શસ્ત્રોનો વ્યાપાર : વિવિધ પ્રકારનાં અને વિવિધ પ્રકારની સંહારશક્તિ ધરાવતાં શસ્ત્રાસ્ત્રોનાં ખરીદવેચાણની પ્રક્રિયા. આ વ્યાપારનું સ્વરૂપ મૂળભૂત રીતે આર્થિક કરતાં રાજકીય અને લશ્કરી પ્રકારનું હોવાથી આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતો તેને લાગુ પડતા નથી; એટલું જ નહિ, પરંતુ મોટાભાગનો આ વ્યાપાર ખુલ્લો હોવા કરતા છદ્મ સ્વરૂપનો જ વધારે હોય છે અને તેથી બજારમાં અસ્તિત્વ ધરાવતા મૂલ્યના સિદ્ધાંતો પણ તેને લાગુ પાડી શકાય નહિ. વસ્તુઓ અને સેવાઓના મુક્ત બજારમાં જે પ્રકારની સોદાબાજી થઈ શકતી હોય છે અથવા નિયંત્રિત બજારોમાં રાજ્ય દ્વારા જે પ્રકારના નિયમો અને શરતો લાગુ કરવામાં આવે છે તે પ્રકારની સોદાબાજી અને ખરીદવેચાણનું નિયંત્રણ શસ્ત્રોના વ્યાપારને લાગુ પાડી શકાય નહિ. વસ્તુઓ અને સેવાઓનાં બજારોમાં વેચનારના પક્ષે ઉત્પાદનખર્ચ અને ખરીદનારના પક્ષે તેમાંથી મળતો લાભ (તુષ્ટિગુણ)  આ બે બાબતો પરસ્પર સોદાબાજીમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. શસ્ત્રોનાં ખરીદવેચાણમાં શસ્ત્રોનું ઉત્પાદનખર્ચ અને તેમાંથી મળતો તુષ્ટિગુણ ગૌણ બાબત બની જતાં હોય છે. શસ્ત્રો વેચનાર દેશ વિચારે છે કે અમુક દેશને શસ્ત્રો વેચવાથી તેને કેટલો રાજકીય અને વ્યૂહાત્મક લાભ મળવાની શક્યતા છે અને શસ્ત્રો ખરીદનાર દેશ વિચારે છે કે તેના માટે તે શસ્ત્રોની તે સમયે ખરીદી વ્યૂહાત્મક રીતે કેટલી અનિવાર્ય છે. આના પરથી શસ્ત્રોના ખરીદવેચાણના કરારો થતા હોય છે. શસ્ત્રો વેચનાર દેશ તે શસ્ત્રો ખરીદવા માગતા દેશની લશ્કરી ગરજ ઉપરાંત તેના અન્ય દેશો સાથેના સંબંધો પર તેની કેવી અસર પડશે એનો પણ ચોક્કસ વિચાર કરતો હોય છે અને તેથી શસ્ત્રોનો વ્યાપાર એ એક અનન્ય અને વિશિષ્ટ સ્વરૂપની ખરીદવેચાણની પ્રક્રિયા બની જાય છે. બીજી રીતે કહીએ તો શસ્ત્રોનો વ્યાપાર એ મહદંશે ખરીદનાર અને વેચનાર વચ્ચેના રાજદ્વારી અને આર્થિક સંબંધો તથા વેચનાર દેશના અન્ય દેશો સાથેના આવા સંબંધો પર આધાર રાખે છે અને તેને લીધે શસ્ત્રોનો વ્યાપાર રાજકીય દૃષ્ટિએ વધુ સંવેદનશીલ બનતો હોય છે.

શસ્ત્રોના વ્યાપારમાં જે એક બીજી બાબત લશ્કરી વ્યૂહની દૃષ્ટિએ મહત્વની બને છે તે એ છે કે શસ્ત્રો વેચનાર દેશને શસ્ત્રો ખરીદનાર દેશની લશ્કરી તાકાતનો તથા ખરીદનાર દેશ પાસે કયા પ્રકારનાં આયુધો છે તેનો આછોપાતળો અંદાજ આવી જતો હોય છે, જે ભવિષ્ય માટે ભયજનક નીવડી શકે છે.

શસ્ત્રોનો વ્યાપાર મહદંશે દ્વિપક્ષી (bi-lateral) સ્વરૂપનો હોય છે, બહુપક્ષીય (multi-lateral) સ્વરૂપનો નહિ. શસ્ત્રોના વ્યાપારમાં ગુપ્તતાનો અંશ વધારે હોવાથી તેનાં કદ અને શરતો અંગે કોઈ આધારભૂત માહિતી ઉપલબ્ધ હોતી નથી; એટલું જ નહિ, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર અને છૂપા સોદાઓ(under-hand dealing)ને વધુ અવકાશ મળતો હોય છે. તાજેતરનાં વર્ષો દરમિયાન ભારતના બીજા દેશો સાથેના આવા વ્યાપારનાં જે કૌભાંડો છતાં થયાં છે તે આ બાબત પર પૂરતો પ્રકાશ પાડે છે.

બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં શસ્ત્રોના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આતંકવાદને લીધે અમુક અંશે તેજી આવી હોય એવું દેખાય છે. ઓસામા બિન લાદેનના નેજા હેઠળના અલ કાયદા, શ્રીલંકામાં એલ.ટી.ટી.ઈ., ભારતમાં નક્સલવાદીઓ, નેપાળમાં માઓવાદીઓ, પાકિસ્તાનમાં શિયા-સંગઠનો, ઇરાકમાં અમેરિકાવિરોધી સ્થાનિક જૂથો, આયર્લૅન્ડમાં એક જમાનામાં સક્રિય રહેલું રાજકીય જૂથ  આ બધાં છદ્મ વ્યાપાર દ્વારા જ શસ્ત્રો ખરીદતાં હોય છે. અલ કાયદા અને એલ.ટી.ટી.ઈ. જેવાં સંગઠનો તો અદ્યતન પ્રકારનાં (sophisticated) શસ્ત્રો ધરાવતાં હોય છે. શસ્ત્રોના આંતરરાષ્ટ્રીય વ્યાપારનું છદ્મ સ્વરૂપ તેના માટે જવાબદાર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે