શર્મિષ્ઠા (કૅશિયોપિયા – Cassiopeia; સંક્ષેપ : CAS)
January, 2006
શર્મિષ્ઠા (કૅશિયોપિયા – Cassiopeia; સંક્ષેપ : CAS) : પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાંથી જોતાં ઉત્તર આકાશમાં આવેલાં ઊડીને આંખે વળગે એવાં બે તારામંડળો પૈકીનું એક તે સપ્તર્ષિ અને બીજું તે આ શર્મિષ્ઠા કે કાશ્યપિ (કૅશિયોપિયા કે કૅસિયોપિયા). આ બંને તારામંડળો ખગોલીય ઉત્તર ધ્રુવની નજદીક આવેલાં છે. હકીકતે ધ્રુવ તારાની બંને તરફ, 30 અંશના, એમ લગભગ એકસરખા અંતરે, એકમેકની સામસામે આવેલાં છે અને ઘડિયાળના કાંટાની ફરવાની દિશાથી વિરુદ્ધ દિશામાં ચકરાવો મારે છે. એટલે કે જો ઉત્તરાભિમુખ થઈને જોઈએ તો જમણેથી ડાબે ફરે છે. યુરોપ, રશિયા, ઉત્તર અમેરિકા વગેરે દેશોમાંથી આ બંને તારામંડળ ધ્રુવતારકની આસપાસ ચકરાવો લેતાં એકીસાથે આખી રાત દેખી શકાય છે. તે ક્યારેય આથમતાં નથી એટલે તેમને (અને તેમની આસપાસનાં તારામંડળોને) અનસ્ત કે સદોદિત (circumpolar) તારામંડળ કહેવાય છે, પરંતુ ભારતની વાત જુદી છે. આ બંને તારામંડળ આ રીતે એટલે કે બંને એકસાથે ધ્રુવતારાની આસપાસ ચકરાવો લેતાં દેખાતાં અહીં નથી. આમાંનું કોઈ એક તારામંડળ માથા તરફ હોય, એટલે કે પરમોન્નતાંશે હોય, તો બીજું ક્ષિતિજથી નીચે હોય. સરળ ભાષામાં કહીએ તો, દેવયાની જ્યારે ઉપર ચડે છે ત્યારે સપ્તર્ષિ ક્ષિતિજની નીચે ડૂબી જાય છે. તેવી રીતે, જ્યારે સપ્તર્ષિ ઉપર ચડે છે ત્યારે દેવયાની ક્ષિતિજની નીચે ડૂબી જાય છે. પણ આ રીતે ચકરાવો લઈને ફરતાં જ્યારે તે ધ્રુવતારાની અડખેપડખે, એટલે કે ડાબે-જમણે થાય ત્યારે એકસાથે જોઈ શકાય છે ખરાં. ઉત્તર ભારત સહિત ગુજરાત વગેરેમાંથી જોતાં આ બંને તારામંડળો ધ્રુવતારકની અડખેપડખે જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, નિશ્ચિત ઋતુમાં નિશ્ચિત સમયે ઉત્તરાભિમુખ થઈને જોતાં કાં તો બંને તારામંડળ પૈકીનું એક ડાબે હોય, તો બીજું જમણે અથવા એક જમણે હોય તો બીજું ડાબે. એટલે કે શર્મિષ્ઠા વાયવ્ય દિશા તરફ હોય તો સપ્તર્ષિ ઈશાન દિશા તરફ, અને જો શર્મિષ્ઠા ઈશાન તરફ હોય તો, સપ્તર્ષિ વાયવ્ય તરફ ગોઠવાયેલા દેખાય છે. આ બંનેની વચ્ચે લઘુ સપ્તર્ષિ (ધ્રુવમત્સ્ય) તારામંડળ અને તેમાંનો ધ્રુવતારક આવેલો દેખી શકાય છે. (જુઓ આકૃતિ) પરંતુ દક્ષિણ ભારતના છેક નીચે આવેલા પ્રદેશોમાંથી આવું પણ જોવા મળતું નથી. મતલબ કે અહીંથી આ બેઉ તારામંડળ એકસાથે તો ક્યારેય દેખાતાં નથી; દા.ત., તિરુવનંતપુરમ્ અને કન્યાકુમારીની વાત કરીએ તો અહીંથી સપ્તર્ષિ અને શર્મિષ્ઠા તેમના પરમોન્નતાંશ સમયે જ દેખી શકાય છે. બાકીના સમયમાં આ તારામંડળો ક્ષિતિજથી ઘણાં નજદીક રહેતાં હોવાથી દેખી શકાતાં નથી.
