શહનાઝ નબી (જ. ?) : ઉર્દૂ કવયિત્રી અને વિવેચક. તેમણે કોલકાતા યુનિવર્સિટી તરફથી ઉર્દૂમાં એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ કોલકાતા યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગનાં સિનિયર પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત. તેઓ પશ્ચિમ બંગાળ ઉર્દૂ અકાદમીની સરકારી સંસ્થાનાં સભ્ય; અંજુમન જામહૂરિયત પસંદ મુસાન્નેફીન(જનવાદી લેખક સંઘના ઉર્દૂ એકમ)નાં સેક્રેટરી પણ રહ્યાં.
તેમણે ઉર્દૂ તથા બંગાળીમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ભીગી રુતોં કી કથા’ (1991) ગઝલો અને ‘મુઝે મત છુઓ’ (1991) કાવ્યસંગ્રહ છે. ‘લિસાન્યત ઔર ડક્કણી અદાબ્યત’ (1995) ભાષાશાસ્ત્રવિષયક અભ્યાસ; ઉર્દૂ ડ્રામા, ‘અઘા હશ્ર ઔર સઇદ-એ-હવસ’ (1998) તેમનો જાણીતો વિવેચનગ્રંથ છે. ‘બેડી એક જૈઝા’ (1986) સંપાદિત વિવેચનાત્મક નિબંધસંગ્રહ છે. ‘વિશ્વાસઘટક’ ક્રિશ્નચંદ્રની નવલકથાનો બંગાળી અનુવાદ છે. તેમણે ઉર્દૂ કાવ્યો તથા ટૂંકી વાર્તાઓને બંગાળીમાં અનૂદિત કરી છે.
તેમને પશ્ચિમ બંગાળ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ; અનુવાદ માટે ઉત્તર પ્રદેશ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ તથા મીર અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા