શહાણે, રીટા [જ. 24 ઑગસ્ટ 1934, હૈદરાબાદ, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી કવયિત્રી અને લેખિકા. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ. તેઓ પુણે વિમેન્સ કાઉન્સિલ, પુણેનાં માનાર્હ સેક્રેટરી, 1987-92 દરમિયાન એમ. યુ. કૉલેજ પિમ્પરીમાં ખજાનચી; 1989-91 સુધી મહારાષ્ટ્ર સિંધી સાહિત્ય અકાદમી, મુંબઈનાં સભ્ય; મહારાષ્ટ્ર સ્ટેટ બૉર્ડ ઑવ્ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનના એજ્યુકેશન બૉર્ડનાં મેમ્બર તથા ‘વારસો’ સિંધી વાર્ષિકમાં સંપાદક રહેલાં.
તેમણે અત્યાર સુધીમાં સિંધી તથા હિંદીમાં 18 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પંખ વજાઈન શંખ’ (1983); ‘આર્તા-જો આવાઝુ’ (1996) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘ભિન્ભિરીજી ભુનભુન’ (1985) અને ‘પિરહ જા પિયાકા’ (1991) ઉલ્લેખનીય નવલકથાઓ છે. ‘મનાઈ થિઅલ મેવો’ (1987) અને ‘પાચન કે પચઈ’ (1992) તેમના વાર્તાસંગ્રહો છે. ‘સુજાન જૂન સિમ્રિત્યોં’ (1990) ચરિત્રગ્રંથ છે.
તેમને તેમની નવલકથા માટે સેન્ટ્રલ હિંદી ડિરેક્ટોરેટ ઍવૉર્ડ; ટૂંકી વાર્તાઓ માટે રાજ સાહિત્ય અકાદમી પ્રાઇઝ; 1996માં અખિલ ભારત સિંધી સાહિત્ય સભા ઍવૉર્ડ અને 1997માં આર. જે. અડવાણી ટ્રસ્ટ કૅશ ઍવૉર્ડ વગેરે પ્રાપ્ત થયાં છે.
બળદેવભાઈ કનીજિયા