શવપરીક્ષણ (postmortem examination) : મૃત્યુદેહની ઓળખ, મૃત્યુનું કારણ તથા સમય તેમજ નવજાત શિશુના કિસ્સામાં તે જન્મ સમયે સજીવ હતું કે નિર્જીવ તે નક્કી કરવાનું પરીક્ષણ. તેને અંગ્રેજીમાં autopsy અથવા necropsy પણ કહે છે. આ પરીક્ષણમાં શવનું બાહ્ય નિરીક્ષણ, તેમાં છેદ મૂકીને અંદરના અવયવોનું નિરીક્ષણ અને જરૂર પડે ત્યારે અવયવો કે તેમાં સંગ્રહાયેલી વસ્તુઓનું રાસાયણિક પરીક્ષણ કરાય છે. તેના વડે તબીબી વિદ્યામાં રોગોના વિકાસની કુદરતી પ્રક્રિયા, રોગોનું નિદાન, સારવારનું પરિણામ તથા સારવારની આનુષંગિક તકલીફો અંગે માહિતી અને સમજ વધે છે. તેનો મહત્વનો ઉપયોગ ન્યાયતબીબી શાખામાં થાય છે. જ્યાં મૃત્યુનું કારણ અને સમય તથા મૃતદેહની ઓળખ મહત્વની સાબિતીઓ બને છે.
ન્યાયતબીબી (medicolegal) શવપરીક્ષણ પોલીસ-અધિકારી કે ન્યાયાધીશના લેખિત હુકમ પછી જ કરાય છે. શક્ય હોય ત્યાં સુધી આ પરીક્ષણ સૂર્યપ્રકાશમાં કરવાનું સૂચવાય છે. તે સંપૂર્ણ અને વિગતવાર થયેલું હોવું જરૂરી ગણાય છે. સામાન્ય રીતે તે શવપરીક્ષણ-ખંડમાં જ કરાય છે. પરંતુ કોઈક અપવાદસ્વરૂપ સંજોગોમાં તે મૃત્યુના સ્થળે અથવા જ્યાં મૃતદેહ મળ્યો હોય ત્યાં પણ કરાય છે. જો હત્યા કે આત્મહત્યાનો કિસ્સો હોય તો સંભવિત મૃત્યુકારક સાધન/સાધનોના સંદર્ભે મૃતદેહની સ્થિતિ અને સ્થાનને મૂલવવામાં આવે છે. શવપરીક્ષણની નોંધમાં તબીબે જાતે દરેક વિગત નોંધવી જરૂરી ગણાય છે. શવપરીક્ષક તબીબ અવયવોની સામાન્ય સ્થિતિ અને રોગગ્રસ્ત સ્થિતિમાં જેવો દેખાવ થતો હોય તે બાબતે જાણકારી ધરાવતો હોવો જરૂરી છે. તેણે શવઘર(morgue)માં શબના આગમનનો સમય નોંધવો પડે છે, જેમાં દિવસ, વાર અને સમયનો ઉલ્લેખ જરૂરી ગણાય છે. શબના આગમન પછી વહેલી તકે શવપરીક્ષણ કરાય છે, તે સમયે અનધિકૃત વ્યક્તિની હાજરીનો નિષેધ હોય છે. તબીબી વિદ્યાસહાયક શવપરીક્ષણ સામાન્ય રીતે રુગ્ણવિદ્યા (pathology) સંબંધિત વિદ્યાશાખામાં થાય છે. તેમાં મૃત્યુનું કારણ અને સારવારનું પરિણામ સમજવામાં આવે છે. તે મૃત વ્યક્તિનાં સગાં કે વાલી/વારસની મુક્ત સહમતી(free consent)થી કરાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં કોર્ટનો હુકમ હોય તે દાટેલા શવનું શવોત્ખનન (exhumation) કરીને શવપરીક્ષણ કરાય છે.
શવપરીક્ષણ માટે વિવિધ માપની ક્ષુરિકાઓ (scalpels), ચપ્પાં, કાતરો, ચીપિયા, કર્તકો (cutters), કરવત, હથોડી, માપપટ્ટીઓ, કાચનાં વાસણો, ચીની માટીની તાસકો, વજનકાંટો, ખોખાં, બાટલીઓ, દૃગકાચ, કૅમેરો અને શક્ય હોય તો એક્સ-રે યંત્ર વગેરે વિવિધ સાધનો અને ઉપકરણો જરૂરી હોય છે.
