શહાણી, દયારામ ગિદુમલ (જ. 30 જૂન 1857, હૈદરાબાદ, સિંધ; અ. 7 ડિસેમ્બર 1927, મુંબઈ) : ન્યાયાધીશ, સમાજસુધારક, લેખક અને કેળવણીકાર. તેમના પિતા જમીનદાર તથા સિંધના મીર શાસકના અધિકારી હતા. હૈદરાબાદમાં મૅટ્રિક પસાર કર્યા બાદ મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. થયા. તે પછી એલએલ.બી. થયા. જિલ્લા ન્યાયાધીશ સિંધના જ્યુડિશિયલ કમિશનર તથા મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે ક્રમશ: સેવા આપ્યા બાદ તેઓ નિવૃત્ત થયેલા.
દયારામે દેશનો વિસ્તૃત પ્રવાસ કરીને મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, થિયૉસૉફિકલ સોસાયટીના કર્નલ ઑલ્કોટ તથા લાહોરના મહાત્મા હંસરાજને મળ્યા હતા. પોતાના પિતા અને સાધુ હીરાનંદનો પ્રભાવ તેમના જીવન પર પડ્યો હતો. જાણીતા પારસી સમાજસુધારક બહેરામજી મલબારી દયારામના મિત્ર હતા. તેમણે બંનેએ મુંબઈમાં મહિલાઓ માટે સેવાસદન તથા ધરમપુરમાં સૅનટૉરિયમ સ્થાપ્યાં હતાં. તેમનું વાચન વિશાળ હતું. તેમણે પ્લેટો, રસ્કિન, ટૉલ્સ્ટૉય અને વિવેકાનંદના ગ્રંથો ઉપરાંત અરબીમાં કુરાન, હિબ્રૂમાં બાઇબલ તથા સંસ્કૃતમાં ઉપનિષદો વાંચ્યાં હતાં. તેઓ હિંદી, ગુજરાતી, પંજાબી તથા ઉર્દૂમાં ચર્ચા કરી શકતા હતા.
તેમણે સિંધીમાં લખેલ ‘મનની ચાબુક’ પુસ્તકમાં વ્યક્ત કરેલા અંતરમનના ભાવો આત્મકથાત્મક છે. પૂર્વ-પશ્ચિમના દર્શનશાસ્ત્રનું તેમાં વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સિંધીમાં ‘જબજી સાહેબ’, ‘ભગવદગીતા’ તથા પતંજલિના ‘યોગદર્શન’ની સમીક્ષા લખી છે. તેમના જાણીતા ગ્રંથોમાં ‘સમથિંગ અબાઉટ સિંધ’, ‘લાઇફ ઑવ્ બી. એમ. મલબારી’, ‘ડાયરી ઑવ્ એ હિંદુ ડિવોટી’ વગેરેનો સમાવેશ થાય છે.
તેમણે કરાંચીમાં ડી. જે. સિંધ કૉલેજ તથા હૈદરાબાદ(સિંધ)માં ડી. જી. નૅશનલ કૉલેજ, એન. એચ. અકાદમી, સાધુ આશ્રમ, સિંધ સુધારક મંડળ અને ગિદુમલ સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી હતી. તેમણે અમૃતસરમાં શાંતિ આશ્રમ, ગ્રંથાલય, ધરમપુરમાં સૅનટૉરિયમ અને કરાંચીમાં રક્તપિત્તિયાના અનાથ-આશ્રમની સ્થાપના કરી હતી. તેમણે કન્યાકેળવણીના પ્રચાર માટે હૈદરાબાદમાં કન્યાશાળાઓ સ્થાપી હતી. સમાજમાં સ્ત્રીઓને થતા અન્યાયો નાબૂદ કરવાના તેઓ પ્રખર હિમાયતી હતા.
દયારામનો ‘સરસ્વતીચંદ્ર’ના અંત વિશે ગોવર્ધનરામ સાથે અંગ્રેજીમાં લાંબો પત્રવ્યવહાર ચાલેલો; જેનો કૃષ્ણલાલ ઝવેરીએ કરેલો અનુવાદ ‘દી. બ. ઝવેરી લેખસંગ્રહ’માં પ્રકાશિત થયો છે. આ પત્રોમાં ‘સરસ્વતીચંદ્ર’ના અંત વિશેની રસપ્રદ ચર્ચા છે.
દયારામ તેમની નિવૃત્તિ અને પ્રથમ પત્નીના મૃત્યુ બાદ મુંબઈમાં એક આશ્રમ ચલાવતા હતા. તેમની પડોશમાં રહેતા ગુજરાતી સાક્ષર નરસિંહરાવ દિવેટિયાની પુત્રી ઊર્મિલા આશ્રમના એક યુવાનના ઘનિષ્ઠ સંપર્કમાં આવી. દયારામની વિનંતી છતાં તે યુવાન ઊર્મિલાને પરણવા તૈયાર ન થવાથી યુવતીને વગોવણીમાંથી બચાવવા 56 વર્ષના દયારામે 26 વર્ષની ઊર્મિલા સાથે લગ્ન કર્યું. આ તેમનું હિંમત અને આત્મભોગનું પગલું હતું; પરંતુ સમાજ તેને એ રીતે મૂલવવા તૈયાર ન હોવાથી, તેમણે તે પછી લોકસંપર્ક અને જાહેરજીવન સંકેલી લીધાં.
દયારામ સિંધના ઋષિ તરીકે ઓળખાતા હતા.
જયંત રેલવાણી
જયકુમાર ર. શુક્લ