આકાશદર્શનનો આરંભ કરનાર માટે સહેલાઈથી ઓળખી શકાય એવા શર્મિષ્ઠા તારામંડળનો ઘણો ભાગ આકાશગંગાની અંદર આવેલો છે. શર્મિષ્ઠા(કાશ્યપિ)ને કેટલાંક લોકો ‘ઊંટની કાઠી’ પણ કહે છે. પશ્ચિમના લોકો એને ‘બાનુની ખુરશી’ (‘લૅડિઝ ચૅર’) કહે છે. આ તારામંડળ એક વાર ઓળખી લેવાયા પછી ઝટ ભૂલી શકાય નહિ તેવું છે. આલ્ફા, બીટા, ગૅમા, ડેલ્ટા અને ઇપ્સિલોન, કૅશિયોપી એવા પાંચ તેજસ્વી તારાઓ વડે બનેલા આ તારામંડળનો આકાર તેની સ્થિતિ અનુસાર ક્યારેક અંગ્રેજી ‘W’ જેવો તો ક્યારેક ઊંધું થતાં અંગ્રેજી ‘M’ જેવો થાય છે.
આલ્ફા કૅશિયોપી તારાનું બીજું નામ ‘શદર’ (Schedar કે Shedir) છે, જે અરબી ભાષામાંથી ઊતરી આવ્યો છે, તેનો અર્થ ‘છાતી’ થાય છે. આ એક યુગ્મક (જોડિયો) અને રૂપવિકારી તારો છે. આ તારો આશરે 229 પ્ર.વ.(પ્રકાશવર્ષ)ના અંતરે આવેલો છે. બીટા કૅશિયોપી તારાનું નામ ‘કાફ’ (Caph) પણ અરબી-આધારિત છે. આ તારાનો રંગ પીળાશ પડતો સફેદ છે અને અંદાજે 55 પ્ર.વ.ના અંતરે આવેલો છે.
આ બીટા કૅશિયોપી તારાનું વિશેષ મહત્વ છે. સૌને ખબર છે કે ગ્રિનિચમાં થઈને પસાર થતી પૃથ્વીના ઉત્તર-દક્ષિણ ધ્રુવોને જોડનાર લીટીથી પૃથ્વીના રેખાંશ ગણવાનો રિવાજ છે. આ રેખાને શૂન્ય અંશ રેખાંશ ગણવામાં આવે છે. તેવી જ રીતે, આકાશી ગોળાના રેખાંશ, એટલે કે વિષુવાંશ (‘રાઇટ અસેંશન’) માટે જે કાલ્પનિક રેખા (કે વૃત્ત) પસંદ કરવામાં આવી છે તેને ‘મૂલ યામ્યોત્તરવૃત્ત’ (prime meridian) કહેવાય છે. આ રેખા ઉપર્યુક્ત તારામાંથી પસાર થાય છે. આ રેખા ધ્રુવતારકમાંથી નીકળી, બીટા કેશિયોપી તારામાંથી પસાર થતી, ખગાશ્વના અથવા ભાદ્રપદાના ચોરસના પૂર્વ તરફના બે તારા (એટલે કે ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર)માં થઈને પસાર થાય છે. આ રેખા વધુ આગળ જઈ, ખગોલીય વિષુવવૃત્તને જે બિંદુએ છેદે છે, તેને મહાવિષુવ કે વસંતસંપાત (vernal equnox) કહે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, પૃથ્વીના કોઈ પણ સ્થળના અક્ષાંશ-રેખાંશ શોધવામાં પ્રયોજાતી પદ્ધતિને કાંઈક અંશે મળતી આવતી વિષુવાંશ-અપક્રમ(right ascension-declination) તરીકે ઓળખાતી આકાશી જ્યોતિઓના સ્થાન-નિર્ધારણમાં ઉપયોગી એવી પદ્ધતિના એક મહત્વના નિર્દેશાંક (coordinate) સાથે શર્મિષ્ઠાનો આ બીટા તારો સંકળાયેલો છે. આ કારણે શર્મિષ્ઠાના આ તારાના વિષુવાંશ (RA) શૂન્યની નજદીક છે. આ માહિતી શર્મિષ્ઠા ઉપરાંત ધ્રુવના તારાને અને ખગાશ્વ તારામંડળને ઓળખવામાં પણ મદદરૂપ થશે.
ગૅમા કૅશિયોપી તારો દ્વિતીય તેજાંક (મૅગ્નિટ્યૂડ) ધરાવે છે અને તે અનિયમિત રૂપવિકારી યુગ્મતારો છે. આ તારો ઍક્સ-કિરણોનો સ્રોત છે. આપણાથી લગભગ 613 પ્ર.વ.ના અંતરે તે આવેલો છે. બાઇનૉક્યૂલરમાંથી જોતાં તેની આસપાસ કેટલાક તારાઓની જમાવટ જોવા મળે છે. આ તારો યુગ્મતારો છે; પરંતુ તેને જોવા માટે કમસે કમ 8 ઇંચ(20 સેમી.)નું દૂરબીન જરૂરી છે.
ચોથા તારા, ડેલ્ટા કૅશિયોપીનું પાશ્ર્ચાત્ય નામ ‘રુકાબ’ છે, આ નામ મૂળ અરબી શબ્દ Rucbar અથવા Ruchbah કે Ksora પરથી આવ્યું છે, જેનો અર્થ ‘ઢીંચણ’ (ઘૂંટણ) થાય. આ તારો આપણાથી 99 પ્ર.વ. દૂર આવેલો છે. પાંચમો ઇપ્સિલોન કૅશિયોપી તારો (Segin) આશરે 442 પ્ર.વ. અંતરે આવેલો છે.
આ તારામંડળમાં ગૅમા કૅશિયોપીની દક્ષિણે એક મંદ પ્રકાશિત તારો આવેલો છે, જેનું નામ મ્યૂ કૅશિયોપી છે. આ તારાની વિશિષ્ટતા એની ગતિ છે. આ તારો દર સેકંડે 100 કિલોમિટરની ગતિથી આપણાથી દૂર ભાગી રહ્યો છે. ગણતરી કરતાં જણાયું છે કે એક હજાર વર્ષમાં આ તારો આકાશમાં બે પૂર્ણ ચંદ્ર જેટલો સ્થાનાંતરિત થાય છે. આ બતાવે છે કે આકાશના તારા પણ સ્થિર નથી.
શર્મિષ્ઠા તારામંડળ એક બીજા કારણસર ખગોળવિજ્ઞાનના ઇતિહાસમાં મશહૂર છે. આ મંડળના આલ્ફા, બીટા અને ગૅમા તારાઓની ઉત્તરે કાપ્પા કૅશિયોપી નામે એક નિસ્તેજ તારો આવેલો છે. આ તારાની પાસે યુરોપના કેટલાક ખગોળવિદોએ નવેમ્બર 1572માં એક સુપરનૉવા, એટલે કે આકાશના તે વિસ્તારમાં આવેલા એક તારામાં ભયંકર વિસ્ફોટની ઘટના જોઈ હતી. ડેન્માર્કના ટાયકો બ્રાહે (1546-1601) નામના પ્રખ્યાત ખગોળશાસ્ત્રીએ આનું કાળજીપૂર્વકનું નિરીક્ષણ કર્યું અને આ ઘટનાની વિસ્તૃત માહિતી આપી હોવાથી, આને ‘ટાયકોનો તારો’ પણ કહેવાય છે. તેણે આ ઘટના 11 નવેમ્બર, 1572ના રોજ જોઈ હોવાનું નોંધ્યું છે. આ તારો શુક્રના ગ્રહ કરતાં પણ વધુ ચળકતો હતો અને દિવસે પણ નરી આંખે દેખાતો હતો ! કુલ 18 મહિના સુધી તે દેખાતો રહેલો. આ મહાવિસ્ફોટને કારણે તેમાંથી પ્રસરતા વાયુઓની રાશિને આજના શક્તિશાળી શ્ય દૂરબીનોથી પણ જોઈ શકાતો નથી, પરંતુ આ મહાસ્ફોટના ફેલાતા વાયુઓને કારણે ઉત્સર્જિત થતા રેડિયો-તરંગોને આજે પણ ઝીલી શકાય છે. ખગોળશાસ્ત્રના ઇતિહાસમાં આ ઘટનાનું મહત્વ એટલા માટે છે કે તેણે પહેલી વાર સિદ્ધ કરી બતાવ્યું કે આકાશ(દેવલોક)માં બધું અચલ નથી, તેમાં ફેરફાર થઈ શકે છે.
