ્લાદેશમાં) : બંગાળી કવિ. જાદવપુર યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સમાં બી.એ., વિશ્વભારતીમાંથી બંગાળીમાં ‘મધ્યતીર્થ’ની પદવી મેળવી. ફિલ્મ અને ટી.વી. ઇન્સ્ટિટ્યૂટમાં ટી.વી. પ્રોગ્રામ પ્રોડક્શન કોર્સ કર્યો. લંડન યુનિવર્સિટીમાંથી ફિલ્મ સ્ટડીઝમાં પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. તેઓ દૂરદર્શન કેન્દ્ર, રાંચી અને શાંતિનિકેતનના નિયામક રહ્યા. 1968થી 1978 દરમિયાન તેઓ કાવ્ય-સામયિક ‘પિપાસા પરિક્રમા’ના પ્રકાશક; ઑડિયોવિઝ્યુઅલ કલ્ચર ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક-નિયામક; 1984-89 દરમિયાન લંડન બી.બી.સી.ના નિર્માતા અને ‘દૂરદર્શન વિચિત્ર’ના સ્થાપક-સંપાદક રહ્યા.
તેમણે અત્યાર સુધીમાં 6 ગ્રંથો આપ્યા છે. ‘શબ્દ ફિરે ના’ (1989, 1992), ‘મૃત્યુર જન્મદિન’ (1994); ‘જેનીના શકુંતલા’ (1996); ‘સમયેર નામ માનુસ’ (1997) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે, જે પહેલાં એન્ડ્રૂ વેરહામ દ્વારા અંગ્રેજી અનુવાદ સાથે અને પછી રામાનંદ બંદોપાધ્યાય દ્વારા ચિત્રો સાથે પ્રગટ કરાયા.
તેમના સાહિત્યિક પ્રદાન માટે તેમને 1990માં માયકલ મધુસૂદન ઍવૉર્ડ; 1993માં મલ્લાભુમ સાહિત્ય સન્માન; નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલન તરફથી 1994માં સુચારુ દત્ત સ્મૃતિ લિટરરી ઍવૉર્ડ પ્રાપ્ત થયાં છે. તેમણે યુ. કે., જર્મની, ફ્રાન્સ, ઇટાલી, ઑસ્ટ્રિયા, ગ્રીસ વગેરે દેશોનો પ્રવાસ ખેડ્યો છે.
બળદેવભાઈ કનીજિયા