સારણી 1માં શવપરીક્ષણમાં કયા કયા ભાગની તપાસ કરાય છે અને તેની નોંધ કરાય છે તે દર્શાવ્યું છે. આવી નોંધમાં બાહ્ય પરીક્ષણ, આંતરિક પરીક્ષણ, લક્ષણોની શરૂઆતની તારીખ અને સમય (ખાસ કરીને ઝેરી અસર થયેલી હોય તો), મૃત્યુની તારીખ અને સમય તથા મૃત્યુના કારણ અને પ્રકાર વિશેના મંતવ્યની નોંધ દર્શાવવામાં આવે છે.
બાહ્ય પરીક્ષણમાં સૌપ્રથમ મૃતદેહની ઓળખ મહત્વની છે. જો મૃતદેહ ઓળખાયો ન હોય તો તેના શરીર પરનાં ચિહ્નો, લક્ષણો, ઘરેણાં, કપડાં, જનનાંગો, કદ, બાંધો વગેરે વિવિધ બાબતોનું નિરીક્ષણ કરાય છે. મૃતદેહ પરનાં કપડાં, કાપા કે ઘાવ તથા કોઈ રોગસૂચક ચિહ્ન (ગાંઠું, ચાંદું) વગેરેની નોંધ લેવાય છે. મૃતદેહની ઉંમર, લિંગ, જ્ઞાતિ તથા અન્ય ઓળખની નોંધ કે તે સૂચક લક્ષણો નોંધવામાં આવે છે. તે સમયે તેનો ફોટોગ્રાફ પણ લેવામાં આવે છે. મૃતદેહના ડોકની ફરતે દોરડું કે અન્ય પદાર્થ વીંટળાયેલો કે બંધાયેલો હોય તો તેની સ્થિતિ, પ્રકાર, પદ્ધતિ, ગાંઠની સ્થિતિ વગેરેની નોંધ લેવામાં આવે છે. મૃતદેહના દાંતનો અભ્યાસ કરાય છે. મૃતદેહનું મળાશયી તાપમાન, ડાઘા, શવકાઠિન્ય (rigor mortis), કોહવાટનો તબક્કો, માખી કે ઇયળ (maggots) હોય તો તેમને અંગેની માહિતી વગેરે નોંધવામાં આવે છે. તેને આધારે મૃત્યુનો સમય નક્કી કરી શકાય છે. આ ઉપરાંત સારણી 1માં દર્શાવેલી બધી જ વિગતોને ધ્યાનમાં લેવામાં આવે છે.
સારણી 1 : શવપરીક્ષણનોંધમાં આવરી લેવાતા મુદ્દા
ક્રમ | મુદ્દો | વિગતની યાદી | |
1 | 2 | 3 | |
1. | બાહ્ય પરીક્ષણ | અ. | શરીરના સ્નાયુઓ, બાંધો, અપોષણ, |
શવકાઠિન્ય (rigor mortis) અને | |||
કોહવાટની સ્થિતિ | |||
આ. | અજ્ઞાતવ્યક્તિના કિસ્સામાં શરીર પર | ||
જોવા મળતાં ઓળખચિહ્નો | |||
ઇ. | આંખો | ||
ઈ. | નાક, કાન, મોં, ગુદા, શિશ્ન અને ભગપ્રદેશ વગેરે કુદરતી છિદ્રોની સ્થિતિ | ||
ઉ. | ઈજા જણાય તો તેનો પ્રકાર, ચોક્કસ સ્થાન, માપ અને દિશા | ||
ઊ. | હાથ-પગની સ્થિતિ, હાડકાં, સાંધા, હાથમાં કશું પકડાયું હોય તો તેની વિગત | ||
ઋ. | બાહ્ય જનનાંગો | ||
એ. | અન્ય નોંધ | ||
2. | અંત:પરીક્ષણ | અ. | માથું અને ડોક |
(1) શીર્ષચર્મ (scalp), ખોપરીનાં હાડકાં | |||
(2) તાનિકાઓ (meninges) | |||
(3) મગજ | |||
(4) ખોપરીના તળિયાનો ભાગ | |||
(5) કરોડના મણકા | |||
(6) કરોડરજ્જુ | |||
(7) ડોકની સંરચનાઓ | |||
(8) અન્ય નોંધ | |||
આ. | છાતી. | ||
(1) દીવાલ, પાંસળીઓ, કાસ્થિ | |||