ચીનના પ્રાચીન ખગોળશાસ્ત્રીઓએ પણ ઈ. સ. 369માં આ તારામંડળમાં સુપરનૉવા-વિસ્ફોટ જોયાનું નોંધ્યું છે. આજે તે વિસ્તારમાંથી શક્તિશાળી રેડિયો-તરંગો ઉત્સર્જિત થાય છે.
શર્મિષ્ઠા મંડળ બે મેસિયર પિંડો ધરાવે છે : મે-52 (M 52) અને મે-103 (M 103). મ-52 ખુલ્લું તારકગુચ્છ (open cluster) છે અને તેમાં 100 કે તેથી વધુ તારા આવેલા છે. આ ઉપરાંત આ મંડળમાં NGC 663 નામે એક નાનું ઝાંખા તારા વડે બનેલું ખુલ્લું તારકગુચ્છ આવેલું છે. મેસિયર તેજપુંજો અને NGC 663 નાના ટેલિસ્કોપમાંથી સરસ દૃશ્ય દાખવે છે.
શર્મિષ્ઠા ઘણું જૂનું અને જાણીતું તારામંડળ છે. તેનો ઉલ્લેખ ઈસુની બીજી સદીમાં થઈ ગયેલા ટૉલેમી નામના ગ્રીક ખગોળવિદે તૈયાર કરેલી તારામંડળોની યાદીમાં પણ જોઈ શકાય છે. કદાચ તેનાથી પણ પહેલાં આ તારામંડળ જ્ઞાત હતું. પાશ્ર્ચાત્ય દેશોમાં આ તારામંડળ સંબંધી જે કેટલીક કથાઓ પ્રચલિત છે તેમાં આ મંડળ અને તેની આસપાસના આકાશના તે પ્રદેશમાં જોવા મળતાં બીજાં તારામંડળોને પણ આવરી લેવાયાં છે.
જોકે કૅશિયોપિયા અને સિફિયસ ગ્રીક કથાનુસાર આ બંને પતિપત્ની છે અને આકાશમાં તેમને પાસે પાસે મૂકવામાં આવ્યાં છે. આકાશમાં તારામંડળરૂપી આવું સાહચર્ય એકલા આ યુગલને જ મળ્યું છે. આકાશમાં આવેલાં તારામંડળોમાં પતિપત્ની હોય તેવું આ એક માત્ર જોડું (‘કપલ’) છે.
ગ્રીક કથાનાં બાકીનાં બીજાં પાત્રો – ઍન્ડ્રોમિડા અને પર્સિયસને પણ આકાશમાં કૅશિયોપિયાની આસપાસ જ સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે સીટસને, ઍન્ડ્રોમિડા અને ક્રાંતિવૃત્તથી સહેજ દક્ષિણે. પર્સિયસ તારામંડળમાં આવેલો અલ્ગૂલ (Algol) નામનો તારો રૂપવિકારી છે જેને કારણે તેના તેજમાં, સમય સમયને આંતરે વધઘટ થતી રહે છે. ગ્રીક કથામાં આવતી અને પર્સિયસે હણેલી ખોફનાક મેડૂસા રાક્ષસીની ઉઘાડબંધ થતી શાપિત આંખ તે આ અલ્ગૂલ તારો !
