શવકાઠિન્ય (rigor mortis) : મૃત્યુ પછી શરીરના સ્નાયુઓમાં આવતી કાયમી ધોરણની અક્કડતા. મૃત્યુ પછી શરીરની સ્નાયુપેશીમાં ક્રમશ: 3 તબક્કામાં ફેરફાર થાય છે : (અ) પ્રાથમિક શિથિલન, (આ) શવકાઠિન્ય (અક્કડતા) અને (ઇ) દ્વૈતીયિક શિથિલન. મૃત્યુ પછી શરીરના બધા સ્નાયુઓ શિથિલ થવા માંડે છે પરંતુ જે સ્નાયુઓ મૃત્યુ સમયે સંકોચાયેલા હોય છે તેઓ શિથિલ થતા નથી. તેથી નીચલું જડબું નીચે તરફ ઢળી પડે છે, પોપચાંનો તણાવ જતો રહે છે, હાથપગ પોચા અને ઢીલા પડી જાય છે અને સાંધાને સહેલાઈથી વાળી શકાય છે. તેઓમાં આણ્વિક ચેતન હજુ રહેલું હોવાથી તે બાહ્ય યાંત્રિક કે વિદ્યુતીય ઉત્તેજના મળે તો પ્રતિક્રિયારૂપે સંકોચાય છે. સામાન્ય રીતે આ તબક્કો 2થી 3 કલાક ચાલે છે; પરંતુ તે 1 કલાકથી 6 કલાક સુધીનો પણ હોઈ શકે. ત્યારબાદ શવકાઠિન્યનો બીજો તબક્કો શરૂ થાય છે, જે પૂરો થાય ત્યારે શરીરના સ્નાયુઓ ફરી પોચા અને ઢીલા પડે છે; પરંતુ તે સમયે તે બાહ્ય ઉત્તેજનાઓને પ્રતિક્રિયા કરતા નથી. તે સમયે સ્નાયુમાંનાં સક્રિયન (active) અને સ્નાવ્યન (myosin) નામનાં દ્રવ્યોનું વિઘટન થયેલું હોય છે.
બંને પ્રકારના શિથિલનના તબક્કાઓની વચ્ચે સ્નાયુઓની અક્કડતાનો તબક્કો (શવકાઠિન્ય) જોવા મળે છે. તેને અંગ્રેજીમાં rigor mortis, cadaveric rigidity અથવા death stiffening કહે છે. તે સ્નાયુઓની સંકોચનશીલતા જતી રહે તે પછી તુરત થઈ આવે છે. અને તે ઐચ્છિક તથા અનૈચ્છિક એમ બંને પ્રકારના સ્નાયુઓને અસર કરે છે. એક સિદ્ધાંતમત પ્રમાણે સ્નાયુકોષોમાં એડિનોસાઇન ટ્રાયફૉસ્ફેટ (ATP) નામનું દ્રવ્ય નાશ પામે છે અને સક્રિયન-સ્નાવ્યનનું સંયોજન અક્કડ અને શુષ્ક લૂગદી રૂપે રહી જાય છે, જેને કારણે સ્નાયુઓ અક્કડ બને છે. તે સમયે સ્નાયુઓમાં દુગ્ધામ્લ (lactic acid) બનેલું હોય છે અને તેથી સ્નાયુકોષો અમ્લીય (acidic) બને છે.
શવકાઠિન્ય થઈ આવે ત્યારે શરીર ઠંડું પડતું જાય છે. લકવાગ્રસ્ત અંગમાં, જો તેનું પોષણ જળવાયેલું હોય તો તેમાં પણ શવકાઠિન્ય થાય છે, પરંતુ જો તે અંગમાં ક્ષારવાળા પાણીને વહેવડાવવામાં આવે તો શવકાઠિન્ય થતું ઘટે છે. આ પ્રક્રિયાને સમક્ષારજલ(normal saline)નું વાહિકાવહન (perfusion) કહે છે.
શરીરના બધા સ્નાયુઓ અક્કડ થાય છે, પણ તેથી શરીર કે તેના અંગનું સ્થાન કે સ્થિતિ બદલાતાં નથી. તેથી અક્કડ સાંધાને બાહ્ય બળ વડે વાળવામાં આવે તો પોચો અને ઢીલો થઈ જાય છે, પરંતુ બાહ્ય બળ દૂર કરવા છતાં તે મૂળ સ્થિતિમાં આવી જતો નથી. સૌપ્રથમ તે અનૈચ્છિક અને ત્યારબાદ તે ઐચ્છિક સ્નાયુઓમાં જોવા મળે છે. હૃદયમાં મૃત્યુ પછી 1 કલાકે તે જોવા મળે છે, અને તેમાં ડાબી બાજુના ખંડોમાં તે વધુ પ્રમાણમાં થાય છે. ગર્ભાશયના સ્નાયુઓના સંકોચનને કારણે જો તેમાં ગર્ભશિશુ હોય તો તેનો મૃત્યૂત્તર પ્રસવ (post-mortem delivery) થાય છે.