(2) પરિફેફસી કલા (pleura) | |||
(3) સ્વરપેટી, શ્વાસનળી, શ્વસનનલિકાઓ | |||
(4) જમણું ફેફસું | |||
(5) ડાબું ફેફસું | |||
(6) પરિહૃદ્કલા (pericardium) | |||
(7) હૃદય અને તેનું વજન | |||
(8) મોટી નસો | |||
(9) અન્ય નોંધ | |||
ઇ. | ઉદર (abdomen). | ||
(1) દીવાલ, | |||
(2) પરિતનકલા (peritoneum) | |||
(3) ગુહા (પોલાણ) | |||
(4) ગલોફું, દાંત, જીભ અને ગળું | |||
(5) અન્નનળી | |||
(6) જઠર અને એમાં ભરાયેલું દ્રવ્ય | |||
(7) નાનું આંતરડું અને તેમાંનું દ્રવ્ય | |||
(8) મોટું આંતરડું અને તેમાંનું દ્રવ્ય | |||
(9) યકૃત અને તેનું વજન તથા પિત્તાશય | |||
(10) સ્વાદુપિંડ | |||
(11) બરોળ અને તેનું વજન | |||
(12) મૂત્રપિંડ અને તેનું વજન | |||
(13) મૂત્રાશય | |||
(14) પ્રજનનઅવયવો | |||
(15) અન્ય નોંધ | |||
3. | લક્ષણોની શરૂઆત | તારીખ અને સમય, ખાસ કરીને ઝેરીકરણની સ્થિતિમાં સંભવિત કારણ, પ્રકાર અને સમય | |
4. | મૃત્યુ સંબંધિત નોંધ : | સંભવિત તારીખ અને સમય તથા મૃત્યુના કારણની નોંધ |
અંત:પરીક્ષણમાં માથું, ડોક, છાતી તથા પેટને ખોલીને અંદરથી તપાસ કરવામાં આવે છે. તેમાં સારણી 1માં દર્શાવેલ બધી જ વિગતોને ઝીણવટથી નોંધવામાં આવે છે. જઠરમાં કોઈ ખોરાક હોય તો તેની પાચનની સ્થિતિ નોંધવામાં આવે છે અને ઝેરની શંકા હોય તો તેને રાસાયણિક પરીક્ષણ માટે મોકલવામાં આવે છે. સ્ત્રીના પ્રજનન-અવયવોને ખોલીને તેમાં ગર્ભ છે કે નહિ તે ખાસ જોવામાં આવે છે.
શવપરીક્ષણને અંતે તબીબ મૃત્યુનાં સમય અને શક્ય કારણ અંગેની તેમજ તેના તારણની નોંધ આપે છે. મૃત્યુ કુદરતી કે અકુદરતી છે, આત્મહત્યા છે, અન્ય વ્યક્તિ દ્વારા હત્યા કરાઈ છે તે અંગેની શાસ્ત્રીય સંભાવના રજૂ કરાય છે.
કોહવાટ પામેલા મૃતદેહનું સંપૂર્ણ શવપરીક્ષણ થાય તે જરૂરી ગણાય છે. તેમાં હસ્તસ્પર્શ ઘટાડવા માટે વિશિષ્ટ ચીપિયા અને અન્ય સાધનો ઉપલબ્ધ હોય છે. કુરૂપકૃત (mutilated) મૃતદેહ કે તેનાં છૂટાં પડેલાં અંગોનું પણ શવપરીક્ષણ કરવાની ક્યારેક જરૂર પડે છે. તેમાં પણ ઓળખ નિશ્ચિત કરવી તથા મૃત્યુનું કારણ અને સમય જાણવાં જરૂરી બને છે. વ્યક્તિની ઓળખમાં તેની ઉંમર, લિંગ, ધર્મ, જ્ઞાતિ, પ્રદેશ વગેરે વિવિધ બાબતો વિશે અંદાજ મેળવવા પ્રયત્ન કરાય છે. ખોપરી મળેલી હોય તો તેને વ્યક્તિના ફોટોગ્રાફ પર ચિત્રારોપિત (superimposed) કરીને ઓળખ નક્કી કરવાના સફળ પ્રયત્નો નોંધાયેલા છે.
શિલીન નં. શુક્લ