શલ્યસ્થાનાંતરતા (embolism)

January, 2006

શલ્યસ્થાનાંતરતા (embolism) : લોહીનો ગઠ્ઠો, હૃદયના વાલ્વ પર થતા કપાટમસા (vegetations), હવાનો પરપોટો, મેદ(ચરબી)નો ગઠ્ઠો કે અન્ય બાહ્ય પદાર્થ લોહી વાટે વહીને કોઈ નસમાં લોહીનું વહન અટકાવી દે તે સ્થિતિ. જે દ્રવ્યનું લોહી વાટે આવી રીતે સ્થાનાંતરણ થતું હોય તેને શલ્યકંદુક અથવા શલ્ય (embolus) કહે છે. જો ચેપી દ્રવ્યનું વહન થાય તો તે ચેપ ફેલાવે છે અને તેથી તેને ચેપકારક (infective) શલ્યસ્થાનાંતરતા કહે છે. તેને પૂયસ્થાનાંતરતા (septic embolism) પણ કહે છે. ક્યારેક પગની નસોમાં (શિરામાં) લોહી જામી ગયું હોય તો તેનો ગઠ્ઠો છૂટો પડીને ફેફસાંની ધમનીમાં રોધ સર્જે છે. તેને ફેફસી શલ્યસ્થાનાંતરતા (pulmonary embolism) કહે છે. તે સમયે છાતીમાં અતિશય પીડા, શ્વાસોચ્છ્વાસની તકલીફ, નખ-હોઠનું ભૂરા પડી જવું (નીલિમા, cyanosis) વગેરે થઈ આવે છે. તે જો મોટી ધમનીને અવરોધે ત્યારે જીવનને સંકટ થાય છે. લાંબી માંદગી કે શસ્ત્રક્રિયા પછી દર્દી લાંબો સમય પથારીમાં હલનચલન વગર પડી રહે તો તેના પગની પિંડી(calf)ની અંદરની નસોમાં લોહી જામી જાય છે તેને માંસાંત:શિરાગઠન (deep vein thrombosis) કહે છે. આવો દર્દી જ્યારે હલનચલન કરવા માંડે ત્યારે તેની અંદરની શિરામાંના લોહીના નાના ગઠ્ઠા રુધિરાભિસરણ દ્વારા શરીરમાં ફરે છે તેને ફેફસી શલ્યસ્થાનાંતરતા કહે છે. હૃદયના વાલ્વ(કપાટ)માં ચેપ લાગે ત્યારે તેના પર કપાટમસા (vegetations) થાય છે. તે પણ છૂટા પડીને શરીરમાં કે ફેફસાંમાં વિવિધ જગ્યાએ ચેપ ફેલાવે છે અને ગૂમડાં કરે છે તેને પૂયસ્થાનાંતરતા કહે છે.

જાંઘના હાડકાના અસ્થિભંગ પછી ક્યારેક હાડકાંમાંની ચરબીના નાના ગઠ્ઠા શલ્યસ્થાનાંતરિત થાય છે. તેને મેદસ્થાનાંતરતા (fal-embolism) કહે છે. દરિયામાં ઊંડાઈમાંથી ઝડપથી ઉપર આવતી વ્યક્તિમાં વાયુના પરપોટા છૂટા પડે છે અને તે વાયવી શલ્યસ્થાનાંતરતા (air embolism) કરે છે.

નાની શિરાઓમાં લોહી જામી જતું અટકાવવા અલ્પાણુભારી હિપેરિન (law molecular weight heparin) વડે સારવાર કરાય છે. વારંવાર થતી શલ્યસ્થાનાંતરતા અટકાવવા પગ અને પેટમાંથી લોહીને હૃદય સુધી પહોંચાડતી અધ:મહાશિરા(inferior vena cava)માં આડાશ રૂપે કૃત્રિમ ગાળક પડદો (filter) મુકાય છે. જોકે તે ખસીને શલ્યસ્થાનાંતરતા કરે તેવો ભય પણ રહેલો હોય છે. હૃદયના વાલ્વ પર થતા કપાટમસામાંથી શલ્યસ્થાનાંતરતા થતી અટકાવવા તેમજ નાની નસોમાં પણ લાંબા સમય સુધી લોહી જામે તો તેમાંથી શલ્યસ્થાનાંતરતા અટકાવવા મુખમાર્ગી રુધિરગંઠનરોધકો (oral anticoagulents) અપાય છે; દા.ત., વૉરફેરિન. ફેફસાંની નસમાં જામેલા શલ્યસ્થાનાંતરિત લોહીના ગઠ્ઠાને પ્લાઝમિનોજન એક્ટિવેટર વડે ઓગાળવાની ક્રિયા પણ કરી શકાય છે. જેમને ફેફસી શલ્યસ્થાનાંતરતા લાંબા સમય માટે થઈ હોય તેઓમાં ફેફસી અંતર્ધમનીય ગુલ્મોચ્છેદન (pulmonary thromboen-darterectomy) નામની શસ્ત્રક્રિયા કરીને નસમાંના ગઠ્ઠાને દૂર કરાય છે.

શિલીન નં. શુક્લ