સામાન્ય રીતે સમોષ્ણ વાતાવરણ(temparate climate)માં તે મૃત્યુ પછી 3થી 6 કલાકમાં થાય છે, ભારતમાં સામાન્ય રીતે 1થી 2 કલાકમાં શરૂ થાય છે અને 1થી 2 કલાકમાં પૂર્ણ સ્વરૂપે જોવા મળે છે. સમોષ્ણ વાતાવરણમાં તે 2થી 3 દિવસ ટકે છે. ઉત્તર ભારતના શિયાળામાં તે 24થી 48 કલાક અને ઉનાળામાં 18થી 36 કલાક જોવા મળે છે. જો તે વહેલું શરૂ થાય તો તેનો અંત પણ ઝડપી હોય છે અને તેનાથી વિપરીત સ્થિતિમાં તે વિપરીતતાથી જ વર્તે છે.
શવકાઠિન્યના આરંભ અને સમયગાળાને અસર કરતાં પરિબળોમાં તાપમાન ઉપરાંત ઉંમર, સ્નાયુની સ્થિતિ તથા મૃત્યુના કારણનો સમાવેશ થાય છે. તે સુક્કા, ઠંડા વાતાવરણમાં ધીમે શરૂઆત પામીને લાંબો સમય ટકે છે; જ્યારે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ઝડપથી શરૂ થઈને ઝડપથી શમે છે. અપરિપક્વ ગર્ભ(7 મહિના કે ઓછા સમય)માં તે જોવા મળતું નથી, પરંતુ પૂર્ણકાલીન મૃતશિશુજન્મ(still birth)માં તે જોવા મળે છે. નાનાં બાળકો અને વૃદ્ધોમાં તે ઝડપી પણ ઓછા પ્રમાણમાં અક્કડતાવાળું હોય છે જ્યારે યુવાનો કે પ્રૌઢોમાં ધીમું પણ પૂરતા પ્રમાણમાં અક્કડતાવાળું હોય છે. તે તંદુરસ્ત અને મૃત્યુસમયે અસક્રિય સ્નાયુઓમાં ધીમેથી શરૂ થઈને લાંબો સમય રહે છે જ્યારે નબળા કે મૃત્યુસમયે સક્રિય સ્નાયુઓમાં તેનાથી વિપરીત સ્થિતિ હોય છે. જે રોગોમાં સ્નાયુ નબળા બન્યા હોય, અપોષણથી ક્ષીણ થયા હોય કે થાકી ગયેલા હોય તેમાં તે ઝડપથી શરૂ થઈને ઝડપથી શમે છે. આવું મોટાભાગના ચેપી રોગો, કૅન્સર, મૂત્રપિંડની નિષ્ફળતા, ધનુર્વા કે આંચકી(convulsion)ના વિકાર પછી જોવા મળે છે.
શબની આસપાસનું વાતાવરણ વધુ પડતું ગરમ હોય (75° સે.) કે ઠંડું હોય તો શબમાં અક્કડતા આવે છે. તેને શવકાઠિન્યથી અલગ પાડવું જરૂરી ગણાય છે. જે સ્નાયુઓ મૃત્યુ વખતે સંકોચનમાં હોય તે મૃત્યુ પછીના પ્રાથમિક શિથિલનના તબક્કામાં ગયા વગર અક્કડ થઈ જાય છે. તેને કારણે મૃત્યુસમયે અંગવિન્યાસ (posture) અથવા દેહની કે તેનાં અંગોની જે સ્થિતિ હોય તે જ જળવાઈ રહે છે. તેને શવ-સતતાકુંચન (cadaveric spasm) અથવા તત્કાલીન અક્કડતા (instantaneous rigor) કહે છે. તેથી મૃત્યુસમયે જે હથિયાર કે કપડું કે અન્ય પદાર્થ હાથમાં પકડાયેલું હોય તે સજ્જડ રીતે પકડાયેલું રહે છે. આવી અક્કડતા હત્યારો મૃત્યુ બાદ શબના હાથમાં હથિયાર મૂકીને લાવી શકતો નથી. ક્યારેક ઘણી વજનદાર વસ્તુ કે હથિયાર હોય તો તે મૃત્યુ પછી હાથમાંથી પડી પણ જાય છે. આ સમગ્ર સ્થિતિ શવકાઠિન્યથી અલગ જ પ્રકારની છે અને તેનું યોગ્ય નિદાન જરૂરી ગણાય છે.
શિલીન નં. શુક્લ