શર્મા, હરિમન (જ. 4 એપ્રિલ 1956, પનિયાલા, તા. ઘુમારવી, જિ. બિલાસપુર, હિમાચલપ્રદેશ) : શ્રી હરિમન શર્મા એક જાણીતા અને નામાંકિત પ્રગતિશીલ ખેડૂત છે.

હરિમન શર્મા

તેઓ ત્રણ વર્ષના હતા તે સમયે તેમનાં માતા મૃત્યુ પામ્યાં હતાં. આથી શ્રી રિડુકરામે દત્તક લીધા અને હરિમનને ઉછેરવાની જવાબદારી સ્વીકારી. તેઓએ હરિમનને મૅટ્રિક સુધી ભણાવ્યા. શ્રી રિડુકરામની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમને આગળ અભ્યાસ કરવાની તક મળી નહીં.

શ્રી હરિમનને પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે ખેતીની પ્રવૃત્તિમાં રસ દાખવવા માંડ્યો. પ્રારંભમાં તેઓએ પરંપરાગત ખેતીને પ્રાધાન્ય આપ્યું. આ ખેતી દ્વારા તેમને મર્યાદિત આવક મળતી હતી. આથી તેઓએ બાગાયતી ખેતી કરવાનું વિચાર્યું.

સૌપ્રથમ તેઓએ પરંપરાગત બાગાયતીના કેરી, પપૈયા, લીચી, આમળા, જમરૂખ અને જરદાલુના છોડની રોપણી કરી. પરંતુ હિમાચલપ્રદેશમાં શિયાળાની ઋતુના સમયગાળામાં હિમવર્ષાને લીધે છોડ બળી જતા હતા. પરિણામે છોડ ઉપર ફળો ઓછાં બેસતાં હોવાથી ફળોનો ઉતાર ઓછો થતો હતો. તેઓ જ્યારે ઘરની બહાર જતા ત્યારે આજુબાજુ કે રસ્તે ચાલતાં જે સફરજનનાં બીજ કચરા તરીકે ફેંકી દેવાતાં હતાં તે બીજનો તેઓ સંગ્રહ કરતા હતા. તેઓ ભેગાં કરેલાં બીજની રોપણી કરતા હતા. સમય જતાં જે રોપણી કરેલાં બીજમાંથી તેમને અંકુર ફૂટેલા જોવા મળ્યા. તેઓ તે નાના છોડનું જતન કરવા લાગ્યા. 2001ના વર્ષમાં એક છોડ પરિપક્વ થયેલો હતો. તેના ઉપર સૌપ્રથમ વાર સફરજન બેસવા લાગ્યાં.

પરિપકવ થયેલા સફરજનના છોડા સાથે હરિમન શર્મા

તેઓ એક શિક્ષિત ખેડૂત હોવાને કારણે વિચાર્યું કે તેમનું ગામ તો સમુદ્રસપાટીથી આશરે 600 મીટર ઊંચાઈએ આવેલું છે અને તાપમાન નીચું રહે છે તો છોડ ઉપર ફળ બેઠાં કઈ રીતે ? તેમના માટે તો આ અસાધારણ ઘટના હતી.

તેઓએ આ ઘટનાને લક્ષમાં રાખીને તે છોડનું જતન કરીને એક વર્ષ પછી તે છોડની ડાળીઓ કાપીને રાસબરી(પ્લમ)ના છોડમાં તેની કલમ કરી. આ ‘કલમ’ કરવાના વિચારે તેમને સફરજનની ખેતીમાં સફળતા અપાવી. ત્રણ વર્ષ પછી તે છોડ ઉપર ઉત્તમ ગુણવત્તાવાળાં સફરજનનો ઉતાર મળવા લાગ્યો. વર્ષ 2004-2005માં તેમણે સીમલાથી ક્રેબ સફરજનના છોડ મંગાવ્યા, તે છોડનો કાળજીપૂર્વક ઉછેર કર્યો. છોડ પરિપક્વ થતાં તેની ડાળીઓની ‘કલમ’ કરીને એક નાનો બગીચો ઊભો કર્યો. આ બગીચામાંથી આજે પણ સફરજનનો ઉતાર મેળવાય છે. આમ સફરજનની ‘કલમ’ કરવામાં જે સફળતા મળી તેને લક્ષમાં રાખીને તેઓએ પોતાના બગીચામાં સફરજનની સાથે કેરી, દાડમ, લીચી, કીવી, જરદાલુ જેવાં ફળોના છોડ રોપ્યા. તેમાં પણ તેમને સફળતા મળી. આ સફળ પ્રયોગને હિમાચલપ્રદેશ રાજ્યના બિલાસપુર જિલ્લા પૂરતો ન રાખ્યો, પરંતુ અન્ય સાત જિલ્લા કાંગડા, હમીરપુર, ઉના, સોલન, મંડી, સિરમોર અને અંબા જિલ્લામાં પણ સફરજનની બાગાયતી ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા. પરિણામે આજે તો ત્યાંના બગીચાઓમાં એક લાખ જેટલા છોડ ઉપર સફરજનનું મબલખ ઉત્પાદન મેળવાય છે. આ ‘કલમ’ કરેલા છોડ ઉપરથી ઊતરેલાં સફરજનનાં ગુણવત્તા, આકાર અને સ્વાદમાં કોઈ તફાવત નથી.

