શવપરીક્ષણ-અધિકારી (coroner) : અચાનક થયેલા, શંકાસ્પદ કે આક્રમક સ્થિતિમાં થયેલા મૃત્યુનું કારણ શોધવાની તપાસ કરનાર અધિકારી. ઘણા દેશોમાં હવે આ પદને સ્થાને તબીબી પરીક્ષકની નિયુક્તિ કરાય છે. આક્રમક કે શંકાસ્પદ સ્થિતિમાં થયેલા મૃત્યુના કારણની શોધ અથવા તપાસની ક્રિયાને મૃત્યુકારણશોધિની (inquest) કહે છે. તેમાં અક્ષ્યાધાર (evidence) અથવા સાબિતી આપવા માટે શવપરીક્ષણ-અધિકારી વિષયવિદ તબીબી અધિકારીને અથવા સામાન્ય રીતે પોલીસ સર્જ્યનને શવપરીક્ષણ કરવા માટે હુકમ આપી શકે છે. આવી મૃત્યુકારણશોધિનીમાં તે સાક્ષીઓને બોલાવે છે, પ્રતિજ્ઞાપૂર્વકના અપાયેલા અક્ષ્યાધાર(સાબિતી)ની નોંધ મેળવે છે, આરોપીના બચાવના અક્ષ્યાધારો પણ મેળવે છે અને ન્યાયસહાયકો(jury)ની મદદથી મૃત્યુના કારણ અંગે નિર્ણય કરે છે. જો તેમને તેમાં કોઈ ચોક્કસ વ્યક્તિ દ્વારા કશું ખોટું થયાની સાબિતી મળે તો તે સીધેસીધા મૅજિસ્ટ્રેટના ન્યાયાલયમાં સમગ્ર કિસ્સો ન્યાય કરવા માટે મોકલી આપી શકે છે; પરંતુ જો તેમાં કોઈ ચોક્કસ વ્યક્તિનો હાથ નિશ્ચિત ન થાય તો વધુ અક્ષ્યાધારો મળે ત્યાં સુધી પ્રક્રિયાને મુલતવી રાખે છે. મુંબઈ અને કોલકાતા જેવાં મોટાં શહેરોમાં શવપરીક્ષણ-અધિકારીની મૃત્યુકારણ-શોધિનીની જરૂરિયાત મુખ્યત્વે 3 સંજોગોમાં થાય છે : (1) અજ્ઞાત કારણોસર અચાનક રીતે મૃત્યુ પામેલી કોઈ વ્યક્તિના અસુરક્ષિત મૃતદેહની પ્રાપ્તિ, (2) જેલ કે અન્ય અટકમાં લેવાની જગ્યાએ મૃત્યુ તથા (3) કેટલાક શંકાસ્પદ સંજોગોમાં થયેલું મૃત્યુ; દા.ત., (અ) આપઘાત, હત્યા, નવજાત-શિશુવધ (infanticide) જેમાં આક્રમક કે અકુદરતી સંજોગોને કારણે મૃત્યુ થયું હોય, (આ) યાંત્રિક, ઔષધીય કે વિષયુક્ત દ્રવ્ય કે પદાર્થ વડે કે અન્ય કોઈ આકસ્મિક સંજોગોમાં મૃત્યુ થયું હોય, (ઇ) કોઈ પણ વાહનથી થતું મૃત્યુ, (ઈ) શસ્ત્રક્રિયા કે લોહી વહી જવાથી મૃત્યુ થયું હોય અથવા (ઉ) ફરીથી તે જ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવવાથી બીજાં મૃત્યુ થવાની સંભાવના હોય વગેરે.
શિલીન નં. શુક્લ