પરંતુ નવાઈની વાત એ છે કે ભારતમાં આ તારામંડળો સંબંધી આવી કોઈ પ્રાચીન કથા મળતી નથી. આનું મુખ્ય કારણ એ છે કે ભારતના પ્રાચીન ખગોળશાસ્ત્રીઓને ખાલ્ડિયા (બૅબિલૉન), ચીન ઇત્યાદિ પ્રાચીન પ્રજાઓની જેમ તારાઓના અભ્યાસમાં કે પછી આકાશી નકશાઓ બનાવવા કરતાં રોજેરોજ ઉપયોગમાં લઈ શકાય તેવા પંચાંગના આયોજનમાં વધુ રસ હતો. એટલે તેમણે ક્રાંતિવૃત્ત પરની સૂર્ય અને ચંદ્રની ગતિને સમજવામાં અને તેમાં મદદરૂપ થતાં તે પથ પરનાં અને તેની આસપાસ આવેલાં મુખ્ય તારાઓ અને તારામંડળોનાં અવલોકનમાં જ પોતાનું ધ્યાન વિશેષ કેંદ્રિત કર્યું. આ માર્ગે ચાલતા ગ્રહો પણ એટલે જ અવલોકાયા. આ જ કારણે આકાશના મધ્યભાગ – વિષુવવૃત્તીય પ્રદેશનો જેટલો અભ્યાસ થયો તેટલો, તેની ઉત્તર-દક્ષિણે આવેલા આકાશનો અને તેમાંનાં તારામંડળોનો થયો નહિ. કદાચ આ જ કારણે આકાશી વિષુવવૃત્તથી દૂર આવેલા મોટાભાગનાં તારામંડળોનાં જૂનાં ભારતીય નામ મળતાં નથી. સ્વાભાવિક છે કે આને કારણે તેમની સાથે જોડાયેલી ભારતીય પુરાણકથાઓ પણ નથી મળતી.
પરંતુ આટલાં બધાં સુંદર તારામંડળો અનામી રહી જાય તે કેમ ચાલે ? એટલે કૅશિયોપિયા, સિફિયસ, પર્સિયસ, ઍન્ડ્રોમિડા વગેરેની કથા પરથી મહારાષ્ટ્રના જ્યોતિષી શ્રી બાળશાસ્ત્રી જાંભેકરે આપણાં પુરાણો પરથી ગ્રીક લોકોની આ કથાને કાંઈક મળતી આવતી કથાનાં પાત્રોને એ ચોકઠામાં ગોઠવી દીધાં. ગ્રીક લોકોની કથાનો પાયો જેમ કૅશિયોપિયાનો ગર્વ છે, તેમ આપણી કથાનો પાયો દેવયાનીનો ગર્વ અને યયાતિની કામવૃત્તિ છે. આ કથા મુજબ કૅશિયોપિયા તે શર્મિષ્ઠા, સિફિયસ તે વૃષપર્વા (શિબી), ઍન્ડ્રોમિડા તે દેવયાની, પર્સિયસ તે યયાતિ અને સીટસ તે તિમિ (સમુદ્રમાં પેદા થતું માછલાની જાતનું એક પ્રાણી).
અમદાવાદમાંથી ફેબ્રુઆરીની 15-16મીએ રાતના 9 વાગ્યાનું ઉત્તર તરફનું આકાશ. આકૃતિમાં નીચેની તરફ ક્ષિતિજ પર ઊભરાતા છાયાચિત્રની સાથે ઉત્તરાભિમુખ થયેલા નિરીક્ષકના છાયાચિત્રને પણ બતાવ્યું છે. આપણા તરફ પીઠ કરીને ઊભેલા નિરીક્ષકનો ઊંચો થયેલો જમણો હાથ ધ્રુવતારક તરફ તકાયેલો છે. તેના ડાબા હાથ તરફ શર્મિષ્ઠા જ્યારે જમણા હાથ તરફ સપ્તર્ષિ તારામંડળ દેખાય છે. આ બંને તારામંડળની વચ્ચે ધ્રુવમત્સ્ય તારામંડળ આવેલું છે. આ રીતે સપ્તર્ષિ અને શર્મિષ્ઠા ક્ષિતિજથી થોડે ઉપર એકમેકની સામે આવેલા દેખાય છે. સપ્તર્ષિના પુલહ અને ક્રતુ નામના બે તારાને જોડતી કાલ્પનિક રેખા જો આગળ લંબાવાય તો તે ધ્રુવતારક તરફ દોરી