આ અદ્વિતીય સફળતાને આધારે તેમની સોલન જિલ્લાની નૌણી શહેર ખાતે આવેલી પરમાર યુનિવર્સિટીમાં પ્રશાસન વિભાગના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી. તેમના થકી શોધાયેલ સફરજનના બિયારણ(બીજ)ને ‘HRMN–99’ નામ આપવામાં આવ્યું. તેમના સંશોધનમાં જણાવ્યું કે કોઈ પણ દેશના મેદાની કે ઉષ્ણકટિબંધીય, સમષીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં કે જ્યાં તાપમાન 40 સે.થી 50 સે. હોય તેવાં તમામ ક્ષેત્રમાં આ બિયારણની રોપણી કરવામાં આવે તો છોડનો સારો વિકાસ થઈ શકે છે અને ફળનો ઉતાર પણ બેસે છે. આ સિવાય પરંપરાગત કેરી, દાડમ, કૉફીની સાથે તેની મિશ્ર ખેતી પણ થઈ શકે અને સફળતા પણ મળે છે. આ બિયારણની શોધ પહેલાં હિમાચલપ્રદેશના હિમાચ્છાદિત વિસ્તારમાં સફરજનની ખેતી માટે સિરમૌર જિલ્લાના 800 મીટર ઊંચાઈએ આવેલા સ્થળે સંશોધન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું. તેને 1975માં બંધ કરવું પડ્યું હતું.

વર્ષ 2014-2015ના ગાળામાં આ બિયારણના પરીક્ષણ માટે ભારતનાં 23 રાજ્યોમાં આ બિયારણની પ્રાયોગિક ધોરણે રોપણી કરાવવામાં આવી હતી. આજે તો ઉપરોક્ત બધાં જ રાજ્યોમાં છોડ ઉપર સફરજન બેસવાનો પ્રારંભ થઈ ગયો છે. આજે તો નેપાળ, બાંગ્લાદેશ, જર્મની, ઓમાન વગેરે દેશોમાં આ બિયારણની રોપણીને આધારે સફરજનનું મબલખ ઉત્પાદન મેળવાય છે. આ બિયારણ માટે PPVFRA અધિનિયમ 2001 અનુસાર આ બિયારણની નોંધણી કરવામાં આવી છે.

આજે શ્રી હરિમન શર્મા સોલન જિલ્લાના સંશોધન કાઉન્સિલર ડૉ. વાય. એસ. પરમાર વન્ય તથા ઉદ્યાન અધ્યક્ષ વિશ્વવિદ્યાલયના સભ્ય છે. તેમજ હિમાચલપ્રદેશ સરકાર દ્વારા સંચાલિત ‘ઉદ્યાન વિકાસ સંસ્થા’માં રાજ્ય સ્તરે કાર્યકારણ સમિતિના સભ્ય તરીકે કાર્ય કરી રહ્યા છે.

HRMN–99 સફરજનનું ઉત્પાદન

હિમાચલપ્રદેશમાં આવેલ ‘હરિમન શર્મા એપલ નર્સરી’ ખાતે ત્રણ પ્રકારના રોપા મળે છે : (1) HRMN–99 (2) અન્ના (3) ડોરસેટ ગોલ્ડન. દરેક રોપા 70 રૂપિયાની કિંમતે મળે છે.

શ્રી હરિમન શર્માને 54 જેટલા પુરસ્કારથી સન્માનિત કરાયા છે.  જેમાંના મહત્ત્વના પુરસ્કાર આ પ્રમાણે છે :

  1. 2016 કૃષિ વિભાગ – રાષ્ટ્રીય નવપ્રવર્તક (ગ્રીન ગ્રાસ રુટ ઇનૉવેટર પુરસ્કાર) ભારત સરકારના કૃષિ વિભાગ)
  2. 2017 બિકાનેરના ખેતવિભાગ દ્વારા ‘ખેત-વૈજ્ઞાનિક’
  3. 2017 રાષ્ટ્રીય નવપ્રવર્તન પ્રતિષ્ઠાન (ભારતના વિજ્ઞાન અને ઔદ્યોગિક વિભાગ)
  4. 2017 ‘પ્રાઇડ ઑફ પંજાબ, હરિયાણા અને હિમાચલપ્રદેશ’ (‘Zee’ સમાચાર સંસ્થા)
  5. 2017 આઈ.આર.આઈ. ફેલો પુરસ્કાર
  6. 2018 સર્વશ્રેષ્ઠ ગ્રીન ગ્રાસ રુટ ઇનૉવેટર પુરસ્કાર (બિહાર – કૃષિવિભાગ)
  7. 2020 જગજીવનરામ કૃષિ અભિનવ પુરસ્કાર (ભારતીય કૃષિ વિભાગ અનુસંધાન પરિષદ)
  8. 2021 નવપ્રવર્તક પુરસ્કાર (શેર એ કાશ્મીર– વિજ્ઞાન અને ઔદ્યોગિક વિભાગ વિશ્વવિદ્યાલય, જમ્મુ)
  9. 2025 નૅશનલ ઇનૉવેશન ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરાયા હતા. (ગુજરાત સરકાર)
  10. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા HRMN–99 સફરજનના બિયારણ(બીજ)ની શોધ માટે પદ્મશ્રી પુરસ્કાર અપાયો હતો.

નીતિન કોઠારી