જાય છે. આકૃતિમાં તે ત્રુટક રેખાના તીર વડે દર્શાવ્યું છે. આ કારણે સપ્તર્ષિના આ બે તારાને ‘દર્શક’ નામ આપવામાં આવ્યું છે. આકાશગંગાનો પટ ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) ક્ષિતિજથી ઊંચકાઈને વૃષપર્વાને આંશિક નવડાવતો, ઉપર જઈને શર્મિષ્ઠાને સંપૂર્ણ ડુબાડતો, યયાતિ અને બ્રહ્મમંડળના અમુક ભાગને છબછબિયાં કરાવતો, સહેજ ઉત્તર તરફ વળીને આકૃતિના ઉપરના ભાગમાં આવેલા મિથુનને સ્પર્શતો માથા તરફ લંબાય છે. આ જ નકશો સહેજસાજ ફેર સાથે નીચેની તારીખોએ અને આપેલા સમયે પણ વાપરી શકાય : માર્ચના આરંભના દિવસો દરમિયાન સાંજે 8 વાગ્યાની આસપાસ; ફેબ્રુઆરીની 1લીએ રાતના 10 વાગ્યે; 15 અને 1 જાન્યુઆરીએ અનુક્રમે 11 અને મધરાતે 12 વાગ્યે; 15 અને 1 ડિસેમ્બરે અનુક્રમે 1 અને 2 વાગ્યે; 15 અને 1 નવેમ્બરે પરોઢિયે અનુક્રમે 3 અને 4 વાગ્યે તથા 15 અને 1 ઑક્ટોબરે સવારે 5 અને 6 વાગ્યે.
આ આકૃતિમાં જેમ વાયવ્યે શર્મિષ્ઠા અને ઈશાને સપ્તર્ષિ છે, તેમ અમુક તારીખોએ અને સમયે આનાથી ઊલટું પણ દૃશ્ય જોવા મળે છે, એટલે કે શર્મિષ્ઠા ઈશાન તરફ અને સપ્તર્ષિ વાયવ્ય તરફ આવે છે. આનું એક ઉદાહરણ 1 જુલાઈની મધરાતનું છે. પરંતુ આપણે ત્યાંથી જોતાં, આમાંનું એક પણ તારામંડળ (શર્મિષ્ઠા કે સપ્તર્ષિ) જો પરમોન્નતાંશે હોય તો બીજું તારામંડળ ક્ષિતિજની નીચે હોવાથી દેખાતું નથી.
શર્મિષ્ઠા મંડળના સંદર્ભમાં ‘કૅશિયોપિયા-એ’ કે ‘કૅસિયોપિયાએ’(Cassiopeia-A)નો ઉલ્લેખ કરવો જરૂરી છે. સૂર્યને બાદ કરતાં આકાશનો, અથવા કહો કે મંદાકિની-વિશ્વ(આકાશગંગા)માં આવેલો, આ સહુથી શક્તિશાળી રેડિયો-સ્રોત છે. સંભવત: 17મી સદીના અંત ભાગમાં (કદાચ ઈ. સ. 1660 કે 1667ની આસપાસ) ઘટેલી એક સુપરનૉવાની ઘટનાના અવશેષમાંથી એ આવતો હોવાનું માનવામાં આવે છે. સુપરનૉવાના વિસ્ફોટની આ ઘટના પૃથ્વીવાસીઓ કદાચ જોવાનું ચૂકી ગયા હોય તેવો સંભવ છે, કારણ કે તે જોયાની નોંધ આજ સુધી મળી નથી. સંભવ છે કે આ સ્રોતમાંથી નીકળતાં પ્રકાશનાં કિરણો વચ્ચે આવેલ ધૂળનાં વાદળોને કારણે તે અવરોધાયાં હોય. આ સ્રોત કૅશિયોપિયા (શર્મિષ્ઠા) તારામંડળની દિશામાંથી આવતો જણાય છે એટલે તેને એ નામ આપવામાં આવ્યું છે, પણ હકીકતે તે તેનાથી ઘણે દૂર આવેલો છે. આપણાથી તે આશરે 10,000 પ્રકાશ-વર્ષ દૂર આવેલો છે અને ઝાંખી નિહારિકા જેવો જણાય છે. આ સ્રોતમાંથી ઍક્સ-કિરણો (ક્ષ-કિરણો) ઉદ્ભવતાં હોવાનું પણ નોંધાયું છે.
સુશ્રૃત પટેલ